હવામાં ગોળીબાર:કવિ GSTમાં મુંઝાણા છે!

મન્નુ શેખચલ્લી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કવિના મનમાં ક્યારની ગડમથલ ચાલી રહી હતી. ‘સાલું, હવે છાશ ઉપર પણ GST? એ તો ઠીક, લોટ ઉપર પણ GST?’ મતલબ કે લોટ પણ ફાકવો અને GST પણ ભરવો? ગડમથલના મૂળમાં કવિની સદ્ધર આર્થિક સ્થિતિ હતી. ગઈકાલનો વધેલો રોટલો અને પાડોશીના ઘરેથી આવેલી છાશ વડે તે ‘લંચ’ કરવાના મૂડમાં હતા, પરંતુ આ GSTની ગડમથલમાં એમની ભૂખ મરી ગઈ. એમણે એમના ટેક્સ કન્સલ્ટન્ટને ફોન લગાડ્યો! અહીં સ્પષ્ટતા પૂરી કરી દઉં કે જ્યાં કવિની આવકના જ ફાંફાં હોય ત્યાં વળી ટેક્સ કન્સલ્ટન્ટ ક્યાંથી આવ્યો? તો વાત એમ છે કે એક જમાનામાં એમણે પોતાની લોકપ્રિયતા કેટલી પ્રચંડ છે તે બતાડવા માટે ઈન્કમટેક્સના રિટર્નમાં ‘એન્ટરટેઈનમેન્ટ ટેક્સ’ના નામે 125 રૂપિયા બતાડ્યા હતા! ટેક્સ ખાતાના અધિકારીએ પૂછ્યું કે તમે કોનું મનોરંજન કરેલું? તો કવિએ કીધેલું કે આ તો એક કવિ સંમેલનમાંથી મળેલો પુરસ્કાર છે. ત્યારે પેલા સાહેબે કીધેલું કે એને ‘સર્વિસ’ ટેક્સમાં બતાડો કેમ કે ઉઘરાણી કરનારા ગુંડાઓ પણ મારામારી અથવા મારામારીની ધમકીને ‘સર્વિસ કરી દીધી’ એમ કહે છે. બસ, એ જ દિવસથી કવિને GST યાને કે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં રસ પડવા માંડ્યો હતો! આમાં ‘ગુડ્ઝ’ તે પોતાની કવિતાઓને ગણતા હતા (GOODS જ કહેવાય ને! BADS તો કોણ કહે, પોતાની જ કવિતાને?) અને ‘સર્વિસ’ એ કવિતાઓને શ્રોતા સમક્ષ ફટકારવાની ક્રિયાને ગણતા હતા, પરંતુ આ ‘દહીં’વાળા ન્યૂઝ આવ્યા પછી જ ખરી ગડમથલ શરૂ થઈ! એમાં થયું એવું કે હજી થોડા જ દિવસો પહેલાં એમને કોઈએ ધમકી આપેલી કે ‘હવે જો મગજનું દહીં કર્યું છે તો તારાં હાડકાં ભાંગી નાંખીશ!’ કવિ હવે મુંઝાયા છે કે આ મગજના દહીં ઉપર GST ભરવાનો આવે તો શી દશા થાય? થોડી તપાસ કરતા ખબર પડી કે જો ‘છૂટક’ દહીં હોય તો GST ના લાગે, પણ ‘પેકિંગમાં’ હોય તો લાગે! કવિ વધુ મુંઝાયા! કેમ કે અહીં તો સામેવાળાનું મગજ (કવિ સંમેલનમાં તો એક નહીં, સેંકડો મગજ) ‘ખોપડીના પેકિંગમાં’ હોય છે! વળી ‘દહીં કરી આપવાની સર્વિસ’ પણ કવિના માથે જ ગણાય! ઉપરથી મગજનું દહીં થવાની ‘કિંમત’ તો પેલો ઘરાક જ નક્કી કરે ને? અહીં કવિને ટેક્નિકલ સવાલ એ થઈ રહ્યો છે કે મગજ યાને કે રો-મટીરિયલ ઘરાકનું, પેકિંગ યાને કે ખોપડી ઘરાકની, ફક્ત કવિતા રૂપી ‘મેળવણ’ જ કવિનું! તો એ દહીં ઉપર ટેક્સ કોણે ભરવાનો? શું મેળવણ ઉપર પણ GST લાગે? જોકે, કવિ હજી કોઈ ટેક્સ અધિકારીને પૂછવાની હિંમત નથી કરી રહ્યા, કેમ કે મગજનું દહીં કરી નાંખવાની ‘સર્વિસ’ તો એમણે જ આપી કહેવાય ને? કવિને એવા વિચારો પણ આવી રહ્યા છે કે જો કવિ સંમેલન કોઈ રેસ્ટોરન્ટમાં રાખ્યું હોય, તો તો નવા નિયમ મુજબ સર્વિસ ટેક્સ ના લગાડી શકાય ને? આમાં ને આમાં કવિના મનમાં જબરદસ્ત વિચાર-વલોણું ચાલુ થઈ ગયું! અરે, આ ‘વિચાર-વલોણું’ શબ્દ આવતાં જ કવિના મનમાં ઝબકારો થયો કે યાર, મારા મગજમાં જે વિચાર-વલોણું ચાલે છે એ પ્રક્રિયાને કારણે જ કવિતા રૂપી માખણ નીકળે છે ને! તો તો બોસ, કવિતા ‘બટર’ કહેવાય ને? અને બટર ઉપર તો GST છે જ! મતલબ કે જેટલી કવિતાઓની પસ્તી ભેગી થઈ છે એની ઉપર જો કદી ‘રેઈડ’ પડી તો? સાલું, ક્વિન્ટલોના હિસાબે GST ભરવાનો આવે! હવે કવિ બરોબરના ફસાયા છે... કેમ કે મગજમાં વિચાર-વલોણું બંધ થતું નથી, કવિતા રૂપી માખણનું ઉત્પાદન પણ થતું નથી, મગજનું દહીં પણ થઈ રહ્યું છે અને વલોણાને કારણે નકામી છાશનું પ્રવાહી છર્રર્રર્ર...છર્રર્રર્ર... એવા વિચિત્ર અવાજો કરી રહ્યું છે!⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...