પિયરિયું અત વા’લું રે ના, મા નૈ જાઉં સાસરિયે, સાસરિયે જાઉં તો મારા સસરાજી ભૂંડા, લાજડિયું કઢાવે રે, નૈ જાઉં સાસરિયે. પિયરિયે જાઉં તો મારા દાદાજી સારા, બેનબા કહી બોલાવે રે, નૈ જાઉં સાસરિયે. સાસરિયે જાઉં તો મારાં સાસુજી ભૂંડાં, રોજ રોજ દળણાં દળાવે રે, નૈ જાઉં સાસરિયે. પિયરિયે જાઉં તો મારાં માતાજી સારાં, દીકરી કહી બોલાવે રે, નૈ જાઉં સાસરિયે. સાસરિયે જાઉં તો મારા જેઠજી ભૂંડા, વઉવારુ કહી બોલાવે રે, નૈ જાઉં સાસરિયે. પિયરિયે જાઉં તો મારા વીરાજી સારા, બેનબા કહી બોલાવે રે, નૈ જાઉં સાસરિયે. સાસરિયે જાઉં તો મારાં જેઠાણી ભૂંડાં, રોજ રોજ પાણીડાં ભરાવે રે, નૈ જાઉં સાસરિયે. પિયરિયે જાઉં તો મારાં ભાભીજી સારાં, નણંદબા કહી બોલાવે રે, નૈ જાઉં સાસરિયે. લોકજીવનના ગમા-અણગમા, રીસામણાં-મનામણાં, રાવ-રાજીપો, ભાવ-અભાવ વગેરે આપણાં લોકગીતોનાં કથાનક બની ગયાં છે. લોક જેવું જીવે કે જુએ એ બધાનો પડછાયો લોકગીતોમાં પડે છે એટલે જ લોકગીતો લોકજીવનના ઓછાયાસમા હોય છે. લોકજીવનનાં પદચિહ્ન એટલે લોકગીતો, લોકઊર્મિનું ગેયરૂપ એટલે લોકગીતો, વ્યક્તિ કે લોકસમૂહનો બળુકો અંતરનાદ એટલે લોકગીતો. આ નાભિનો નાદ છે એટલે જ કર્ણપ્રિય અને ચિરંજીવી છે. ‘પિયરિયું અત વા’લું રે...’ લોકગીતમાં એક નાયિકાનો ‘નકાર’ છે પણ એ ‘હકાર’માં પરિણમે એવું વાતાવરણ ઘરઘરમાં સર્જવું પડશે. પરિણીતા પિયર આવી, થોડા દિવસ રોકાઈ પણ સાસરે જવાનો સમય થયો તો એને જવું ગમતું નથી, કારણો બહુ સચોટ બતાવ્યાં છે કે પિયર અતિશય વહાલું છે, સ્વાભાવિક છે, દીકરીને પિયરપ્રીતિ હોય જ પણ એનો અર્થ બિલકુલ એ નથી કે એને સાસરે જવું ન ગમે. સાસરે ન જવાનાં વિવિધ કારણો એવાં છે કે ત્યાં સસરા લાજ કઢાવે, સાસુ દળણાં દળાવે, જેઠ વઉવારુ કહીને બોલાવે, જેઠાણી પાણી ભરવા મોકલે. સામા પક્ષે પિયરમાં પિતા અને ભાઈ બેનબા કહી બોલાવે, માતા ‘દીકરી’ જેવું સંબોધન કરે, ભાભી નણંદબા કહે છે. લોકગીતનો ઉપરછલ્લો અર્થ કરીએ તો એવું લાગે કે નાયિકાને સાસરે કામ કરવું પડે એ અનુકૂળ નથી આવતું પણ એ અર્થ સાચો નથી, કેમકે કામ તો પિયરમાં પણ કરવું પડે. પરિણીતાઓ જ્યારે પિયરમાં થોડા દિવસ રોકાવા આવે ત્યારે માતાને-ભાભીને હાથ બટાવે જ. કામ કરવાનો વાંધો હોય જ નહીં, તો સાસરે અણગમો શેનો છે? લોકગીતના ઘૂનામાં ધુબાકો મારીએ ને ઊંડે સુધી જઈએ તો સમજાય કે નાયિકાને કોણ કેવી રીતે બોલાવે છે એ બહુ અસરકર્તા છે. સાસરિયે લાજ કાઢવી પડે છે, ‘વહુવારુ’ જેવું સંબોધન થાય છે-એમાં ક્યાંક ઉષ્માની ઊણપ એને લાગી રહી છે એટલે જ સાસરિયા માટે તેણે ‘ભૂંડા’ નું લેબલ લગાડ્યું છે. પિયરમાં તો બેનબા, દીકરી, નણંદબા-જેવાં હેતાળ વિશેષણો સાંભળવા મળે છે એટલે પિયરિયું અતિ વહાલું લાગે છે. જ્યારે નવીસવી વહુને ‘આઉટ સાઈડર’ માનવામાં આવતી, એને દીકરી તરીકે સ્વીકાર ન્હોતો મળતો, ઘરનું અવિભાજ્ય અંગ સમજવામાં ન આવતી, તેના પર પૂર્ણ વિશ્વાસ ન મૂકાતો ત્યારે વહુવારુઓને સાસરિયું કવળું લાગતું, પતિનું ઘર વાસ્તવમાં પોતાનું જ ઘર છે એવો અહેસાસ થવો બહુ જરૂરી છે. ટૂંકમાં સાસરિયા અને વહુ વચ્ચે સ્નેહનો સેતુ બંધાય એ પૂર્વે આવાં લોકગીતોના વિષયો ઘરઘરમાંથી મળી રહેતા.⬛ nilesh_pandya23@rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.