તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્ર-તત્ર-સર્વત્ર:પેન-કાગળ કે લેપટોપ…?

ભરત ઘેલાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંચવું હોય કે લખવું હોય.. આજની ડિજિટલ દુનિયા ઝડપથી કાગળરહિત થઈ રહી છે, પણ...

વર્ષો સુધી હાથથી અહેવાલ કે પોતાની કોલમ લખતા અમારા એક વરિષ્ઠ પત્રકાર મિત્રએ થોડા સમયથી હવે નાનું-નમણું લેપટોપ વસાવ્યું છે. આમ તો પેન-કાગળ પર લખતાં લોકોને લેપટોપ પર જલદી કી-ઈન કરતાં ફાવે નહીં. એમાંય સીધું ગુજરાતીમાં લખવું અમારા મિત્રને આકરું પડતું. લખવાનું માધ્યમ નવું હોય તો શરૂ-શરૂમાં આવી તકલીફ તો દરેકને પડે. એમાં અભ્યસ્ત થતાં થોડી વાર લાગે એ વાત તો અમારા મિત્ર પણ જાણે, પણ અહીં વિધિની વક્રતા એ છે કે અમારાં બધાં કરતાં એ વધુ ડિજિટલ ફ્રેન્ડલી છે. મોબાઈલફોનની નવી-નવી એપ્સના-જાતભાતના પ્રોગ્રામના એ બાદશાહ, પણ જેવી લેપટોપ પર માતૃભાષામાં લખવાની વાત આવી તો એ ઢીલાંઢફ. એમાંય લેપટોપ પર જોઈતી ફાઈલ-ફોલ્ડર ન મળે કે કી-ઈન કરેલું લખાણ કે.લાલ જેવા જાદુગરે જાણે અલોપ કરી દીધું હોય તેમ લેપટોપના સ્ક્રીન પરથી ‘દેખતે રહે જાઓગે’ની જેમ ગાયબ થઈ જાય ને અધૂરામાં પૂરું, માથા પર ડેડલાઈન ઘુમરાતી હોય તો ઉચાટ જબરો વધી જાય. આવી કટોકટી વચ્ચે અમારા મિત્ર તો ઘણી વાર એવો નિર્ણય સુદ્ધાં લઈ લે કે ‘તેલ પીવા જાય આ બધી માથાફોડી… લાવ, પલોઠી વાળીને જમીન પર બેસી જાઉં ને ખોળામાં ઓશીકું ને રાઈટિંગપેડ ગોઠવીને માંડું પેનથી ફટાફટ લખવા.’ આમ તો આયુની અર્ધ-શતાબ્દી વટાવી ગયેલી અમારા જેવા પત્રકાર- લેખકની જે પેઢીએ પાટી-પેન કે કાગળ-પેન્સિલથી અક્ષરજ્ઞાનનો આરંભ કર્યો છે, એમાંથી ઘણાં ખરાં આજે ડેસ્કટોપ કે લેપટોપ તરફ વળી ગયાં છે. અપવાદરૂપ હજુ કેટલાંય પેન-કાગળના આગ્રહી છે. નાનપણથી કાગળ-પેન સાથે જેમને જે સહજતાથી અક્ષર પાડવાની આદત પડી ગઈ એ બધાં એને જલદી છોડવા અવઢવ અનુભવે એ સમજી શકાય. એમને લેપટોપ કે ડેસ્કટોપ જેવું સાધન નડતરરૂપ લાગે છે. હાથથી લખીને જે ઝડપે પોતાના વિચાર વ્યક્ત કરી શકાય એ ટાઈપ કરવા જતાં વિચાર રૂંધાઈ જાય છે- અભિવ્યક્તિમાં અવરોધ આવે છે એવી દલીલ એમની છે. હા, એ બધાં આજના યુગમાં આવાં સાધનની ઉપયોગિતા સમજે છે. એમાં ફાવટ આવી જાય તો લેખનની ઝડપ-એનાં પ્રકાશનની કામગીરી તથા એની ડિજિટલ સાચવણી વગેરેની વાત સ્વીકારે પણ છે, છતાંય… ખેર, આ કાગળ-પેન કે કમ્પ્યૂટરની ખૂબી-ખામીની ચર્ચા ચાલતી રહેશે, પણ એ બધાંની વચ્ચે તાજેતરમાં જ એક સર્વેક્ષણનું બહુ રસપ્રદ તારણ આવ્યું છે. ક્મ્પ્યૂટરનાં આગમન સાથે હાથથી લખવાની ક્રિયા-પ્રક્રિયાને ભલે ગ્રહણ લાગી ગયું, પણ અમેરિકાની જાણીતી ‘જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી’ના બે વરિષ્ઠ પ્રોફેસર ડો. રોબર્ટ વિલી અને બ્રેન્ડા રાપની સંશોધન ટીમે હમણાં કેટલાંક તલસ્પર્શી પ્રયોગ કર્યા. 42 લોકોને એમણે ત્રણ ગ્રૂપમાં વિભાજિત કર્યાં. એમાંથી એક ગ્રૂપ હાથથી લખવાવાળું, બીજું કમ્પ્યૂટર ઉપર ટાઈપ કરનારું અને ત્રીજું હતું વિડીયો જોનારું. પછી એમને વિભિન્ન 6 તબક્કામાં અરબી બારખડી ભણાવવામાં આવી. એ પછી, ત્રણેય ગ્રૂપની ટેસ્ટ થઈ તો જાણવા મળ્યું કે ટાઈપ કરનારાં અને વિડીયો જોનારાં જૂથની સરખામણીએ હાથથી લખનારાં ઓછી ભૂલ સાથે સૌથી ઝડપથી અરબી બારખડી શીખી ગયાં હતાં. આ પ્રયોગના પરિણામનું પૃથ્થકરણ કરતા બંને સંશોધક કહે છે કે કશું પણ નવું શીખો એને તમે પોતાના અક્ષરમાં કાગળ પર ઊતારો. એ વખતે એના વિશે કુદરતી રીતે જે મનન-ચિંતન કે અન્ય પ્રતિભાવ સર્જાય એની છાપ બહુ ઝડપથી લાંબો સમય સુધી મનમાં સચવાઈ રહે છે. આવાં પરિણામ બીજાં બે માધ્યમમાં ઓછાં જોવાં મળે છે. આજના યુગમાં કમ્પ્યૂટરની ઉપયોગિતા અનન્ય છે. આમ છતાં હસ્તાક્ષરની સચોટતા વિસરી ન જવી જોઈએ. ખાસ કરીને, ઓછી વયથી જ બાળકોને કી-ઈનના રવાડે ચઢાવવાને બદલે એમને વધુ ને વધુ હાથે લખવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આમેય આપણાં વડીલો કહે જ છે ને :‘હાથે એ સાથે..!’ ⬛ bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...