આંતરમનના આટાપાટા:તૃષ્ણા પૂરી થાય ત્યારે જ શાંતિની શરૂઆત થાય છે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેટલી પરિસ્થિતિ કપરી અને કઠોર તેટલું જ માણસનું ઘડતર ઉત્તમ

ભારતનો કોહિનૂર હીરો બ્રિટિશરો લઈ ગયા. અત્યારે કોહિનૂર બ્રિટિશરોના કબજામાં છે. હીરો એક બહુમૂલ્ય રત્ન છે. હીરો કેટલો મૂલ્યવાન છે તે જાણવા માટે પારસ જેવા કાબેલ હીરાપારખુંની દૃષ્ટિ જોઈએ. પણ હીરો બને છે શેમાંથી એની ખબર છે? હીરો વર્ષોની પરિવર્તન પ્રક્રિયા વેઠતાં વેઠતાં કોલસામાંથી બને છે. સમય કોલસાને પણ હીરો બનાવી દે છે, પણ એ હીરો બનાવતા બનાવતા એને દબાણથી માંડી પરિવર્તનની અનેક પ્રક્રિયાઓમાં તાવે છે. હીરો રાતોરાત બની શકતો નથી. મનુષ્યના જીવનમાં પણ કાંઈક આવું જ છે. સાવ સામાન્ય માણસ સંજોગોના કારણે તેની સામે ઊભી થયેલી ભયાનક આફતોનો સામનો કરે છે. ક્યારેક ઉપર આકાશ ને નીચે ધરતીના સહારે એ નીંદર ખેંચી લે છે, ક્યારેક શિયાળાની કડકડતી ઠંડીમાં ઠૂઠવાય છે, ક્યારેક એ ધોધમાર વરસાદ સામે ખડક બનીને ટકરાય છે. ક્યારેક એને બે ટાઈમ ખાવા મળે છે, ક્યારેક નથી પણ મળતું. આ સંઘર્ષ કરતો માણસ જીવનથી હારી-થાકી નથી જતો. આ સંઘર્ષ એ ચાલુ રાખે છે. સુખશાંતિની પ્રાપ્તિ માટેનો મનુષ્યનો સંઘર્ષ અવિરત ચાલ્યા કરે છે. પણ સુખ શામાં રહેલું છે?

એક વાર્તા યાદ આવે છે. એક રાજા માંદો પડ્યો હતો. અનેક વૈદહકીમોની દવા કરી, ભુવાજતિને બોલાવ્યા, બાધાઆખડી કરી પણ રાજાની માંદગી મટવાનું નામ જ ના લે. એવામાં ક્યાંકથી ફરતાં ફરતાં એક સંત નગરમાં આવી ગયા. સંતને કોઈ રાજમહેલમાં લઈ ગયું અને રાજાની બીમારીનો ઈલાજ પૂછ્યો.

સંતે કહ્યું, ‘ચિંતાનું કોઈ જ કારણ નથી. કોઈ સુખી માણસનું પહેરણ રાજાને પહેરાવો, બધું જ મટી જશે.’ સંતે આટલું કહેતાં રાજાના માણસો ચારેય બાજુ નીકળી પડ્યા. આ માણસો જેમ જેમ આગળ વધતા ગયા, જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ નિરાશ થતા ગયા. આટલા સમૃદ્ધ રાજ્યમાં આટલી મહેનત કરવા છતાં કોઈ સુખી માણસ મળતો નહોતો. દરેકને કંઈનું કંઈ દુઃખ હતું. દિવસો વીત્યા, અઠવાડિયાં થયાં પણ રાજાના માણસોને કોઈ સફળતા મળતી નહોતી. એક દિવસ સૂરજ હજુ તો માંડ ઊગ્યો હતો ત્યાં ગામને અડીને વહેતી નદીના રેતાળ પટમાં એમણે જોયું, એક ખાખી બાવો મસ્તીથી શિયાળાની એ ઠંડી સવારે ઊગતા સૂરજનાં કૂમળાં કિરણોનો તાપ માણતો સુસ્તાઈ રહ્યો હતો. રાજાના એક માણસે એને પૂછ્યું, ‘અલ્યા ભાઈ, તું આમ બિન્દાસ્ત પડ્યો છે, તે તને કોઈ ચિંતા નથી?’

પેલો ખાખી બાવો ખડખડાટ હસી પડ્યો. એણે કહ્યું, ‘ભાઈ, ચિંતાની ચાસણીમાં ફિકરને ઓગાળીને ખાઈ ગયો છું.’ એટલે તરત જ બીજાએ પૂછ્યું, ‘તું સુખી છે?’ ખાખીએ જવાબ આપ્યો, ‘હાસ્તો વળી! મને શેનું દુ:ખ!’

રાજાના માણસો ખુશીના માર્યા ઉછળી પડ્યા. આટલા દિવસોની મહેનત છેવટે રંગ લાવી ખરી. એમણે હળવેથી કહ્યું, ‘બાબા, ખૂબ આનંદ થયો આપને મળીને. આપના આશીર્વાદ સાથે એક નાની ભેટ જોઈએ છીએ. તમારું ખમીસ જોઈએ છે.’

પેલો ખાખી બાવો ખડખડાટ હસી પડ્યો. બસ હસતો જ જાય. માંડ માંડ એનું હસવાનું રોકાયું ત્યારે એના મોંઢામાં શબ્દો હતા, ‘અલ્યા ભાઈ, અહીં ખમીસ છે કોના પાસે? હું તો આ મજાના તડકામાં શરીર શેકું છું, ટાઢ ઉડાડું છું.’ પેલા માણસોનો પડછાયો આ ખાખી બાવાના શરીર પર પડતો હતો. બાબાએ પોતાના અવાજમાં થોડો રોષ ભેળવીને કહ્યું, ‘ભાઈઓ! તમારો પડછાયો મારા પર પડે છે, મારું સુખ તમે છીનવી રહ્યા છો માટે જરા આઘા ખસો.’ જોઈ મજા! ખાખી સુખી હતો પણ એની પાસે શર્ટ એટલે કે ખમીસ નહોતું.

રાજાની ટુકડી નિરાશ થઈને પાછી ફરે છે. રાજાની પાસે તો અઢળક ધન છે. એની તિજોરીમાં એક એકથી ચડિયાતા કેટલાય હીરા સંઘરાયેલા છે, પણ એ શું કામના? છેલ્લે બે વાત. દરેક માણસે ઘડતરની કઠોર પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જેટલી પરિસ્થિતિ કપરી અને કઠોર તેટલું જ માણસનું ઘડતર ઉત્તમ. જેની પાસે પૈસો નથી અથવા કમાણી કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે, એ માણસ પૈસાનું જેટલું મહત્ત્વ સમજે છે તેટલું જેની પાસે અઢળક પૈસો છે, જેને ક્યારેય ભૂખ્યા નથી રહેવું પડતું, તે ક્યારેય નહીં સમજે.

અને બીજું, વસ્તુની કિંમત સમય કરે છે, પૈસો નહીં. ક્યારેક સુખી માણસ મળી જાય પણ એની પાસે ખમીસ નથી હોતું. સુખની આ જ તો વ્યાખ્યા છે. પળોજણ ઓછી કરો તો જ સુખને આવવા માટે રસ્તો મળશે. જો તમારું મન અપેક્ષાઓ અને આકાંક્ષાઓથી જ ભરેલું હશે તો સુખ ત્યાં પ્રવેશશે જ કઈ રીતે? સુખી થવું હોય તો ભગવાન જેમ જીવાડે તેમ જીવો. તૃષ્ણાઓના મૃગજળ પાછળ દોડો નહીં. એટલે જ તો કહ્યું છે કે... Peace begins when ambitions ends. તૃષ્ણા પૂરી થાય બરાબર ત્યારે જ શાંતિની શરૂઆત થાય છે.

અન્ય સમાચારો પણ છે...