તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાં ગોળીબાર:ડોક્ટર કરતાં (દોઢ) ડાહ્યાં દર્દીઓ!

એક મહિનો પહેલાલેખક: મન્નુ શેખચલ્લી
  • કૉપી લિંક
  • હવે તો દર્દીઓને કઈ દવા લેવી તેનું જ્ઞાન પણ ઓનલાઈન મળી જાય છે. થોડું ઘણું બાકી હોય તો દવાની દુકાનવાળો ખૂટતું જ્ઞાન આપી દે છે

એક તો આ કોરોના આવ્યો, એમાં ઉપરથી ઈન્ટરનેટ તો હતું જ! આમાં ને આમાં લોકો જાતે જ સોશિયલ મીડિયાની ડિગ્રીઓ લઈને ડોક્ટરો બની રહ્યાં છે. જેમને અગાઉ ન્યૂમોનિયાનો સ્પેલિંગ પણ સરખો નહોતો આવડતો, (હજી પણ નથી આવડતો કેમ કે એનાં કોઈ ભેદી કારણસર ‘P’ આવે છે.) એ લોકો આજે ‘હાઈડ્રોક્સિક્લોરોક્વીન’ અને ‘ટોસિલિઝુમેબ’ જેવાં નામો વડે રોજ કોગળા કરતા થઈ ગયા છે! ડોક્ટરો બિચારા સાડા પાંચ વર્ષની ગોખણપટ્ટી, મજૂરી અને ઈન્ટર્નશિપની સેવા કર્યા પછી દીવાલ ઉપર લટકાડી શકાય એવી ડિગ્રીનું ફરફરિયું મેળવે છે, જ્યારે પેશન્ટો? હજી એમને જરીક ખાંસી અને સાડા નવ્વાણું ડિગ્રીનો તાવ નથી આવ્યો ત્યાં તો મોબાઈલમાં જાતે જ શોધી કાઢે છે કે એમને જે થયું છે એ કોરોનાના ડેલ્ટા-પ્લસ વેરિયન્ટનું પ્રથમ લક્ષણ નથી! આ તો માત્ર રેસ્પિરેટરી ટ્રેકનું માઈનર ઈન્ફેક્શન છે, જેની દવા ટીવીની એડમાંથી અથવા મોબાઈલના મેસેજોમાંથી કે પછી જૂનાં છાપાંમાંથી કાપીને રાખેલાં ‘દાદીમાનું વૈદું’નાં કટિંગ્સમાંથી મળી શકે છે. એક સમયે આપણા ફેમિલી ડોક્ટરો આપણા ફેમિલી મેમ્બર જેવા હતા. એમની પાસે આપણી ત્રણ-ત્રણ પેઢીની હેલ્થ કુંડળીઓ મોઢે રહેતી હતી. ફલાણાં માસીને પેનિસિલિનનું રિએક્શન આવે છે અને ઢીકણા કાકાના નાના બાબાને મિલ્ક પ્રોડક્ટ્સની એલર્જી છે વગેરે. એ ડોક્ટરો આપણા ઓલ-ઈન-વન સગા હતા. ‘તુમ્હીં હો ડેન્ટિસ્ટ, તુમ્હીં હો કાર્ડિયો, તુમ્હીં હો ગાયનેક, સખા તુમ્હીં હો…’ આવું ગાયન એમના બર્થ-ડે વખતે મૂકીને આપણે એમના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં વિશ કરી શકતા હતા. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે એમની વચ્ચે મોટું સોશિયલ ડિસ્ટન્સ ઊભું થઈ ગયું છે. જે રીતે સિરિયલોમાં કાકા-બાપાના ભાઈઓ વચ્ચે ‘પ્રોપર્ટી’ કે ‘કાગઝાત’ બાબતે શંકાનાં બીજ રોપાઈ જાય છે એમ આજે પેશન્ટોને લાગે છે કે ફેમિલી ડોક્ટર એમની ‘મિલકત હડપવા’ માગે છે. સત્તર જાતના મોંઘા ટેસ્ટ રિપોર્ટ વગેરે કરાવીને! બિચારા ડોક્ટરો શેના માટે ડિગ્રીઓ લે છે? ખરેખર તો એમણે ડિપ્લોમા લેવા જેવો છે. ‘ડિપ્લોમા ઈન ડિપ્લોમસી!’ એમણે દર્દીઓ સાથે શી રીતે વાત કરવી એ જ હવે કળા બની ગઈ છે! ‘ઓહો… તમે ઈન્ટરનેટ ઉપર બધું સર્ચ કરીને જ આવ્યાં છો! વાઉ! અને તમને ખાલી એટલો જ ડાઉટ છે કે તમને ‘આનંદ’ ફિલ્મવાળો લિમ્ફોસરકોમા ઓફ ધ ઈન્ટેસ્ટાઈન છે કે ‘દિલ બેચારા’વાળું સુશાંત સિંહને થયેલું અઘરા સ્પેલિંગવાળું કેન્સર છે! વાહ! કહેવું પડે! માન ગયે આપ કી પારખી નજર કો, દિપીકાજી!’ એમાં ‌વળી ‘નિરમા’ની જાહેરાતના ડાયલોગ બોલતી હોય તેમ આ દિપીકાજી વધુ બે ગૂગલ સર્ચ કાઢીને દવાઓ બતાડતાં કહેશે ‘જબ વહી દામ, વહી રિઝલ્ટ ઔર વહી સફેદી ઈસ સે મિલે… તો કોઈ વો દવાઈ ક્યૂં લે?’ જી હા, હવે તો દર્દીઓને કઈ દવા લેવી તેનું જ્ઞાન પણ ઓનલાઈન મળી જાય છે. થોડું ઘણું બાકી હોય તો દવાની દુકાનવાળો ખૂટતું જ્ઞાન આપી દે છે: ‘બહેન, ખાલી કંપની અલગ છે, બાકી દવા સેઈમ છે અને દસ ગોળી શું કામ, પાંચમાં તો મટી જશે.’ એમાં જો વળી દર્દીની હસ્તી જ ‘મટી’ જાય તો પાછાં ડોક્ટર ઉપર કેસ કરશે! આ બધાંમાં સૌથી નસીબદાર ‘વેટરિનરી’ ડોક્ટરો છે. એ લોકો રોજ એમનાં પેશન્ટો યાને કે ક્યૂટ ડોગીઓ, લવલી બિલાડીઓ, સ્વીટ પોપટો તથા કૂલ કાચબાઓ સાથેની સેલ્ફીઓ મોબાઈલમાં મૂકી શકે છે! એમના ફોલોઅર્સ પણ લાખોમાં હોય છે. અને હા, ફોલોઅર્સ વધારવા માટે બધા ડોક્ટરો કંઈ લેખક બની શકતા નથી. સમજ્યા? ⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...