બુધવારની બપોરે:પાર્ટી-શાર્ટી

અશોક દવે12 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલની પાર્ટી-શાર્ટીઓમાં જવાનીય એક અદબ હોય છે. નાહીને ટુવાલ વડે માથું લૂછતા બહાર આવો, એવા વેશે પાર્ટીમાં ન જવાય... (ગોરધનોની વાત છે!) ભલે ગમે તેટલું મોડું થતું હોય! આપણને ડર પેલીનો લાગતો હોય, ‘એ હવે કેટલી વાર છેએએએએ…? સાડા સાતનો ટાઈમ છે અને આઠ તો અહીં વાગ્યા!’ એમાં સાલું ઘણી વાર એ જ કપડે (આઈ મીન, એ જ ટુવાલે) ઘરની બહાર નીકળી જવાય છે! પાર્કિંગમાં પહોંચીએ ત્યારે યાદ આવે કે, આવા વેશે પાર્ટા-ફાર્ટામાં ન જવાય! બા ખીજાય! હકી અને હું પેલી ‘સરપ્રાઈઝ પાર્ટી’માં ગયા હતા. ફ્રેન્કલી, અમને ત્યાં યજમાનો (hosts) સિવાય કોઈ ઓળખતું નહોતું. ભીડ ઘણી હતી, પણ અમે અજાણ્યા એટલે જે અમારી સામે જુએ, એ એવી રીતે જુએ કે, કેમ જાણે અમે વગર આમંત્રણે આવ્યાં હોઈશું! એ લોકો તો બધાં એકબીજાને ઓળખતાં હતાં. અમે જ ‘પેટીનો માલ’ હતાં! એ કારણે એ બધાં તો એકબીજા સાથે લેવાદેવા વગરનું હસીને ઉમળકાથી મળતાં હતાં… અમે ‘ભરાઈ ગયાં’ હોઈએ, એવું લાગતું હતું! અમને ઈન્વાઈટ કરનારા હોસ્ટ પણ દેખાતા નહોતા. એક રસ્તો હતો કે, જે અમારી સામે જુએ, એની સામે લેવાદેવા વગરનું સ્માઈલ આપીએ. આપણે આપ્યું હોય એટલે એ લોકોનો તો છૂટકો નહીં, સામું આપ્યા વગર! એક વાર તો હકીએ કહ્યુંય ખરું કે, છાનામાના નીકળી જઈએ, પણ હજી કેક કાપવાની બાકી હતી અને ખાસ તો ‘ડિનર’ વગર નીકળી જઈએ તો રવિવારે કોઈ હોટલમાં જગ્યાય ન મળે. જમીએ ક્યાં? આજકાલ તો હોટલમાં બે જણા જમવા જઈએ એટલે મિનિમમ બારસો-પંદરસોની ઊઠે છે! પેલાં લોકોને ગિફ્ટ આપવામાં હજાર-બે હજાર ખર્ચાયા હોય તે જુદા! એટલે, નક્કી કર્યું કે, ભલે આમાંનું કોઈ ન ઓળખે, પણ જમીશું તો અહીં જ! અને જમ્યા વગરનાય જઈએ તો યજમાનોને તો એમ જ લાગવાનું છે કે, બરોબરનું ‘દાબીને’ ગયા લાગે છે!... કોઈ પંખો ચાલુ કરો! કદાચ એકાદું કોક ઓળખીતું મળી જાય તો પાર્ટીમાં એકલા એકલા બૉર થવા કરતાં બીજાને બૉર કરવાનો આપણને ચાન્સ રહે. (એમાં તો પાછું આપણું નામ છે!) હકીએ મને ઘણી કોણીઓ મારી કે, ‘જરા જુઓ તો ખરા, કોઈ ઓળખીતું મળે છે?’ રાહ તો હુંય એવી જોતો હતો, પણ એ ઓળખીતું નહીં, પણ ‘ઓળખીતી’ હોય તો વાતમાં જરા વજન આવે! (હું તો નવું શર્ટ પહેરીને ગયો હતો…) પુરુષો આમેય મને બૉર કરે છે. એની એ જ મોદીની, પેટ્રોલના ભાવવધારાની કે ક્રિકેટના વર્લ્ડકપની વાતો! નોટ ઓન્લી ધેટ… નવો કોઈ મળે એને ઈમ્પ્રેસ પણ કેવી રીતે કરવો કે, સાલો એ આપણાથી વધારે સ્માર્ટ હોય! આ તો એક વાત થાય છે! પહેલી વાર કોઈ અજાણી સ્ત્રી મળતી હોય તો પૂરા ફોર્મમાં આવી જઉં છું. આપણા વિશે જે આપણેય જાણતા ન હોઈએ, એ બધું એને કહીને એની પાસે, ‘ઓહોહો…આહાઆ!’ કરાવી શકાય! કોઈ ઉચ્ચ કૂળની મહિલા હોય તો સદીઓથી સાચવી રાખેલા મારા સ્માઈલો સાથે વિવેકપૂર્વક કંઈક શરૂઆત પણ કરું. એમ તો ફ્રી-ઓફ-ચાર્જ વાતો કરવા ત્યાં બે-ચાર સ્ત્રીઓ મળી પણ ખરી, પણ એકના માથામાં ઘચાઘચ તેલના રેગાડાં નીકળતા હતા, બીજીને ઉપર દાંતો વચ્ચે પાનકોર નાકા જેટલી જગ્યા, ત્રીજી બોલતા થૂંક ઊડાડતી હતી. આમાં તો ફોર્મ ભર્યાના પૈસાય પાછા લેવા ન જવાય! પણ આંખ ઠરે એવી એક ખૂબસૂરત સ્ટાઈલિશ અને પાછળ કમર સુધીના સીધા સિલ્કી વાળ સાથે એક સ્ત્રી આવી, હકીના બંને હાથ પકડીને પોતાની તરફ ખેંચતા બોલી, ‘ઓહ, હકીઈઈઈઈ…! ઓ યાર તું અહીં? વાઉ, વોટ એ પ્લેઝન્ટ સરપ્રાઈઝ…?’ હકી ઈસ્ટ આફ્રિકાના નાયરોબીની છે અને આ સોનપરી પણ ત્યાંની જ ખાણોનું ઉત્પાદન હતું. એણે મારી સાથે શેઈક-હેન્ડ કર્યો અને બોલી, ‘ઓહ હેલ્લો આન્કલ… એ હકી… આ તારા પપ્પા છે ને? આ ઉંમરે પણ કેવા ચાર્મિંગ લાગે છે! હકી આઈ એમ પ્રાઉડ ઓફ યૂ…’ મેં ગળામાં ચમચી ભરાઈ ગઈ હોય એવા અવાજે ‘હાય’ કહીને એની સામે મારે વપરાયા વગરનું પડી રહેલું સ્માઈલ કર્યું. હકી ઉપર ગુસ્સો તો એવો ચઢ્યો હતો કે, એણે સ્પષ્ટતા ન કરવી જોઈએ કે, ‘આ મારા ડેડી નહીં… આ તો મારા શ્યામ છે.’ પણ હકીને તો જાણે પેલીના અદ્ભુત નિરીક્ષણ ઉપર માન થયું હોય એમ, એને ખૂણામાં લઈ જઈને કહેવા માંડી, ‘ઓહ સોનુડી તુંઉઉઉઉ…? ચલ, આ બાજુ આવ!’ ભરી પાર્ટીમાં મને મારા ઉપર ગુસ્સો આવ્યો. ‘સાલો હું… હકીના ફાધર જેવો લાગું છું?’ ચહેરા ઉપર ભારેખમ પસ્તાવાના ભાર સાથે પાર્ટીઓને પડતી મૂકીને હું, જો કોક ઓળખીતું મળી જાય તો શોધવા લાગ્યો. કોઈ દેખાય નહીં. બર્થ-ડે બોય (પિચ્ચોતેર વર્ષના ચીચુ કાકા) કે એમના ઘેરથીય કોઈ દેખાતું નહોતું, પછી યાદ આવ્યું કે, આવી ‘સરપ્રાઈઝ-પાર્ટીઓમાં’ છોકરાઓ ડોહા-ડોહીને સસ્પેન્સમાં રાખીને મંદિર-ફંદિર લઈ જતા હોય છે ને ચોક્કસ ટાઈમે બંને ગુન્હેગારોને હાજર કરીને મહેમાનો પાસે બુલંદ અવાજે ‘હેપ્પી બર્થ-ડે ટુ યૂઉઉઉઉ…’ ગવડાવે, પછી હોઠ અને દાઢી ઉપર ચોંટે એવી કેક પરાણે મ્હોમાં ખોસવામાં આવે છે, વગેરે વગેરે…!’ હકી અને હું એમની જ રાહ જોતાં હતાં… રાઝ ખૂલ્યું ને એ આવ્યા ત્યારે ખબર પડી કે, આ તો કોક નાનકડા લશ્ટુના બર્થ-ડેની પાર્ટી છે, જેના ખાનદાનમાં અમે કોઈને ઓળખતાં નહોતાં. ભૂલમાં ભરાઈ પડ્યાં… સાલા જમ્યા-કર્યા વગર કોઈને ખબર ન પડે એમ બંને ત્યાંથી છટકી ગયાં. હોટલની નીચે સોનપરી ઊભી હતી ને ક્ષમાયાચના સાથે અમારી પાસે આવીને મને કહે, ‘શ્યોરી હોં શ્યોરી… મેં આપને ઓળખ્યા નહીં કે, આપ હકીના પપ્પા નથી… એના વહાલા વહાલા સસુરજી છો!’{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...