કિંચિત્:પરસાઈની પીડા અને વ્યંગનો જન્મ

મયૂર ખાવડુ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ‘મારું અનુમાન છે કે મેં લખવાનો દુનિયાની વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કર્યો.’

ગુલિવર્સ ટ્રાવેલ્સ’ જેવી અદ્્ભુત હોરેટિયન વ્યંગકથા જે બાળકથામાં ખપાઈ ગઈ તેના સર્જનહાર જોનાથન સ્વિફ્ટે લખ્યું છે, ‘વ્યંગ એટલે તેમાં વાચનારને પોતાના સિવાય તમામના ચહેરા દેખાય.’ હિન્દીમાં શ્રીલાલ શુક્લ અને શરદ જોશીની સાથે હરિશંકર પરસાઈ વ્યંગનું એક અજોડ નામ છે. સમાજની એક રગ હોય. એમાંથી નિત્ય સારોનરસો શોણિત પ્રવાહ વહેતો રહે, પણ કોઈ દિવસ દેખાય નહીં. દેખાય એ માટે બે સશક્ત આંખો અને સ્મરણવૃત્તિ પ્રબળ હોવી જોઈએ. કલાકારો સમાજની આ શુદ્ધિ-અશુદ્ધિને પોતાના વિચારમાનસ મુજબ રેખાંકિત કરે. મસમોટી નવલકથાઓમાં વાંચ્યું, વાર્તામાં ક્યાંક પ્રતીકમાં ખોવાઈ ગયું, કવિતામાં થોડું સમજ્યું પણ વ્યંગમાં જેવી સોંસરવું ઉતરી જવાની પ્રતિભા પડેલી છે તેવી અન્ય કોઈ પ્રકારમાં નથી. દુ:ખની વાત તો એ છે કે વ્યંગ લખવા માટે પણ એક વિસ્મયકારી પ્રતિભા જોઈએ, નહીં તો હાસ્યાસ્પદ વિષય બનીને રહી જાઓ. હરિશંકર પરસાઈને આ વ્યંગવિદ્યા તેમના આર્થિક સંકટે આપી હોવી જોઈએ. હોશંગાબાદમાં શિક્ષા અધિકારીની નોકરી મેળવવામાં તેઓ નિષ્ફળ ગયા. ખિસ્સાં ખાલી હતાં. પેટમાં પાણી ભરી ભરીને થાકેલા. વિશ્વયુદ્ધનો આખેટક સમય હતો. રેલવે સ્ટેશન પર નીચે રૂપિયો પડ્યો હતો, પણ લેવાની હિંમત નહોતી થતી. કોઈ શું વિચારે? એક ખેડૂત આવી તેમની નજીક બેઠો. તેની પાસે શક્કરટેટી હતી. પરસાઈની જીભમાં પાણી આવી ગયું, ચોરી કરવાની ઈચ્છા થઈ ગઈ, પણ ખેડૂત કોને કહેવાય? એ પરસાઈનો ભૂખ્યાંજનોનો જઠરાગ્નિવાળો ભાવ જાણી ગયો. એણે ટેટીનો એક ભાગ કાપી ભૂખ્યા પરસાઈને આપી દીધો. જબલપુરની સરકારી શાળામાં નોકરી મળી ગઈ. પહેલો પગાર આવ્યો અને પગારની સાથે એક વિલાપના સમાચાર કે પિતાજીનું મૃત્યુ થયું છે. ઘરની આર્થિક સ્થિતિ એટલી કપરી કે પિતાનું શ્રાદ્ધ કરવા માટે તેમને માતાના દાગીના વેચી દેવા પડ્યા. પિતાના નિધન બાદ દુનિયાદારીને એમણે પોતાની રીતે વ્યાખ્યાબદ્ધ કરી લીધી. કોઈના બાપથી ડરવું નથી. જવાબદારીને જવાબદારીની જગ્યાએ ગેર-જવાબદારીથી નિભાવવી છે. અપ્રામાણિક બનવામાંથી પણ પારોઠનાં પગલાં નથી કરવા. થઈ રહ્યું! આવું કરતા નોકરી ગુમાવવી પડી. લાભ પણ ગયા અને કેટલાંક ઈનામ પણ હસ્તરેખાની લકીરોમાંથી ભૂંસાઈ ગયાં. બહેનનાં લગ્ન કરવા જઈ રહ્યાં હતાં તો ચોર ખિસ્સું કાપી ગયો, પણ મનોમન નક્કી કરી રાખ્યું હતું કે બેજવાબદારીપૂર્ણ વ્યક્તિત્વ રાખવું છે. બહેનનાં લગ્ન છે, ચોર ખિસ્સું કાપી ગયો છે અને તો પણ બાકીના પૈસાથી આગલા સ્ટેશને મોજથી પૂરી અને શાક ખાય છે! પરસાઈ પોતાના આત્મકથાનાત્મક વ્યંગ ‘ગર્દિશ કે વો દિન’માં લખે છે, ‘કેટલાંય લોકો ખુદને બિચારા કહી સંતોષનો અનુભવ વ્યક્ત કરે છે. મને પણ પહેલાં એવું જ લાગ્યું, પણ બાદમાં મને લાગ્યું આટલા બધા બિચારાઓમાં હું બિચારો ક્યાં! આટલા લોકોની કપરી પરિસ્થિતિમાં મારો સંઘર્ષ ક્યાં! મારું અનુમાન છે કે મેં લખવાનો દુનિયાની વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કર્યો.’ જીવનની તડકી-છાંયડી જોયા પછી પરસાઈએ લખવા માટે ઈતિહાસ, રાજનીતિ અને સંસ્કૃતિનો અભ્યાસ શરૂ કર્યો. તેમની વ્યંગરચનાઓ વાંચશો તો ખ્યાલ આવશે કે તેમણે આ ત્રણ વિષયના ત્રિકોણમાં જ રહીને હિન્દી હાસ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. રાજનીતિ અને સંસ્કૃતિનો ઢોંગ કરનારા દંભી વિદ્વજનો પર તેમની કલમ ચાબુકની જેમ ચાલી છે. તેમને વાંચો તો ખ્યાલ આવે કે આજે પણ કંઈ વધારે ફેરફાર નથી થયો. વ્યંગ લખવા માટે એક અનોખા વ્યક્તિત્વનું તેમણે નિર્માણ કર્યું, જેમાં વ્યંગને માત્ર વ્યંગની દૃષ્ટિએ ન લેતાં તેમાં ગંભીરતા લાવી. તેઓ વ્યંગ લખતા પણ સંપૂર્ણ ગંભીરતા, સજ્જતા, સહજતા અને પ્રામાણિકતાથી. આ ગંભીરતા અને પ્રામાણિકતાનો શંભુમેળો એવો રચાયો કે વાંચનારો દેશની રાજનીતિ અને સમાજનાં લોકોએ કરેલી સ્વયંની દુર્દશા પર હસતો. વિનોદ ભટ્ટ હાસ્યને જે ખારાં આંસુ કહે છે, બસ, એ ખારાં આંસુ સામાન્ય માણસ વહાવતો અને આજે પણ એ અટક્યાં નથી. વાચકોને વ્યંગમાં અપ્રતિમ સૌંદર્યની બક્ષિસ આપનારા પરસાઈ તો પણ એમ કહેતા કે, ‘મારા જેવા લેખકોનું એક બીજું સંકટ એ છે કે અંદર જેટલું તોફાન મચ્યું હોય એટલું શબ્દોમાં નથી લાવી શકતા. રાત-દિવસ વ્યગ્રતામાં જ નીકળી જાય છે. આ કઠણાઈ તો જે સર્જક હોય એ જ સમજી શકે.’⬛ cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...