દેશી ઓઠાં:પોપટનો લેંઘો

11 દિવસ પહેલાલેખક: અરવિંદ બારોટ
  • કૉપી લિંક

પીપળવા ગામનો પોપટ. સીધો-સાદો માણસ. આજ બપોરથી પોપટ ભારે ખીજમાં છે. બાળપણના ભાઈબંધ રઘલાની જાનમાં જાવા સાટુ નવાં લૂગડાંની જોડ સીવવા નાખી છે. પણ, ગીધો સઈ આઠ જમણથી ધક્કા જ ખવડાવે છે. સવાર, બપોર ને રોંઢાના વાયદા જ કરે છે. સવારે તો રઘલાની જાન ઉઘલવાની છે. છેવટે વાળું ટાણે પોપટના હાથમાં નવાં લૂગડાં આવ્યાં. પોપટ તો હરખાણો. ઘેરે જઈને લૂગડાં પે’રી જોયાં તો પોપટનો બધો હરખ હેઠો બેહી ગ્યો. લેંઘો ચાર આંગળ લાંબો સીવેલો. જમીન ઉપર ઢસડાય. હવે? ઘરવાળીને કીધું: ‘આ મારો નવો લેંઘો ચાર આંગળ કાપીને સિલાઈ કરી દે ને!’ ઘરવાળીએ છણકો કર્યો: ‘હજી તો હંજેરો કરીને માંડ નવરી થઈ. આમાં હું ક્યાંથી તમારો લેંઘો ટૂંકો કરું?’ પોપટે માને કીધું. માએ કચવાતા જીવે કીધું: ‘ગગા! મને આંખે ઓછું સૂઝે.’ સાસરેથી મળવા આવેલી બેનને કીધું. બેનને હોઠે જ ઉત્તર હતો. ‘હું તો હમણાં જ કરી દઉં, ભાઈ! પણ મારાં આ બેય છોકરાં બહુ કજાડા છે. મારી વગરનાં ઘોંટાશે જ નહીં.’ ‘ભલે, બેન! કાંઈ વાંધો નહીં.’ બધાં પોઢી ગ્યાં પછી પોપટ ઊભો થ્યો. દીવો લઈને પોતે જ લેંઘાના બેય પાયસા ચારચાર આંગળ કાપી, સિલાઈ કરીને લેંઘો ટાંકામાં મૂકીને સૂઈ ગ્યો. થોડીક વાર પછી ઘરવાળી પાણી પીવા ઊઠી. મનમાં પસ્તાવો થ્યો: ‘બચાડા જીવ, કોઈ દી કામ નો ચીંધે, આજ વળી ચીંધ્યું તો હું ભમરાળી ના પાડીને બેઠી.’ એણેય ઊઠીને લેંઘો ચાર આંગળ ટૂંકો કર્યો. મોડેકથી માને ઉધરસ ચડી તે ઊંઘ ઊડી ગઈ: ‘અરેરે! મેં મા જનેતા ઊઠીને મારા દીકરાને આણોહરો કર્યો!’ દીવાના અજવાળે લેંઘો ચાર આંગળ ટૂંકો કરીને માડી સૂઈ ગ્યાં. ભાંગતી રાત્યે ભાણિયાએ ભેંકડો તાણ્યો. બેન ઊઠી. છોકરાને છાનો રાખ્યો. વિચારે ચડી: ‘અરેરે! માજણ્યા ભાઈનું એક નાનું અમથું આહોતું મેં નો કર્યું!’ બેન ઊઠી.એણેય ચાર આંગળ... પરોઢિયે પોપટ ઉઠ્યો. નાઈધોઈને હરખથી નવાં લૂગડાં પે’રવા જાય છે...પણ, આ શું? લેંઘો નહોતો, ચડ્ડી હતી..!⬛

અન્ય સમાચારો પણ છે...