તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટાઇટલ્સ પૈસો હાથનો મેલ છે અને બધાંને મેલા થવું છે.(છેલવાણી) ડાયમંડ જીમ બ્રેડી નામનો અબજોપતિ એનાં ‘ડાયમંડ’ હીરા-ઝવેરાતના શોખ માટે જાણીતો હતો. ન્યૂયોર્ક શહેરમાં છેક 1895માં ગાડી ખરીદનાર એ જગતનો પહેલો માણસ હતો, પણ પૈસા ઉપરાંત ‘ટેસ્ટ’ પણ હતો એની પાસે! હોટેલમાં જમવા જાય ત્યારે દસ માણસ જમે એટલું ઓર્ડર કરી ઝાપટી જતો. એણે એની પ્રેમિકા લીલીયન રસેલ નામની હીરોઈનને એટલે જ પટાવેલી, કારણ કે એ પણ ખાવાપીવામાં એની ટક્કરની હતી! (સંસ્કૃતમાં શ્લોક છે ‘સમાન શીલ વ્યસનેષુ સખ્યમ્’ અર્થાત્ ચારિત્ર્ય અને આદતોમાં એકદમ સમાનતા હોય તો જ મૈત્રી સંભવે!) એ ડાયમંડ જીમ બ્રેડી ડોલરની નોટમાં તમાકુ ભરીને સિગારેટ બનાવીને પીતો! તમને લાગશે કે આ તો જરા પૈસાનું ‘વલ્ગર’ પ્રદર્શન છે, પણ ડાયમંડ માટે એ અલ્લડ ઐયાશી હતી! ઓકે, જો તમને આવી સ્ટાઈલ ભૂંડી લાગતી હોય તો એની સામે ડાયમંડની રાજાશાહી ‘ટેસ્ટ’વાળો હતો એ જુઓ! એણે લીલીયનને પટાવવા ત્રણ ડઝન ગુલાબ મોકલ્યાં ત્યારે દરેક ગુલાબ પર ઝાકળનાં બિંદુની જગ્યાએ સાચા ડાયમંડ જડીને મોકલેલા! આને પૈસાવાળાની ‘ચાર્મિંગ’ મસ્તી કહી શકાયને?
મારા એક કરોડપતિ મિત્રે એક સુંદર હીરોઈનને પૂછ્યું, ‘હું કરોડપતિ છું, મને પરણીશ?’ હીરોઈને કહ્યું, ‘ના સોરી, પણ તમારા સારા ટેસ્ટની હંમેશાં કદર કરીશ.’ ઇનશોર્ટ, વાત પૈસાની નથી હોતી. ટેસ્ટની હોય છે. તમારી પાસે કેટલા પૈસા છે એ અગત્યનું નથી, પણ તમે કઈ રીતે, કયા અંદાઝમાં પૈસા વાપરો છો એ અગત્યનું છે. પહેલાં તો કેટલાં પૈસા હોવા જોઈએ એ જ સમજવામાં જિંદગી ખૂણેખાંચરે ખર્ચાઈ જાય છે અને પૈસા પણ ખૂણામાં પડી રહે છે. અમારી પાસે એકઝેટલી એટલાં જ પૈસા ‘નથી’ જેટલા અદાણી - અંબાણી કે ટાટા પાસે ‘છે’! એ રીતે અમારી અને એમની વચ્ચે ખૂબ સામ્ય છે, પણ અમે કોઈ દિવસ એમને એ વાતનું ખરાબ લાગી જાય એવું અભિમાની વર્તન નથી કર્યું! એમની પાસે અમારાથી, અમુક અબજ રૂપિયા વધારે છે તો શું થયું? હોય! અમારા મનમાં કોઈ એનો ભેદભાવ નથી. અમારા એક મિત્રએ ખૂબ પૈસાવાળી અને થોડીક સાધારણ દેખાતી કન્યા સાથે ગણતરીપૂર્વક લગ્ન કર્યાં. આ જાણીને અમે મિત્રોએ એને એક દિવસ ઘેરી લીધો અને પોઈન્ટ બ્લેન્ક સવાલ પૂછ્યો, ‘યાર, સાચું કહે... તેં પેલી સાથે માત્ર પૈસા માટે જ લગ્ન કર્યાં ને?’ ત્યારે મારા મિત્રે અકળાયા વિના શાંતિથી કહ્યું, ‘જો એની પાસે ખૂબ પૈસા છે એ એકમાત્ર અવગુણને કારણે હું એને તરછોડી ના શકુંને?’ અમારી પાસે મિત્રના આવા સ્માર્ટ જવાબનો જવાબ નહોતો. આમ પણ પૈસો બધાંને જ લાજવાબ કરી દે છે. એમાંયે તમારી પાસે જો પૈસો હોય અને પૈસા વડે મજા કરવાની આવડત કે ટેસ્ટ પણ હોય તો શું જોઈએ? લોકો ગમે એટલું કહે કે પૈસાથી મિત્રો ખરીદી ના શકાય, પણ તોયે સારી ક્વોલિટીના શત્રુઓ તો ચોક્કસ બનાવી જ શકાય! રવિવારની સવારે તમે તમારી સોસાયટીમાં સ્કૂટર પાર્કિંગ મુદ્દે ગંજી-લેંઘો પહેરીને પડોશના કોઇ પપ્પુ કે ચંદુ સાથે ઝઘડતા હો એનાં કરતાં તો બહેતર છે કે કોઈ કોઇ કરોડપતિ સાથે એના પ્રાઈવેટ વિમાનમાં એની સાથે જીભાજોડી કરો!
ઇન્ટરવલ ઝિંદગી, ઝિંદગી નહીં રહી, ઝિંદગી શબ્દો કી દુકાન હો ગઈ!(‘નીરજ’) પૈસો વાપરવામાં સ્ટાઈલના અનેક ભિન્ન ભિન્ન પ્રકારો છે. જેમ કે ‘બદલો’ લેવા માટે બેતહાશા પૈસા ઉડાવવા! જે છોકરી દિલ તોડી ગઈ હોય એના ઘર પાસે ઘણાં પોતાનો વરઘોડો અડધો કલાક સુધી ઊભો રાખીને ફટાકડા ફોડે છે, લોર્ડ ન્યુફીલ્ડ નામના અમીર માણસને એકવાર એક ક્લબમાં એન્ટ્રી આપવા માટે ઈન્કાર કરવામાં આવ્યો. ક્લબના અમુક મેમ્બર્સે ન્યુફીલ્ડનો વિરોધ કર્યો, કારણ કે એ બહુ ભણેલો નહોતો. ન્યુફીલ્ડે ગુસ્સામાં આખેઆખી ક્લબ જ ખરીદી લીધી અને ક્લબ ખરીદ્યાં પછી ક્લબમાં માત્ર એ લોકોને જ એણે મેમ્બરશિપ આપી, જે લોકો એનાં પર તિરસ્કારથી હસેલા! આને કહેવાય પૈસાથી પ્રતિશોધની સ્ટાઈલ.
પૈસાવાળાઓ આપણને નથી ગમતા અને આપણે એને ‘મની ગ્રેબર’ કે લૂંટારા કહીએ છીએ, કારણ કે એ બિચારાં આપણાથી વધારે પૈસા લૂંટી શક્યા છે કે હાંસિલ કરી શક્યાં છે! એમાંયે એ પૈસાવાળા જ્યારે સ્ટાઈલથી માલ ઉડાવે ત્યારે તો આપણને એસિડનો ઓડકાર આવતો હોય છે. એકચ્યુઅલી, આપણી હાલત રસ્તા પર સૂતાં સૂતાં તારા ગણનારા કડકા ભિખારીઓ જેવી હોય છે. એક ભિખારીએ બીજાને પૂછ્યું‘તું દસ લાખ રૂપિયા આપે એવા પાર્ટનર સાથે ધંધો કરે?’ પેલાએ કહ્યું, ‘નારે, એમાં કોણ પડે?’ પહેલાં ભિખારીએ ફરી કહ્યું, ‘જો તને 50 લાખ આપે એવા કોઈ પાર્ટનર સાથે બિઝનેસ કરે?’ બીજો ભિખારી બોલ્યો, ‘ના, ના, હું ના કરું...’
પહેલાં ભીખારીએ ફરીથી પૂછ્યું, ‘જો સો કરોડ આપે એવી પાર્ટી તને બિઝનેસમાં સાથે લે તો?’ પહેલો ભિખારી તરત ઊભો થયો અને કહ્યું, ‘હાં, યે હુઈ ના બરોબરી કી બાત. આનું નામ આપણા લેવલની ‘ઓફર...’ પણ ધંધો તો હું દિવાળી પછી જ શરૂ કરીશ.’ ‘કેમ? દિવાળી પછી સારું મુહૂર્ત આવશે?’, ‘ના, ના, દિવાળીમાં મંદિરે સારી ભીખ મળતી હોય છે ને! આવતી કાલની પ્રપોઝલ માટે આજનો ધંધો કેમ છોડાય?’ આપણે આ જ રીતે પૈસો ન પામવા, કમાવા માટે મનને મનાવતાં હોઈએ છીએ! પણ વિચારી જુઓ ભલે આપણી પાસે બહુ બધાં પૈસા ના હોય, પણ સ્હેજ ‘સ્ટાઈલ’ તો આવી શકે છેને? સ્ટાઈલથી હોટેલમાં વેઈટરને મુસ્કુરાઈને મોટી ટીપ તો આપી જ શકીએને? પૈસાવાળાઓ પોતાના બંગલાના ગાર્ડનમાં મિત્રોની ગોસિપ કરતાં હોય છે, આપણે પાનના ગલ્લે ગોસિપ કરી શકીએ છીએ અને પાનના પૈસા આપણે શાનથી ચૂકવી શકીએ છીએ! પૈસા નસીબથી, મહેનતથી કે છળકપટથી આવી શકે છે, પણ લાઈફ એન્જોય કરવાની સ્ટાઈલ એ તો સ્વભાવગત્ તમારામાં હોવી જોઈએ. એ બ્લડગ્રૂપ જેવું છે, બદલાય નહીં. એન્ડ ટાઈટલ્સ આદમ : દુનિયામાં પૈસો બોલે છે, પૈસો! ઇવ : સારું, લાખ રૂ. મૂકતો જજે. ઘેર એકલી હોઇશ તો એની સાથે વાત કરીશ! sanjaychhel@yahoo.co.in
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.