થંભી જવાની ઋતુ હોય છે. પથ્થરમાંથી નીકળેલું ઝરણું દરિયો બને એ પહેલાનો આ પડાવ છે. થંભી જવું એટલે નિવૃત્તિ નહીં, નિવૃત્તિ ક્યારેય આવતી જ નથી. પ્રવૃત્તિમાં ચઢાવ-ઉતાર આવી શકે. નિવૃત્તિ છેલ્લા શ્વાસ સુધી ચાલ્યા કરે છે. ઈર્ષા કરનારાઓ ઉપર ધ્યાન ન આપવું – એ આપણા પૂરતો સ્વભાવ છે. ઈર્ષા કરવાનું મન એને જ થાય જે પોતાના અરીસામાં અપ્રામાણિક મર્યાદાઓથી ઘેરાયેલો હોય! આપણે ગણતરીમાં હોઈએ પણ માત્ર ગણતરીના જ ના રહેવા જોઈએ. શબ્દની કિંમત ઉંમર પ્રમાણે વધુ મૂલ્યવાન થવી જોઈએ. જે ટેકાઓ સાથે જિંદગીનો અડધો હિસ્સો જીવ્યા છીએ એ ટેકાઓને છોડીને બાકીની જિંદગીમાં પ્રવેશ કરવાનો છે. નિરાંતને ખોખલી ન સમજવી. એને પંપાળવી. નિરાંતને માણતા કોઈ શીખવાડતું નથી! નિરાંતની ઈર્ષામાંથી તો મોબાઈલની એપ્લિકેશન્સનો જન્મ નહીં થયો હોય ને! આપણને વધુ વ્યસ્ત કોણ રાખે છે? દુનિયા કે મોબાઈલ? ન જાણવા જેવું પણ નોટિફિકેશન ઑન રાખીને ખલેલના ખરલમાં કોણ ઘૂંટે છે? સ-પ્રમાણ વિવેક પ્રકૃતિની વાસ્તવિકતા છે. બીજાનો બોધપાઠ બીજાના માટે હોય છે. આપણે તો એમાંથી પ્રસાદ રૂપે સાર ગ્રહણ કરવાનો છે. સંજોગો દરેકની દૃષ્ટિએ બદલાતા રહેવાના! તમે તમારા વિચારોનું સંપાદન તમારા એકાંતમાં તમને સંભળાવ્યું છે? સત્ય કડવું હોતું જ નથી, આપણને નાપસંદ આવે છે માટે કડવું લાગે છે! પ્રેમ અપેક્ષાથી પર થઈ જાય તો ડાળીની જેમ આપણને પણ ગુલાબ આવે! સુખની તૃપ્તિ ક્યારેય સંતોષ નથી આપતી. તરસ વધાર્યા જ કરે છે. આનંદની ઉપરની અવસ્થા શાંતિની છે, જેમાં પ્રવેશતા બીક લાગે છે કારણ કે આપણે એકાંતમાં પણ દુનિયાને સાથે લઈ જવી હોય છે. સ્વભાવ બદલાય નહીં- એની સમજ બીજાની ટીકા કરીએ છીએ ત્યારે આવે છે, પણ સ્વભાવથી પર થઈ જવાની ઋતુ આવે છે. એ ઋતુ વખતે આપણે આંખ આડા કાન કરીએ છીએ. ઊંઘમાં હોઈએ છીએ ત્યારે જોયેલું સપનું સાચું જ હોય છે. જાગૃતિમાં એવું થતું નથી માટે એને યાદ રાખીને કોઈ અર્થ સરતો નથી. પળ તો પળમાં બદલાય. દિવસ તો ઊગે અને આથમે. સુખ તો આવે અને જાય. દુઃખનો ચપરાસી શ્વાસના બારણે એનો વર્કિંગ ટાઈમ પૂરો કરીને બીજા ચપરાસીને મૂકતો જાય. ખીલવું અને ખરવું એ તો સ્વભાવ જેવું સહજ. ઉંમર વાળ ધોળા કરે પણ વિચારો ઊજળા કરે. મહેનત ઓછી થાય ત્યારે આત્મવિશ્વાસ પ્રબળ બનતો જાય. જીવન એનું, દુનિયા દુનિયાનું અને આપણે આપણું કામ કરવાનું! સહુની સાથે છતાંય સરવાળાની બહાર... મણકો છું, પણ હું માળાની બ્હાર ઊભો છું, સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું. સાંજ કનેથી રંગ ઉછીના લઈને જીવ્યા, અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું. ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો, પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું. બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું, ટહુકો ક્યાં છું? ક્યાં માળાની બ્હાર ઊભો છું. ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને, ઊભો છું પણ, કુંડાળાની બ્હાર ઊભો છું. ઑન ધ બીટ્સ ‘શ્રીમદ્ ભાગવતમાં કાવેરી નદીના કાંઠે સહ્યગિરિના શિખર ઉપર પ્રહલાદને બ્રાહ્મણે આપેલા ઉત્તરમાં આવા પરમ જીવનની ઈચ્છાનું સ્વરૂપ નીચે પ્રમાણે પ્રગટ થાય છે… ‘નાહં નિન્દે ન ચ સ્તૌમિ સ્વભાવવિષમ્ જનમ્, એતેષાં શ્રેય આશાસે ઉતૈકાત્મ્યં મહાત્મનિ.’ એટલે, મનુષ્ય સ્વભાવથી જ વિષમ હોવાથી હું તેની નિંદા કે સ્તુતિ કરતો નથી. હું તો સર્વનું શ્રેય અને સર્વની પરમાત્મામાં એકતા ઈચ્છું છું.{ -રતિલાલ મો. ત્રિવેદી ghazalsamrat@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.