સાયન્સ અફેર્સ:‘પૃથ્વી બચાવો’ની આપણી શાહમૃગવૃત્ત

નિમિતા શેઠ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે સરેરાશ નાગરિક પર્યાવરણ અને પૃથ્વી વિશે જાગરૂક થઈ ગયો છે. જેની પાસે સમય છે અને થોડી ઘણી સમજ છે તેવો દરેક વ્યક્તિ કશું ને કશું બચાવવા માંગે છે. ‘જમીન બચાવો’, ‘જળ બચાવો’, ‘પર્યાવરણ બચાવો’ અને એમ કરીને ‘પૃથ્વી બચાવો’. ઠોસ પગલાં કોઈ ન ભરે, પણ આ બાબતમાં ચર્ચા તો બધાં જ કરે છે. અમેરિકન કોમેડિયન જ્યોર્જ કાર્લિને કહ્યું હતું કે, ‘આપણે એકબીજાની સારસંભાળ કરી શકતા નથી. આપણે પોતાની કાળજી પણ રાખતા નથી અને વાતો પૃથ્વી બચાવવાની કરીએ છીએ. આ ગ્રહને હાનિ પહોંચાડી શકીએ તેટલી આપણી હેસિયત નથી, આપણે ખુદને જ હાનિ પહોંચાડી શકીએ.’ આપણે અસ્તિત્વમાં આવ્યાં તે અગાઉ પણ પૃથ્વીએ પુષ્કળ જોખમોનો સામનો કર્યો છે. ભૂ-ચંબકીય તોફાનો (geo-magnetic storms), હિમયુગો (ice ages), ભૂકંપો, દાવાનળો, અવકાશી પદાર્થો સાથેની અથડામણો, કોસ્મિક કિરણો, ચુંબકીય ક્ષેત્રની ઊલટપુલટ જેવાં હજારો તોફાનોમાંથી પસાર થઈને પૃથ્વી કરોડો વર્ષોથી અડીખમ ઊભી છે. તો શું આપણે છોડેલા ધુમાડાથી કે પ્લાસ્ટિકની કોથળીઓથી પૃથ્વીનો નાશ થશે? ના, પૃથ્વીને કશું નહીં થાય. આપણો નાશ જરૂર થશે. વાતાવરણ, પાણી, જમીન, પ્રાણીઓ, જંગલો વગેરે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બચાવવાનાં છે. એમાં આપણો સ્વાર્થ છે, પૃથ્વી પ્રત્યેનો પ્રેમ નહીં. પૃથ્વીને ટકવા માટે આપણા પ્રેમની જરૂર નથી, કારણ કે ઓક્સિજન નહોતો ત્યારે પણ પૃથ્વી તો હતી જ અને ઓક્સિજન ખતમ થશે પછી પણ પૃથ્વી હશે જ. પૃથ્વી બિલકુલ આપણા સહારે નથી, આપણે પૃથ્વીના સહારે છીએ. ‘પૃથ્વી બચાવો’ એ શબ્દો વધુ નાટ્યાત્મક એથી લાગે છે કે, આપણે પૃથ્વીને આપણા ત્રાસથી જ બચાવવાની છે. આપણે ખૂલીને કહી નથી શકતા કે, ‘આપણે વધુ સારી રીતે જીવવા માટે સારું વાતાવરણ જોઈએ છે, લાંબો સમય અસ્તિત્વ ટકી રહે તેવા સંજોગો જોઈએ છે અને તે છતાં ઔદ્યોગિક વિકાસ પણ જોઈએ છે. આપણે આપણી જરૂરતો ઘટાડી શકીએ તેમ નથી, ઊલટું વધતી જ જાય છે.’ આ બે પાસાં વચ્ચેનું સંતુલન વિચારવાના બદલે આપણે પૃથ્વીની ચિંતા કરીએ છીએ, જેને આપણી કોઈ જરૂરત નથી. ‘પૃથ્વી બચાવો’ની બુમરાણના કારણે આપણી પ્રાથમિકતામાં ગરબડ થાય છે. પુન:પ્રાપ્ય ઊર્જા વિકસાવવાના બદલે ઔદ્યોગિક પ્રતિબંધો લાદીએ છીએ. ગ્રીન હાઉસ વાયુઓ ઓછા કર્યા વગર વૃક્ષો પર ભાર આપીએ છીએ. બદલાઈ રહેલા વાતાવરણને અવગણીને પ્રાણીની અમુક જાતિઓ બચાવવા માંગીએ છીએ. કુદરત સામેના ખતરા તરીકે પણ આપણું કોઈ મહત્ત્વ નથી. પ્રાણીઓ, પક્ષીઓ, જીવાતો અને વનસ્પતિઓની કુલ 150 જેટલી પ્રજાતિઓ દરરોજ લુપ્ત થઈ જાય છે. મતલબ કે, દર વર્ષે પૃથ્વી પરથી 0.1% જીવો ગાયબ થઈ જાય છે. ક્યારેક આપણો વારો પણ આવી શકે. પૃથ્વી 4.54 અબજ વર્ષથી છે અને આધુનિક માનવને હજુ 2 લાખ વર્ષ માંડ થયાં. પૃથ્વીના કુલ જીવનકાળના હજારમા ભાગ જેટલો સમયગાળો માંડ માનવજીવનને પાલવી શકે તેવું વાતાવરણ ધરાવતો હશે અને આપણે પૃથ્વીને બચાવીશું? હકીકતમાં, આપણને ક્યાં સુધી રાખવા તે પૃથ્વી નક્કી કરશે. અલબત્ત, આ બાબતમાં પૃથ્વીનો નિર્ણય અમુક અંશે આપણી પ્રવૃત્તિઓ પર આધારિત હશે.

અન્ય સમાચારો પણ છે...