તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યંગરંગ:અરે! સાડી કેમ બગાડી?

ડો. પ્રકાશ દવે3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમલાબહેન પછી હવે આપણી બહેનો પણ પોતાના હાથ પોતાનાં વસ્ત્રો સાથે લૂછી કાઢશે

હમણાં છાપામાં એક સમાચાર વાંચ્યા કે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે દક્ષિણ કોરિયાના પ્રમુખ સાથે હાથ મિલાવ્યા પછી તરત પોતાના હાથ પોતાનાં વસ્ત્રો સાથે લૂછી નાખ્યાં. આ ઘટનાને લીધે કોરિયાનાં લોકોને પોતાના દેશનું અપમાન લાગ્યું. અહીં કોરિયાના પ્રમુખ સાથે બનેલો આ બનાવ બાજુમાં રાખીને માત્ર હાથ લૂછવાની ઘટના જ કેન્દ્રમાં રાખીએ તો આ ઘટના વાંચી કેટલીય ભારતીય બહેનોને આનંદ પણ થયો હશે. કેમ કે આપણી બહેનો વર્ષોથી રસોઈ કરતાં-કરતાં બગડેલા પોતાના હાથ પોતે પહેરેલાં કપડાં સાથે જ લૂછી નાખે છે! અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પણ આમ હાજર એ જ હથિયાર, પદ્ધતિને અનુસરતાં હોય તો ભારતીય સ્ત્રીઓની આ ટેવને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળી ગણાય. આપણે સ્ત્રીઓની પહેરેલી સાડી સાથે જ હાથ લૂછવાની ટેવની ટીકા તો કરીએ છીએ અને તરત જ એમનું ધ્યાન પણ દોરીએ છીએ કે જો સાડી બગાડી, પણ એના વિકલ્પે બીજો કોઈ સહેલો ઉપાય બતાવી શકતાં નથી. રસોડામાં હાથ બગડવાના અનેક પ્રસંગો ઊભા થતાં હશે. અહીં, ‘હશે’ એવો સંભાવનાવાચક શબ્દ વાપરવાનું કારણ એ કે રસોડાની ગતિવિધિઓ બાબતે અમારો કોઈ ખાસ અનુભવ નથી અને રસોડામાં હાથ તો બગડ્યા કરે, બહેનોનાં મોં ન બગડે એ જ મહત્ત્વનું છે. ધારો કે સ્ત્રી બગડેલા હાથ ધોવા રસોડામાં રૂમાલ રાખે તો એક દિવસમાં કેટલા રૂમાલ જોઈએ એનો હિસાબ કર્યો છે? માની લો કે સ્ત્રી ભીંડાનું શાક બનાવવાની છે. તો ભીંડાની મિનિમમ દસ સીંગ તો હોય. સંયુક્ત કુટુંબ હોય તો આ આંકડો ચાલીસ-પચાસ સીંગ સુધી પહોંચે. દરેક સીંગ પાણીમાં પલાળ્યાં પછી એને સાફ કરવા લેડીઝ રૂમાલ ઉપયોગમાં લેવાય તો લેડી ફિંગર જેટલા લેડીઝ રૂમાલ જોઈએ. વારંવાર બગડતા હાથ લૂછવા સ્ત્રી રૂમાલ શોધવા આમતેમ ફાંફા મારે તો રસોઈ બનાવવામાં મોડું થાય. ‘તમારા ભાઈ’ પાછા ટાઇમસર રસોઈના આગ્રહી હોય એટલે રસોડામાં ટાંપીને જ બેઠા હોય. એટલે સ્ત્રી રૂમાલ શોધવાની ઝંઝટમાં પડવાને બદલે પહેરેલાં વસ્ત્રોને જ રૂમાલ બનાવી દે તો એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. ધારો કે તમે ટીવી જોઈ રહ્યાં હો અને મચ્છર ગણગણાટ કરતું પસાર થાય તો તમે શું કરો? બે હાથની તાળી પાડી મચ્છરને એમાં ફસાવી દો છો ને? આ એક જ રસ્તો છે. આખો દિવસ કંઈ મચ્છર મારવાનો સ્પ્રે ખિસ્સામાં લઈને ફર્યા ન કરાય. જો આમાં હાજર એ હથિયાર રાખવાની જોગવાઈ હોય તો રસોડામાં રૂમાલ જ રાખવો અને વસ્ત્રોથી હાથ ન લૂછવા એવો દુરાગ્રહ શા માટે રાખવો જોઈએ? અહીં નેગેટિવ વિચારસરણીવાળાં લોકો એવી દલીલ કરે છે કે વસ્ત્રો સાથે હાથ લૂછવાથી વસ્ત્રો ગંદાં થાય છે, પણ એ લોકો એ હકીકત તરફ જાણીજોઈને આંખ મીંચામણાં કરે છે કે આવું કરવાથી હાથ સ્વચ્છ થઈ જાય છે! કમલાબહેન હેરિસવાળી ઘટના પછી તો આપણી બહેનોની હિંમત પણ વધશે અને ગૌરવપૂર્વક પોતાના હાથ બધાંની હાજરીમાં પણ, પોતાનાં વસ્ત્રો સાથે લૂછી કાઢશે! શક્ય છે કે આપણી બહેનોની આ આગવી ટેવ આગળ જતાં એમને અમેરિકાની જેમ અન્ય કોઈ રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડી દે! ઓલ ધ બેસ્ટ બહેનો!⬛

અન્ય સમાચારો પણ છે...