તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:ઓનલાઇન શિક્ષણ કે પછી હંમેશાં ઘરે ભણાવવાનું?

સંજય છેલ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીચરને ચાડી ખાવાથી નાનપણથી જ જાસૂસીની કળા શીખી શકાય

ટાઈટલ્સ ભણવાનું સહેલું છે, પરીક્ષાઓ જ અઘરી હોય છે! (છેલવાણી) આજકાલ કોરોનાકાળમાં ઘેર બેઠાં જ ઓનલાઇન શાળા-કોલેજો ચાલે છે, ત્યારે એમ થાય કે કાયમ માટે સ્કૂલોનું શિક્ષણ ઘેર બેઠાં જ અપાય તો? અમને આ આઈડિયા બહુ ગમે છે કે બાળકોએ સ્કૂલે જવાનું જ નહીં! ના ટીચર, ના હોમવર્ક, ના પરીક્ષા! કવિ રાજેન્દ્ર શુક્લએ એમનાં સંતાનોને સ્કૂલે નહીં પણ ઘરે જાતે જ ભણાવેલાં! (ત્યારથી તેઓ અમારા પ્રિય કવિ છે!) જરા વિચાર કરો, કેવી મજા પડે કે મમ્મી અનાજ વીણતાં-વીણતાં ભાષા શીખવે. પપ્પા, દાઢી છોલતાં-છોલતાં દાખલાઓ કરાવે. બહેન, કપડાં સૂકવતાં-સૂકવતાં ભૂગોળ ભણાવે. ખાસ તો તમારે પરીક્ષા જ્યારે આપવી હોય ત્યારે આપવાની. છ-સાત મહિને ક્યારેક મમ્મી-પપ્પા બહુ આગ્રહ કરે કે ‘બેટા, હવે તો પરીક્ષા આપ! તો ત્યારે તમે ‘ના, પરીક્ષા લેશો તો હું નહીં જમું!’ જેવી જિદ્દ પણ કરી શકો. વળી, પરીક્ષા આપો તોયે શું? પેપર મા-બાપ જ તપાસે એટલે બે માર્ક વધુ જ મળે ને? ‘ ના, ગમે તેમ તોયે મારા દીકરાએ મહેનત તો કરી છે એવું વિચારીને માનું કાળજું માર્ક આપવામાં કંજૂસાઈ ના જ કરી શકે. વળી, બીજા ફાયદાઓ એ કે રોજરોજ યુનિફોર્મ પહેરવાની ઝંઝટ નહીં. ઊઠીને બેડરૂમમાંથી જેવાં નીકળ્યાં કે સ્કૂલ શરૂ! મજૂર જેમ દફતર ઊંચકવાનું નહીં. રિસેસ તો ગમે ત્યારે, રમવા પણ ગમે ત્યારે જઈ શકો. બાળકને ઘરે ભણાવવામાં મા-બાપને પણ ફાયદા છે કે આજકાલની હજારો લાખોની ફીના પૈસા, સ્કૂલ બસના પૈસા વગેરે બચી જાય. અરે, ડોનેશનના પૈસા બચાવીને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકો તો એ જ બાળકનાં લગન જેટલાં પૈસા બચે! ઇન્ટરવલ સિકંદરને પોરસ સે કી થી લડાઈ, જો કી થી લડાઈ, તો મૈં ક્યા કરું? (‘અનપઢ’ ફિલ્મ) આતંકવાદીઓ જેમ નિર્દોષ બાળકોને બોમ્બ ફેંકવા ભડકાવે છે કે એમ અમે પણ ઘરે ભણવા અંગે શાળાની રિસેસમાં મિત્રોને જલદ ભાષણો આપેલા:‘દોસ્તો... છોડો આ શાળા, મારો એને તાળાં! જાલિમ ટીચરો આપણાં માસૂમ બાળપણનો ખાતમો કરે છે! સાત કલાક સ્કૂલમાં ને 2 કલાક હોમવર્કના મળીને બાળપણને ચૂંથી નાખે છે. ચાલો, આપણાં મા-બાપોને કહીએ કે ઘરે જ ભણાવે નહીં તો હડતાલ કરીશું. કલાસરૂમની ચાર દીવાલો વચ્ચે, એક્ઝામોના આતંક વચ્ચે, ગોખણપટ્ટીના ગાંડપણ નીચે, બાળપણને કચડાવા નહીં દઈએ. ઊઠો, જાગો ને સ્કૂલનો બહિષ્કાર કરો!’ અમુક બાળકોને ક્રાંતિકારી આઈડિયા ગમ્યો, પણ મમ્મી-પપ્પાને કહેવાની હિંમત નહોતી. જેમનામાં હિંમત હતી એમનાં મમ્મી-પપ્પા પોતે જ ભણેલાં નહોતાં કે ઘરે ભણાવી શકે! અમુક બાળકોએ કબૂલ્યું કે એ લોકો શાળાએ જવા નીકળે છે ત્યારે મા-બાપો હાશકારાથી બોલે છે: ‘હાશ, વાંદરાઓ ગયા. હવે શાંતિ!’ અને એવામાં પાછળથી કોઈએ મારા ખભા પર વજનદાર હાથ મૂક્યો! જી હા, એક ટીચરે મારો પ્લાન પકડી પાડ્યો. ‘વિદ્યાર્થીઓ શાળામાં નહીં આવે તો અમારી નોકરીનું શું?’ એવું ટીચરે સ્વાર્થી રીતે વિચારીને અમારી ક્રાંતિનું બાળપણમાં જ બાળમરણ કરી નાખ્યું! જોકે, આજે સમજાય છે જે ટીચરે સારું જ કર્યું. બાળકોને ઓનલાઇન કે ઘરે ભણાવીને નહીં પણ સ્કૂલમાં તો મોકલવા જ જોઇએ, કારણ કે માત્ર ભણતરની જ નહીં, આખેઆખું જીવન શીખવાની વાત છે. તમે સ્કૂલમાં ગયા હો તો જ ખબર પડે કે સમાજમાં કેમ વર્તી શકાય. ગણિતના પિરિયડમાં અકળાયા હોઈએ તો પણ ચૂપચાપ દુ:ખ સહેવાની જે કળા શીખવા મળે એ પરણ્યાં પછી પત્ની સામે ચૂપ રહેવામાં કામ આવે. જૂની પેન્સિલના બદલામાં મિત્ર પાસે નવું રબર પડાવી લેવામાં જ ભવિષ્યમાં ધંધો કરવાની સમજ આવે. ટીચરને ચાડી ખાવાથી નાનપણથી જ જાસૂસી કે પત્રકારત્વની કળા શીખી શકાય. ટૂંકમાં, જે લોકો સ્કૂલે ના જઈને ઘરે ભણ્યાં એમની મીઠી ઈર્ષ્યા ચોક્કસ થાય છે, પણ સ્કૂલે ના જઇને એમણે કેટલું અમૂલ્ય બાળપણ ગુમાવ્યું હશે ને? તો કાશ, જલદી શાળા-કોલેજો ખૂલે! એન્ડ ટાઈટલ્સ આદમ: મારાં બાળકોને જાતે જ ભણાવીશ. ઇવ: એ બહાને તારુંયે પાકું થશે! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...