હવામાં ગોળીબાર:એક દિવસ તો મરવાનું જ છે!

મન્નુ શેખચલ્લીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુકેશભાઈએ નાના ભાઈની સલાહ માની હોત તો આપણને ‘જિયો’ આટલું સસ્તામાં મળતું હોત?

શેરબજારના કિંગ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા જ્યારે 41,000 કરોડ જેટલી સંપત્તિ મૂકીને મરી ગયા ત્યારે આખી દુનિયાને ડહાપણ શીખવનારાઓ મેસેજ કરવા માંડ્યા હતા કે ‘જોયું? મોત તો એક દિવસ આવવાનું જ છે. સાથે કંઈ આવતું નથી...’ આ બધું જોઈને અમને થતું હતું કે યાર, આનાથી વધારે ‘સ્ટુપિડ’ અને છતાં, આનાથી વધારે ‘સ્માર્ટ’ સ્ટેટમેન્ટ બીજું કોઈ હોઈ જ ના શકે! જરા કલ્પના કરો કે બારમા ધોરણમાં સાવ ઓછા માર્ક્સ આવ્યા હોય એવા છોકરાને બાપા ધધડાવતા હોય, ત્યારે છોકરો શાંતિથી શર્ટ ઉપરથી ધૂળ ખંખેરતો હોય એમ કહી દે કે ‘બાપા, ખોટી હાય હાય ના કરો. એક દિવસ તો બધાંને મરવાનું જ છે. આ માર્ક્સ પણ સાથે નથી આવવાના! ઓકે?’ અરે, નોકરીમાં કર્મચારી બિચારો છ-છ વર્ષથી પગારવધારા માટે રાહ જોઈને થાકી ગયો હોય ત્યારે બોસ એને ખભે હાથ મૂકીને કહે કે ‘દોસ્ત, ઈન્ક્રીમેન્ટમાં શું દાટ્યું છે? એક દિવસ તો સૌને મરવાનું જ છે! સાથે પાંચ રૂપિયાની નોટ પણ નથી આવવાની! સમજ્યો?’ હદ તો ત્યારે થઈ જાય જ્યારે અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઈટના પેસેન્જરો ત્રણ ત્રણ કલાકથી રાહ જોઈને અકળાયા હોય. (એ બધા તો ધંધાની હાય-વોય કરનારા જ હોય ને? અમદાવાદથી મુંબઈ કંઈ ‘વોક-વે’ ઉપર ફરવા નીકળ્યા હોય એમ લટાર મારવા તો ના જ જતા હોય ને?) એમને વિમાનમાં બેસાડ્યા પછી પાઈલટ એનાઉન્સમેન્ટ કરે કે ‘ત્રણ કલાકનો વિલંબ થયો છે એ સાચું, પણ એક દિવસ તો સૌને મરી જ જવાનું છે ને? તો સાથે શું લઈ જશો? તમારો સામાન?’ બોલો, આવી વાત સાંભળીને તો મુસાફરોની ફાટવા જ લાગે ને, છાતીઓ? ‘અલ્યા, આ લોકો હેમખેમ મુંબઈ પહોંચાડે તો સારું!’ વોટ્સએપ ઉપર આપણને આવી અક્કલ વગરની સલાહો આપનારા એમ નથી વિચારતા કે પેલા રાકેશ ઝુનઝુનવાલા 41,000 કરોડ કમાઈને બેઠા હતા અને એ એમના ક્લાયન્ટને માત્ર એક જ સલાહ આપવાના લાખો રૂપિયા લેતા હતા! જ્યારે આપણે અહીં નવરા બેઠા બેઠા રોજની સત્તર સલાહો આપીએ કે ‘સાચા મિત્ર સમાન કોઈ મલમ નથી’ અથવા ‘સવારે વહેલા ઊઠીને સાત વાર સૂંઠ સૂંઘવા જેવું કોઈ સુખ નથી...’ તો એવી સલાહનો આપણને એક રૂપિયો પણ મળતો નથી. જોકે, તમે એમ કહેશો કે મન્નુભાઈ, રાકેશ ઝુનઝુનવાલાએ ખુદ કહ્યું હતું કે ‘મેં મારી તબિયતની કાળજી ના રાખી એ મારી ભૂલ હતી.’ તો ચાલો, અનિલ અંબાણીએ શું કર્યું? વર્ષો પહેલાં એ ભાઈ જાડાપાડા હતા. એક વિદેશી કંપની સાથે ડીલ કરતી વખતે પેલા ફોરેનરે કહ્યું કે જે કંપનીનો માલિક શરીરથી ફિટ ના હોય એની કંપની પણ બહુ ફિટ ના રહે! અનિલભાઈને ચાટી ગઈ! પછી એમણે શું કર્યું? ફિટનેસ પર ધ્યાન આપ્યું, રાઈટ? એ રોજ સવારે ચાર વાગે ઊઠીને પાંચ વાગે ‘હાફ-મેરેથોન’ દોડવા માટે મુંબઈ-પૂના હાઈવે ઉપર જતા હતા. એમણે પરફેક્ટ ફિટનેસ મેળવી લીધી. મીડિયામાં વાહ વાહ પણ થઈ ગઈ! પછી? આજે અનિલભાઈની શું હાલત છે? જરા વિચારો, એ અનિલભાઈ આપણા મુકેશભાઈને જઈને કહે કે ‘મોટાભાઈ, એક દિવસ તો સૌએ મરવાનું જ છે! સાથે કશું આવતું નથી. તમે આ બધી હાય-વોય છોડો અને હાફ નહીં તો ક્વાર્ટરનું (મેરેથોન, યાર!) દોડવાનું રાખો...’ ના ના, જો મુકેશભાઈએ એના નાના ભાઈની સલાહ માની હોત તો આપણને ‘જિયો’ આટલું સસ્તામાં મળતું હોત? વાત કરો છો... ચાલો, તમારી દલીલ એ હોય કે માણસે પૈસા કમાવા પાછળ એટલી બધી હાય-વોય કરવાને બદલે જિંદગીને ‘ફૂલ-ટુ’ એન્જોય કરવા તરફ ધ્યાન આપવું જોઈએ, તો બોસ, મને કહો કે વિજય માલ્યા અને નીરવ ચોક્સીએ શું ખોટું કર્યું? બોલો, તમને આવડે છે એમના જેવું ‘કરી’ નાખતાં? તો છોડો ને યાર, ઝુનઝુનવાલા જેવું કમાતાંય નથી આવડતું અને માલ્યાની જેમ જલસા પણ નથી કરાતા... તો ઘરમાં બેસીને બીજા બે-ચાર ડઝન દોઢ-ચાંપલા મેસેજો મોકલ્યા કરો ને? જરા, શું કહેવાય, ‘સારું’ લાગશે!⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...