તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ઓફ:ચાર વર્ષે એક વાર

8 દિવસ પહેલાલેખક: શિશિર રામાવત
 • કૉપી લિંક
 • મોરારજી દેસાઈ, રુક્મિણી દેવી અરુંદેલ અને ટોની રોબિન્સ – આ ત્રણેયમાં શું કોમન છે?

આવખતના ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો છે, પણ દર ચાર વર્ષે લીપ યરમાં ફેબ્રુઆરીમાં એક વધારાનો દિવસ ઉમેરાઈ જાય છે. 29 ફેબ્રુઆરીએ જન્મેલા લોકો એ રીતે ખાસ છે - તેમનો જન્મદિવસ ચાર વર્ષે એક વાર આવે છે! ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી, 1896ના રોજ થયો હતો. 1977માં ભારતમાં જનતા પક્ષની સરકાર રચાઈ તે અરસામાં તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અહમદ જન્નતનશીન થયા હતા. મોરારજીભાઈની ઇચ્છા હતી કે રાષ્ટ્રપતિ તરીકે હવે કોઈ દક્ષિણ ભારતીય વ્યક્તિ જ હોવી જોઈએ. એમને સૌથી પહેલું જે નામ યાદ આવ્યું હતું, તે હતાં રુક્મિણીદેવી અરુંદેલ. તેઓ ભરતનાટ્યમ શૈલીના મહાન નૃત્યાંગના હતાં. તેમનો જન્મ પણ મોરારજીભાઈની જેમ 29 ફેબ્રુઆરીએ થયો હતો. વર્ષ હતું 1904. તેમણે જોકે આદરપૂર્વક રાષ્ટ્રપતિપદનો અસ્વીકાર કર્યો હતો. અલબત્ત, રાજ્યસભાના સર્વપ્રથમ મહિલા સદસ્ય તરીકે રુક્મિણીદેવીનું નામ બોલાય છે (1952 – 1962). એમની જીવનકથા પણ રસપ્રદ છે. વીસમી સદીની શરૂઆતમાં બ્રાહ્મણ પરિવારની દીકરી નાચગાન કરે તો સમાજમાં વાતો થતી, પણ રુક્મિણીદેવીના પિતાજીએ કશાયની ચિંતા કર્યા વિના એમને ભરપૂર પ્રોત્સાહન આપ્યું હતું. જ્યોર્જ અરુંદેલ નામના થિયોસોફિસ્ટ નૃત્યશિક્ષકની ખાસ નિમણૂક કરી. રુક્મિણીદેવીએ પછી એમની સાથે લગ્ન કર્યાં. એક શિષ્યા પોતાનાથી 16 વર્ષ મોટા ગુરુ સાથે લગ્ન કરે તે પણ સામાજિક સ્તરે એક વિદ્રોહી પગલું હતું. ગુરુપતિ પાસેથી તેઓ ભરતનાટ્યમ નહોતાં શીખ્યાં. આ નૃત્યશૈલી શીખવાની શરૂઆત તેમણે છેક ત્રીસ વર્ષની ઉંમરે મીનાક્ષી સુંદર પિલ્લાઈના ગુરુપદ હેઠળ કરી હતી. આ દિશામાં તેઓ ખૂબ આગળ વધ્યાં, વિશ્વવિખ્યાત નૃત્યાંગના-કોરિયોગ્રાફર બન્યાં, પદ્મભૂષણનો ખિતાબ પામ્યાં. રુક્મિણીદેવીનું નૃત્ય પ્રત્યેનું પેશન પ્રેરણા આપે એવું છે. ‘પ્રેરણા’ આજે એક કોમોડિટી, એક જણસ બની ગઈ છે. પ્રેરણાનું મોટું માર્કેટ છે. પ્રેરણાદાયી લખાણો સૌથી વધારે વંચાય છે, પ્રેરણાદાયી કે સેલ્ફ-હેલ્પ સંબંધિત પુસ્તકો સૌથી વધારે વેચાય છે, પ્રેરણાદાયી પ્રવચનોની મોટી ડિમાન્ડ છે. લાઇફ કોચ તરીકે કરીઅર સુધ્ધાં બનાવી શકાય છે. કોઈ પણ ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં પણ લેભાગુઓ કે નબળા લોકો પણ હોવાના જ, પરંતુ એક નામ એવું છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ્સું આદરપૂર્વક લેવાય છે. એ છે, ટોની રોબિન્સ. તેમનો જન્મ પણ 29 ફેબ્રુઆરીએ થયો હતો. વર્ષ 1960. ‘અનલિમિટેડ પાવર’ અને ‘અવેકનિંગ ધ જાયન્ટ વિધિન’ નામનાં તેમનાં પુસ્તકો બેસ્ટસેલર પૂરવાર થયાં છે. એમણે બિલ ક્લિન્ટન, સેરેના વિલિયમ્સ જેવા વિશ્વકક્ષાના સેલિબ્રિટીઝનું વ્યક્તિગત સ્તરે કાઉન્સેલિંગ કર્યું છે. દુનિયાના ટોચના બિઝનેસ ગુરુઓમાં એમનું નામ બોલાય છે. તેમના પર ‘આઇ એમ

નોટ યોર ગુરુ’ નામની એક આખી ડોક્યુમેન્ટરી બની છે, જે ઓટીટી પ્લેટફોર્મ પર અવેલેબલ છે. આજની તારીખે આ માણસ 500 મિલિયન ડોલર (લગભગ 3 અબજ 63 કરોડ રૂપિયા)નો ધણી છે. માણસ જો દમદાર હોય તો પ્રેરણાનો બિઝનેસ કરીને એ અબજોપતિ બની શકે છે! ટોની રોબિન્સના કેટલાક પાવરફુલ સૂત્રો જુઓઃ તમે અત્યાર સુધી જે કરતા આવ્યા છો તે જ કરતા રહેશો તો તમને એ જ પરિણામ મળશે જે હંમેશાં મળતું આવ્યું છે. (અર્થાત એનું એ જ કરતા રહેશો તો પરિસ્થિતિ પણ એની એ જ રહેશે. બદલાવ લાવવા માટે નવો રસ્તો અપનાવો)... માત્ર પોતાની સમસ્યા, પરિસ્થિતિ કે સંભવિત ઉકેલની જાણકારી હોવી પૂરતી નથી. તમારે આ જાણકારીના આધારે નક્કર પગલાં લેવાં પડે... તમારે ‘ફીલ ગુડ’ કરવા માટે કોઈ નાનામોટા કારણની જરૂર નથી. તમે જીવો છો, તમે શ્વાસ લો છો – સારું ફીલ કરવા માટે આટલું જ કારણ પૂરતું છે... ક્યારેક કશુંક સારું કામ કરી નાખવાથી જીવનને આકાર મળતો નથી, પણ જે કામ સાતત્યપૂર્વક, એકધારું અને નિયમિતપણે થાય છે, તેનાથી જીવનને આકાર મળે છે... જીવનમાં લીધેલા સારા નિર્ણયો સામાન્યપણે આપણા અનુભવોનો નિચોડ હોય છે અને અનુભવો સામાન્યપણે ખરાબ નિર્ણયોને કારણે મળતા હોય છે... તમારા સંબંધોની ગુણવત્તા જ તમારા જીવનની ગુણવત્તા નક્કી કરે છે... જેટલા વધારે રિજેક્શન મળશે, તમે એટલા વધારે મજબૂત થશો, વધારે શીખશો. જો તમે રિજેક્શનને હેન્ડલ કરતાં શીખી જશો તો જીવનમાં કંઈ પણ કરતા શીખી જશો... ⬛ shishir.ramavat@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો