સામે કાંઠે વેલડી આવે રે, આવતાં દીઠી વાલમિયા! વેલડીનો હાંકનાર નાનો, નાવલિયો નાનો વાલમિયા! ઘડીક ઉભલાં રો’તો કડલાં પે’રું વાલમિયા! પે’ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા! સામે કાંઠે... ઘડીક ઉભલાં રો’તો દાણિયું પે’રું વાલમિયા! પે’ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા! સામે કાંઠે... ઘડીક ઉભલાં રો’તો ચૂડલી પે’રું વાલમિયા! પે’ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા! સામે કાંઠે... ઘડીક ઉભલાં રો’તો નથણી પે’રું વાલમિયા! પે’ર્યાનો ઝમકારો, નાવલિયો નાનો વાલમિયા! સામે કાંઠે... મન પર બોજ હોય, ચિંતા હોય, કોઈ એવી વાતનો સામનો કરવાની સ્થિતિ આવી હોય જે કોઈને કહેવી કે કેમ એ વિચારવું પડે એમ હોય- આવી ધર્મસંકટ જેવી અવસ્થામાં પણ આપણી માનુનીઓએ પોતાનું પારાવાર દુઃખ ગેયરૂપમાં વહેતું મૂકી દીધું હતું. તમે એવું ક્યાંય જોયું છે કે દુઃખની વાત પણ કોઈ ગાતાં ગાતાં વર્ણવે? બીજે ક્યાંય બન્યું હોય કે નહીં, ગુજરાતમાં તો એ યુગોપર્યંત બનતું રહ્યું કે વૈયક્તિક સમસ્યા ગાઈને સર્વવિદિત કરી નાખવામાં આવતી, જેથી ગાનાર તણાવમુક્ત થઇ જાય અને સાંભળનારમાંથી અનેકાનેક મહિલાઓ આગળ આવીને સ્વીકારે કે બહેન! તું એકલી નથી, આપણે સૌ સમદુઃખી છીએ! ‘સામે કાંઠે વેલડી આવે રે...’ કજોડાંની કથની વર્ણવતું લોકગીત છે. કન્યા કરતાં વર ઘણો જ નાનો હોય અથવા તો બાળવર હોય એ સામાજિક સમસ્યાનું નિરૂપણ આ લોકગીતમાં છે. વેલડું લઈને કન્યાને લેવા વર તથા સાજન-માજન આવી પહોંચ્યા પણ કન્યાના મનમાં એ વાતનો સતત ખટકો છે કે પોતાનો નાવલિયો તો નાનકડો છે, એની સાથે કેમ જીવાશે? વડીલોએ નાતરું કરી નાખ્યું ત્યારે દીકરી વિરોધ ન કરી શકી, સ્ત્રીઓને એવો હક્ક પણ ક્યાં હતો? છતાં એને વર સ્વીકાર્ય નથી એ પણ સાબિત કરવું છે એટલે ગીતના સ્વરૂપે પોતાનો અણગમો વ્યક્ત કરે છે. કન્યા કહે છે કે તમે બધાં મને લેવા આવ્યાં છો પણ હું હજુ તૈયાર નથી થઇ, મારે શુકનવંતાં વસ્ત્રો અને આભૂષણો પહેરવાનાં બાકી છે માટે તમે સૌ થોડીવાર થોભજો. અહીં એ સવાલ ઊઠે છે કે વર અને એનું ઘર કન્યાને લેવા આવ્યાં તોય કન્યાને હજુ શણગાર સજવાનો બાકી કેમ છે? બસ, એ હરકત જ પોતાના મૂંગા વિરોધની ચાડી ખાય છે. આગળ ઉપર તો એ એમ કહે છે કે મને ચૂંદડી, કડલાં, દાણિયું, ચૂડલી, નથણી વગેરે પહેરવાનો ખૂબ જ શોખ છે પણ શું કરું મારો પતિ તો નાનકડો છે, હું કોના માટે શણગાર સજું? આજે પણ અનેક નારી આવી નિ:સહાય અવસ્થામાં જીવતી હશે, કાં તો એણે આજીવન મનમાં ઘૂંટાયા કરવાનું અથવા બંડ પોકારવાનો-બીજું શું? આ લોકગીતનું પણ થોડું પાઠાંતર થયું છે. આજકાલ બધા ગાયકો ‘સામે કાંઠે વેલડાં આવ્યાં ને આવતાં દીઠાં નાયકજી, વેલડાનો હાંકનાર નાનો નાહોલિયો નાનો નાયકજી...’ એમ ગાય છે પરંતુ બન્નેમાં ભાવ એક જ છે બાળવર સામે બંડનો...{ nilesh_pandya23@rediffmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.