સાયન્સ અફેર્સ:જોન્ટી રહોડ્ઝના જન્મદિવસે...

નિમિતા શેઠ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અશક્ય જણાતા કેચ ઝડપવા ગજબ ‘એન્ટિસિપેશન’ જોઈએ

જોન્ટી રહોડ્ઝે ‘90ના દશકમાં આવીને ક્રિકેટ વિશ્વમાં ફિલ્ડિંગનું સ્તર જ બદલી નાખ્યું. એના માટે કહેવાતું કે, પૃથ્વીનો 75% ભાગ પાણીથી રોકાયેલો છે, અને બાકીનો ભાગ જોન્ટી રહોડ્ઝ રોકે છે. રહોડ્ઝે ક્રિકેટ જગતને શીખવાડ્યું કે, ફક્ત રન બનાવીને નહીં, રન રોકીને પણ મેચો જીતી શકાય. પહેલીવાર એવું બન્યું કે લોકો ફક્ત કોઈની સ્ફૂર્તિલી ફિલ્ડિંગ અને અજાયબ કેચિંગ જોવા માટે આખી મેચ જોતાં હોય. આજે જોન્ટી રહોડ્ઝનો 53મો જન્મદિવસ છે. એની રમતમાં એવું શું ખાસ હતું જે એની આગળના ફિલ્ડરો નહોતા કરી શક્યા અને જે એના પછીના દરેક સારા ફિલ્ડરે અપનાવ્યું? આવી પ્રતિભામાં એક પરિબળ હોય છે: ચકોર આંખો. બેટ્સમેન શોટ ફટકારે પછી, બોલની ગતિના આખા માર્ગ પર નજરથી બોલનો પીછો કરવાની આવડત (visual motor skills). એક સેકંડના દસમા ભાગની ચોકસાઈ સાથે ગતિમાન બોલનું હવામાં સ્થાન નક્કી કરતા આવડવું જોઈએ. બીજું પરિબળ હોય છે ચપળ શરીર. પોતાનાથી 15 ફૂટ દૂર હવામાં પસાર થઈ રહેલા બોલ પર છલાંગ લગાવીને તેને પકડી શકે તેવી ત્વરા જોઈએ, પણ શું માત્ર આ બે પરિબળથી આવા કેચ કરી શકાય છે? ના, સૌથી વધુ અગત્યની છે આ બંને પરિબળોને જોડતી કડી. મતલબ, ફિલ્ડરની આંખો તેને જે સંદેશો આપે તે પ્રમાણે શરીર તરત એડજસ્ટ થવું જોઈએ. આ પ્રક્રિયા અમુક માઇક્રોસેકંડમાં થઈ જાય છે. તેથી બોલર બોલ ફેંકતો હોય ત્યારથી જ ફિલ્ડરના શરીરની પૂર્વતૈયારીઓ (preparatory phase) ચાલુ થઈ જાય છે. હજુ બેટ્સમેન શોટ મારે તેની અગાઉથી જ સારા ફિલ્ડરને અંદાજો આવી જતો હોય છે કે બોલ કેટલામી માઇક્રોસેકંડે ક્યાં આવશે. બોલરે બોલની પીચ ક્યાં પાડી, એ પછી બોલ કેટલું ઉછળ્યો, અને તેને ફટકારવા બેટ્સમેને કઈ દિશામાં કેટલા ખૂણે બેટ ઉગામ્યું… આ તમામ વિગતોનું વિશ્લેષણ બાહોશ ફિલ્ડરના મગજમાં થતું હોય છે. જે ક્ષણે બેટ્સમેન શોટ ફટકારે એ ક્ષણે તો ફિલ્ડર બોલને જે જગ્યાએ પકડી પાડવાનો હોય એ તરફ દોડ કે છલાંગ આરંભી ચૂક્યો હોય છે. ચાલાક અને નબળા ફિલ્ડરમાં આ જ ફરક હોય છે. નબળો ફિલ્ડર શોટ વાગી જાય પછી પણ બોલના ‘લોકેશન’નો અંદાજો નથી બાંધી શકતો. આપણે કહીએ કે ફિલ્ડર બાઘો છે, પણ બિચારાનું ‘એન્ટિસિપેશન’ નબળું હોય છે. હા, સ્પોર્ટ્સમાં હરીફની હિલચાલ અને અન્ય પરિબળોને અગાઉથી પારખીને તે પ્રમાણે એક્શન ચાલુ કરી દેવાની આવડતને એન્ટિસિપેશન કહે છે. નજર ખૂબ તેજ હોય અને શરીર એકદમ સ્ફૂર્તિલું હોય, છતાં જો એન્ટિસિપેશન નબળું હોય તો નજીકથી બોલ પસાર થઈ જાય અને ફિલ્ડર હલી પણ ન શકે એવું બને. હકીકતમાં, સાતત્યપૂર્ણ એન્ટિસિપેશનની જરૂર બેટ્સમેનને પડે છે. કારણ કે, તેણે બોલરે ફેંકેલા દરેક ગતિમાન બોલને પારખવાનો હોય છે. સારા બેટ્સમેનની નજર બોલરે બોલને કેવી રીતે પકડ્યો છે તેનું વિશ્લેષણ કરીને એન્ટિસિપેશનમાં જોતરાઈ જતી હોય છે. પાછળ ઊભો વિકેટકીપર પણ એ જ ક્ષણે એન્ટિસિપેટ કરવા માંડતો હોય છે. ફૂટબોલ, ટેનિસ કે બેડમિન્ટન જેવી રમતો તો ખેલાડી પાસે ખૂબ ઊંચા સ્તરનું એન્ટિસિપેશન માંગે છે.⬛ nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...