સમયના હસ્તાક્ષર:ભારત-પાકિસ્તાન વચ્ચેનો ‘જૂનો’ગઢ વિવાદ

વિષ્ણુ પંડ્યા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓક્ટોબર-નવેમ્બર મહિનો ગુજરાતને માટે ઐતિહાસિક રહ્યો, કાયમ માટે. આ જ મહિનામાં 1947માં જૂનાગઢે દીપોત્સવીની સાથે મુક્તિનું પર્વ ઊજવ્યું

24 ઓગસ્ટ, 1947ના રેવન્યૂ સભ્ય એ.કે. વાય. અબ્રાહાની કરાંચી ગયા. જૂનાગઢ રાજ્યના નવાબે પાકિસ્તાન સાથેના કરાર પર સહી કરી, (9 સપ્ટેમ્બર, 1947)...17 સપ્ટેમ્બરે ભારત સરકારે પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લીધો. કાઠિયાવાડના રક્ષણ માટે ભારતીય લશ્કર તેમજ રાજ્યોનાં લશ્કરને સક્રિય બનાવ્યું. દરમિયાન વી.પી.મેનન સપ્ટેમ્બરમાં છેલ્લી વાર પ્રયત્ન કરવા માટે જૂનાગઢ આવ્યા. દીવાનને કહ્યું કે મારે કેબિનેટનો નિર્ણય નવાબસાહેબને જણાવવો છે. ભુટ્ટોએ જણાવ્યું તે નવાબ નાદુરસ્ત છે, મળી શકે તેમ નથી. ફરજંદ ક્રિકેટ મેચમાં પડ્યો હતો. તેને મળી શકાયું નહીં. ભુટ્ટોએ જણાવ્યું કે અમે પાકિસ્તાન સાથે જોડાઇ ગયા છીએ. વી.પી.એ કહ્યું કે દિલ્હીમાં ભારત સાથે જોડાણની સહી કરનાર પ્રતિનિધિ નબીબક્ષ ક્યાં છે? તો કાઉન્સિલે કહ્યું કે હવે તે નવાબસાહેબના સચિવ તરીકેની નોકરીમાં નથી. એકમાત્ર તેના મકાન પર નવાબી પોલીસ હતી! ભુટ્ટોએ એવી દલીલ કરી કે કાઉન્સિલે પણ જોડાણની તરફેણ કરી છે. કાઉન્સિલમાં જે પાંચ સભ્યો તેમાં દીવાન પોતે, બે સિંધી, એક અધિકારી, એક જૂનાગઢવાસી (જેનું નામ એ. કે. અબ્રાહાની હતું. તેનો ભાઇ કરાંચી જઇ નવાબ તરફથી સહી કરી આવ્યો હતો.) તેમાંથી એકમાત્ર હિન્દસભ્ય રા.બ. હીરાનંદાણીએ પાકિસ્તાન સાથેના જોડાણમાં સંમતિ દર્શાવી રાજીનામું આપી 17મી ઓગસ્ટે ચૂપચાપ જૂનાગઢ છોડી ચાલ્યા ગયેલ પણ ખાલી હાથે પાછા ફર્યા. 25 સપ્ટેમ્બર, 1947ના મુંબઇમાં આરઝી હકૂમતની સ્થાપના થઇ. માધવબાગમાં મળેલી એ સભા ઐતિહાસિક હતી. આરઝી હકૂમતના ‘વડાપ્રધાન’ શામળદાસ ગાંધી નિયુક્ત થયા. બીજી પાંચ સભ્યોની એક સમિતિ નરેન્દ્ર પી. નથવાણી પછીથી જોડાયા. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ ઢસા દરબાર ગોપાળદાસ દેસાઇએ તત્કાળ જૂનાગઢ આરઝી હકૂમતને માન્યતા આપી. જૂનાગઢની વસ્તીનો 82 ટકા ભાગ હિંદુઓનો હતો. મોટા ભાગના મુસ્લિમો પણ પાકિસ્તાનની તરફેણમાં નહોતા. જૂનાગઢ, માંગરોળ, માણાવદર, બાંટવા (નાનું) અને બાંટવા (મોટું), સરદારગઢ અને બાબરિયાવાડમાં લોકમત લેવાયો હતો. આ સમયે મોટાભાગના મુસ્લિમોએ જૂનાગઢના ભારત સાથેના જોડાણને માન્ય કર્યું હતું. આરઝી હકૂમતે શું કર્યું? તેને પ્રજાનું સમર્થન મળવા લાગ્યું. 27 સપ્ટેમ્બર, 1947ના શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ મુંબઇથી કાઠિયાવાડ મેલમાં સમાંતર સરકારના સભ્યો રવાના થયા. જન્મભૂમિના તંત્રી અમૃતલાલ દલપતભાઇ શેઠે (જેમણે અગાઉ રાણપુરથી લડાયક ‘સૌરાષ્ટ્ર’ પત્ર ચલાવ્યું હતું અને ઝવેરચંદ મેઘાણી જેવા તેમને સાથીદાર મળ્યા હતા.) ભવાની તલવાર ગાંધીના હાથમાં મૂકી. શામળદાસની જીભ ધારદાર હતી. તેમણે કહ્યું, ‘અમે સત્યાગ્રહ કરવા નીકળ્યા નથી. બાબી સત્તાનું આજે જાહેરમાં અવસાન જાહેર કરું છું. દિવાળી ઊજવીશું આઝાદ જૂનાગઢમાં.’ એવું જ થયું. હકૂમતના સશસ્ત્ર તાલીમાર્થીઓને ધ્રોળમાં તાલીમ અપાઇ. આઝાદ હિંદ ફોજના બે સૈનિક અફસર કેપ્ટનો (બાલમસિંહ અને બળવંતસિંહ)એ જૂનાગઢના વહીવટનો બહિષ્કાર શરૂ થયો. જૂનાગઢ નવાબને મળતી જકાત બંધ થઇ એટલે પાકિસ્તાન પાસે લોનની માગણી કરી. ત્યાંથી કંઇ મળ્યું નહીં. ‘આઝાદ જૂનાગઢ ફોજ’માં ભરતી શરૂ કરવામાં આવી હતી. મૂળ પ્રશ્ન પાંચ રિયાસતોનો હતો. સરદારગઢ-બાંટવા આપોઆપ હિંદી સત્તા નીચે આવવા છતાં તેના તાલુકદારોએ પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું. પાજોદ દરબાર (રુસ્વા મઝલુમી) ભારત સાથે જોડાયા. માણાવદરના ખાન જૂનાગઢના નવાબને અનુસર્યા હતા, પણ 22મી ઓક્ટોબર, 1947ના વહેલી સવારે ડેપ્યુટી પોલીસ ઇન્સ્પેક્ટર જનરલની નાની ટુકડી માણાવદર રાજ્યમાં પ્રવેશી. 200 સિપાહીની તાકાત ધરાવતા રજવાડાંનો નવાબ તો નદી પારના રાજમહેલમાં આરામથી નીંદર લેતો હતો. કોઇ સામના વિના તે શરણે થયો. શસ્ત્રાગારમાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો. ખાનસાહેબે નવાબ મહોબતખાનની જેમ માણાવદરને અલવિદા કરી અને આજે તેના કોઇ વારસદારો પાકિસ્તાનમાં ક્યાં છે, શું કરે છે, નવાબજાદા અસલમખાનનું શું થયું (માણાવદરનું એકમાત્ર સિનેમાગૃહ અસલમ ટોકિઝના નામે ઓળખાતું.) કોઇને જાણ નથી રહી. આરઝી હકૂમતે અમરાપુર, દેવગામ, ગાધકડા, નવાગઢ, કુતિયાણા, છત્રાવા, મહિયારી, ભડુલા, સરાડિયા…. એમ એક પછી એક નવાબી હકૂમત હેઠળનાં ગામો સર કર્યાં. મોટા ભાગના સ્થાનોએ સ્થાનિક પ્રજાએ જ સ્વાધીનતા મેળવી લીધી હતી. ક્યાંક નાના-મોટા સંઘર્ષો થયા પણ રજવાડાંઓનું સૈન્ય મદદે હતું. છેવટનો વારો જૂનાગઢનો આવ્યો. નવાબ મહોબતખાનને લાગ્યું કે તેણે પાકિસ્તાન સાથે જોડાવાની ભૂલ કરી છે. હવે જૂનાગઢ પર અંકુશ રાખવો મુશ્કેલ છે એટલે 24મી ઓક્ટોબર, 1947ના કેશોદના વિમાનીમથકેથી તેણે રસાલા સાથે પાકિસ્તાન ચાલ્યા જવાનું પસંદ કર્યું. તેના રસાલામાં સંપત્તિ, અલંકારો, બેગમો અને પ્રાણપ્રિય શ્વાનદંપતીઓ પણ હતાં! જૂનાગઢ દીવાનના દૂત તરીકે રેલવે સ્ટેશન મેનેજર પંડ્યા, કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીઝના મુસાભાઇ વગેરે ભુટ્ટોના પત્ર સાથે દિલ્હી ગયા, ગાંધીજી અને સરદારને મળ્યા. ત્યાંથી રાજકોટ આવીને આરઝી હકૂમતના નેતાઓને મળ્યા અને જૂનાગઢના ભારત સાથેના જોડાણની વાતચીત કરી. 5 નવેમ્બર, 1947ના જૂનાગઢ રાજ્ય કાઉન્સિલની બેઠક શાહનવાઝખાન ભુટ્ટોના પ્રમુખપદે દીવાનના બંગલે યોજાઇ, તેમાં જણાવાયું કે પાકિસ્તાન સાથેના જોડાણ વિશે ફેરવિચારણા કરવામાં આવે. પરિણામે દીવાન ભુટ્ટો 7મી નવેમ્બરે શામળદાસ ગાંધીને મળ્યા. કેપ્ટન હાર્વે જોન મધ્યસ્થી હતા. પ્રજાજનોનો મત લેવાયો અને હિંદ સંઘમાં જૂનાગઢને જોડવા વિનંતી કરાઇ. એટલે 9મી નવેમ્બરે પ્રાદેશિક કમિશનર એન. એમ. બુચ અને કેડીએફ કમાન્ડર ગુરુદયાલ સિંઘ જૂનાગઢ પહોંચ્યા. દીવાન ભુટ્ટો આગલા દિવસે જ પાકિસ્તાન ભેગા થઇ ગયા (કે પછી જવા દેવાયા). જોકે પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલીએ આ જોડાણનો વિરોધ કરતો પત્ર લખ્યો, પણ હવે કોઇ સવાલ જ નહોતો. આરઝી હકૂમતે 106 ગામ પર કબજો મેળવ્યો હતો. 13 નવેમ્બરે સરદાર જૂનાગઢ આવ્યા. બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં સભા થઇ અને જૂનાગઢ મુક્તિનો નારો સાર્થક થયો. આ વાતને આજે અડધી સદીથી વધુ વર્ષ થઇ ગયાં, પણ જૂનાગઢ માટે પાકિસ્તાનની જીદ એવી ને એવી છે, કાગળ પરની લડાઇ જારી છે. પાકિસ્તાનનું કંઇ વળવાનું નથી, પણ ભારત સરકારે ભારત-પાક મંત્રણા વખતે એટલો સવાલ તો ઉઠાવવો જ જોઇએ કે આ પ્રદેશને વિવાદાસ્પદ જણાવતા રહેવાથી ભારત-પાક સંબંધો સુધરશે કે વિક્ષેપ પડશે? { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...