બુધવારની બપોરે:ઓ યાર, તેરી સાલી, સાલી ગાલી બહોત દેતી હૈ...!

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વ. ચંદ્રકાંત બખ્શીએ લખ્યું હતું, ‘ગાળો એ પુરુષોનું માસિક છે.’ અલબત્ત, એમની સાથે સહમત થવું જરૂરી નથી કારણ કે, માસિક તો મહિને મહિને આવે અને એય સ્ત્રીઓને, પણ પુરુષો એવા સમયકાળનાં બંધનોમાં બંધાતા નથી. એમને તો ‘બારોં મહિને બરસાત!’ બખ્શીના નિવેદનને સુધારીને નવું નિવેદન લખી શકાય કે, ‘ગાળો એ પુરુષોનું ‘ક્ષણિક’ છે.’ આ નવી સુધારેલી આવૃત્તિમાં બખ્શી અને બાકીના ગાળીયા પુરુષો-બધા બચી જાય છે. એવો કયો નમાલો પુરુષ હશે જે ગુસ્સે ભરાયા પછી ગાળો બોલવા માટે મહિનો પૂરો થવાની રાહ જુએ? ‘આ સા....ને આવતા મહિનાની છવ્વીસમી તારીખે ત્રણ ગાળો દઈશ!’ એવા પ્લાનિંગથી ગાળો નક્કી કરી શકાતી નથી. આ તો ક્ષણિક ઊભરો છે- પુરુષનો પગાર નથી કે કોઈને ચૂકવવા માટે મહિનો પૂરો થવાની રાહો જોવી પડે! સુઉં કિયો છો? ગાળો તાબડતોબ નીકળતો માલ છે, પણ એની પ્રસૂતિ અલગ કારણોસર અને જુદા જુદા મૂડમાં થાય છે. હમણાં દિલ્હીના એક કહેવાતા નેતા શ્રીકાંત ત્યાગી અને દિલ્હીની જ ઉચ્ચ પરિવારની મહિલા ભવ્યા ફ્લેટના કમ્પાઉન્ડમાં આવીને, ‘સ્પેલિંગની એક પણ ભૂલ વિનાની’ અસ્ખલિત ગાળો બોલતી ‘આજ તકે’ ઝડપી હતી. પૂરી ફેશનેબલ અને કરોડપતિ લાગતી એ સુંદર સ્ત્રીએ સ્ત્રીત્વનાં તમામ ઘરેણાં બાજુ પર મૂકીને એપાર્ટમેન્ટ્સના વોચમેનને સ્પેલિંગની એક પણ ભૂલ વગરની ધરખમ ગાળો મન મૂકીને વરસાવી હતી. ભલે એ દેવાતી હતી બીજાઓને પણ ઉપસ્થિત સજ્જનો ગંદી ગાળોની આટલી વિરાટ જાહોજલાલી સાંભળીને ગેલમાં આવી ગયા હતા. અમદાવાદ તો અબજોપતિઓનું શહેર છે, પણ અહીંની ક્લબોમાં આવતી-જતી ‘સન્નારીઓ’ કોઈ પણ જાતનું લેસન કર્યા વિના- જરૂર પડે નોનસ્ટોપ ગાળો બોલતી સાંભળી છે. ક્લબની બહાર ગાડી કાઢતી વખતે જો કોઈ વચમાં આવી ગયું કે એને ઓવરટેઈક કરી તો ‘અલ્લાહ બચાયે હસીનાઓં સે...! મ્હોમાંથી નાનુંય થૂંક ઊડાડ્યા વગર આપણી ગુજરાતણો ‘દે-ઠોક’ કરી શકે છે. એમનાં મનમાં કાંઈ ન હોય, પણ હવે શું... કે એ લાઈફસ્ટાઈલ બની ગઈ હોય! હું ગાળો બોલતો નથી, એનો અર્થ એવો નથી કે મને આવડતી નથી. જાતનો લેખક મૂવો છું એટલે બધી વાતમાં ગ્રામર વચમાં આવે. ગાળોમાંય જોડણીની ભૂલો જોઈ લેવી પડે અને ખાસ તો, આજુબાજુ કોઈ સાંભળી ન જાય એ વ્યવસ્થા કર્યા પછી ગાળો બોલું અને એમાંય, ખાવી જરાય ગમતી નથી એટલે કોઈને દેવાની પણ નહીં! દઈએ તો બા ખીજાય! પણ ક્યારેક તો મ્હોમાંથી નઠારી ગાળોય નીકળી પડે છે, ખાસ કરીને ગાડી ચલાવતા! અમદાવાદના ટ્રાફિકમાં ઘુસો ને ગાળોય ન બોલો, એ રિસેપ્શનમાં આઈસક્રીમની 3-4 પ્લેટો દાબ્યા વગર પાછા આવવા જેવી લ્યાનત કહેવાય! ખાસ કરીને ટુ-વ્હીલર્સવાળા ગમે તેવા ઋષિમુનિ કે સાધુસંતો પાસે ગાળો તો બોલાવે જ! કામરૂ દેશનો રાજકુમાર પાણીદાર ઘોડો લઈને નીકળ્યો હોય ને સામે અમદાબાદી ટુ-વ્હીલરીયો ભટકાયો તો રાજકુમાર તલવાર-ભાલો પછી કાઢે, પહેલાં મા-બેનની અધધધધ ચોપડાવે! સિગ્નલ ચાલુ થાય ત્યારે તમારું ધ્યાન સીધું અને મેક્સિમમ જમણી બાજુથી ઓવરટેક કરનારાં વાહનો ઉપર હોય, પણ ટુ-વ્હીલર્સવાળા અચાનક જ તમારી ગાડીની ડાબી બાજુથી નીકળી જમણી બાજુ સ્પીડમાં વળી જાય ને તમે મોઢું ખુલ્લું રાખીને ‘હેએએએએએ...’ કરતા રહી જાઓ. બસ. આ વખતે મને નઠારી ગાળો સૂઝે... પણ બોલી ન શકું, કારણ કે પેલો સાંભળી જાય તો સામી ચાર આપે અથવા મારવા આવે! ગાડીના કાચ ચઢાવીને ‘મનમાં’ સાલાને 25-30 મા-બેનની દઈ દઉં, એટલે આપણો ઊભરો ઠરી જાય! લેખક છું, એટલે ગાળોમાં પણ હૃસ્વ-દીર્ઘનો ખ્યાલ રાખવો પડે છે, નહીં તો સાંભળનારાઓની બાઓય ખીજાય! આશ્ચર્ય નહીં આઘાતની વાત એ છે કે હવે પૂરા દેશમાં ‘સાલો’ ગાળ જ ગણાતી નથી. બહુ સાહજીકતાથી બધા વાતવાતમાં બોલે છે. અર્થઘટન કરવા બેસો તો ‘સાલા’ એ કોઈ સામાન્ય ગાળ નથી, હલકટ બ્રાન્ડની ગાળ છે. મારે એનું અર્થઘટન સમજાવવું પણ નથી, પણ એક તાજું અર્થઘટન એ પણ નીકળે છે કે, ગાળ અનેક મોટાં યુદ્ધો અને તગડી મારામારીઓથી બચાવે છે. નોર્મલી, અમદાવાદીઓ ઝઘડા વખતે ગાળો અને ધમકીથી આગળ વધતા નથી. ‘તને જોઈ લઈશ!’ ‘તારાથી થાય એ કરી લેજે’ અને ‘હજી તું મને ઓળખતો નથી...’ એવું હરએક ઝઘડામાં બોલાય છે, પણ ક્યાં જોવાનો છે, સાથે કોને કોને લાવવાના છે, એને જોઈ લઈને આપણે કેટલા ભડાકા કરવાના છે કે, ખાસ તો... શું કામ ‘પછી’ જોવો છે? અત્યારે જ પતાય ને, ભ’ઈ! બહુ ચવાઈ ગયેલી વાત છે કે, સુરતીઓ ધમધોકાર ગાળો બોલે છે અને એય મા-બેનની! પણ સાક્ષીભાવે હું એટલું કહી શકીશ કે, સુરતીઓની ગાળો ગાળો જ નથી હોતી, એ જીવનમાં વણાઈ ગયેલી શૈલી છે. સારા ઘરની શિક્ષિત સ્ત્રીઓ પણ બાકીના ગુજરાતમાં અમાન્ય હોય એ બધી ગાળો પૂરી સાહજીકતાથી બોલે છે ને એ બોલવામાં સામી વ્યક્તિને ગાળ દેવાનો કોઈ ભાવ ન હોય! ત્યાં કોઈને એકબીજાની ગાળ લાગતી પણ નથી, એનો મતલબ એ થયો કે, બધો આધાર તમારા ઈરાદાઓ ઉપર છે. ‘ઘણા સજ્જન માણસ છો આપ...!’ એવું મા-બેનની ગાળના ભાવમાં બોલાય એની પણ સાંભળનારને ખબર તો પડે છે! ‘સજ્જન’ શબ્દને હટાવીને બીજો ગોઠવી દેવાનો હોય છે, એમાં તમારો સંદેશો પહોંચી જાય! બહુ કડવું લાગે, પણ દાખલો મારા જ પુત્ર સમ્રાટનો આપું, એટલે તમને કડવું નહીં લાગે! એ છ-સાત વર્ષનો હતો ત્યારે અમે નવા વાડજના પસ્તીનગરમાં રહેતા. નીચે રમવા જાય, એમાં એક દિવસ કોઈ ગાળ શીખીને લાવ્યો. એની માંનો... (આ ગાળ નથી લખી, વાત ચાલે છે!) ગુસ્સો ફાટ્યો. મને હકલાવી નાંખ્યો, ‘આ જુઓ, તમારો છોકરો ગાળો શીખીને આઈવો છે... એને જરા ધીબેડો!’ મારે હકીને સામેથી સમજાવવી પડી કે, ‘આપણા છોકરાનું મૂળ ખાડીયાનું છે. એ ગાળો નહીં બોલે, તો મારો જીવ કપાશે. સામેવાળો એને ચોપડાવતો હોય ને એ મૂંગે મોંઢે સહન કરીને પાછો આવે, એવો છોકરો આપણો ન હોય! વળી, એ મોટો થશે ને જ્યાં જશે, ત્યાં બધાં જ ગાળ-કલ્ચરના માણસો મળવાના. અત્યારથી પ્રેક્ટિસ પડાવવી સારી! એટલું સારું છે કે, ગુજરાતીઓ ગાળ બોલે ખરા, પણ એના અર્થમાં ન પડે!{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...