અગોચર પડછાયા:વળગાડ

જગદીશ મેકવાન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • … પણ તે આગળ કંઈ વિચારે એ પહેલાં તો ઓરડામાંથી રેવતીની કારમી ચીસો સંભળાવા લાગી

કોઈકે કહ્યું કે ગામની બહાર એક અઘોરી આવ્યો છે, જે ભૂત ભગાડે છે. દીકરી રેવતીને બચાવવા બહાવરાં બનેલાં મીનાબહેન અઘોરી પાસે પહોંચ્યાં. મીનાબહેનનાં પગલાંની આહટનો અહેસાસ થતાં જ અઘોરીએ આંખો ખોલી. સમાધીમાં ભંગ પડવાથી તે ક્રોધિત થયો હતો. એટલે મીનાબહેનને જોઇને તે ચિલ્લાઈ ઊઠયો, ‘મૂર્ખ ઔરત...ક્યૂં આયી હૈ યહાં?’ ‘મારી છોકરી માટે મારા’જ. એને હાજી કર દો.’ ‘હમ યે સબ કામ નહીં કરતે...જાઓ...’ એ તો દોડી અને સીધી જ અઘોરીના પગમાં ઢગલો થઈ ગઈ. ‘મારા’જ...તમે જબ તક હા નઈ પાડોગે મૈં નઈ જાઉંગી...’ મીનાબહેને જીદ પકડી. અઘોરી કંઈક વિચારતો હોય એમ બોલ્યો, ‘કહાં હૈ લડકી?’ ‘ઘર પર. મારા’જ...મારા ધણી કો પસંદ નહીં હૈ કી મૈં કોઈ બાવા કો ઘર મેં લાઉં. જો તમે કાલે બપોરે મારા ઘરે આઓ તો તમારી બોવ મેરબાની બાપા...’ મીનાબહેન લાચારીભર્યાં અવાજે બોલ્યાં. અઘોરી બે ક્ષણ માટે તાકી રહ્યો. પછી કંઈક વિચારતો હોય એમ બોલ્યો, ‘ઠીક હૈ. હમ આયેંગે.’ બીજે દિવસે બપોરે અઘોરી આવ્યો એ પડોશી બાઈએ જોયું. એટલે તેણે તરત જ પોતાના દીકરાને મીનાબહેનના પતિને ચાડી કરવા ખેતરે દોડાવ્યો. મીનાબહેન અઘોરીને એ રૂમમાં લઈ ગયાં, જ્યાં રેવતીને બાંધીને રાખી હતી. અઘોરીને જોતાં જ રેવતી તોફાને ચડી અને ઘોઘરા સ્વરે બોલી, ‘જતો રહે...જતો રહે અહીંથી...કેમ આવ્યો છે?’ ‘કોન હૈ તૂં?’ ‘તેરા બાપ...’ ‘બાહર નિકલ...’ એક ગાળ સાથે અઘોરીએ હુકમ કર્યો. ‘તું બાહર નિકલ...’ ‘ઐસે નહીં માનેગા?’ અઘોરીએ કહ્યું અને પછી મીનાબહેન સામે જોઇને કહ્યું, ‘તુમ કમરે સે બાહર જાઓ. ભૂત ચલા જાયેગા તો મૈં ભી ચલા જાઉંગા. તુમ બાદ મેં સ્મશાન મેં આના. મૈં એક નારિયલ દૂંગા. ઘર મેં રખના. કભી ભી કોઈ કાલી આત્મા યહાં પર નહીં આયેગી.’ મીનાબહેનને ખચકાટ થયો, પણ જાતે જ અઘોરીને અહીં બોલાવ્યો હતો. એટલે હવે એની વાત માન્યા સિવાય છૂટકો ન હતો. તે ઓરડાની બહાર નીકળ્યા એટલે અઘોરીએ ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મીનાબહેનના મનમાં શંકા જાગી કે અઘોરી રેવતી સાથે કોઈ ગંદી હરકત કરશે તો? પણ તે આગળ કંઈ વિચારે એ પહેલાં તો ઓરડામાંથી રેવતીની કારમી ચીસો સંભળાવા લાગી અને એ જ સમયે મીનાબહેનનો પતિ પણ ઘરમાં પ્રવેશ્યો. મીનાબહેનના પગ તળેથી ધરતી સરકી ગઈ. મીનાબહેનના ચહેરા પરથી ઊડી ગયેલું નૂર અને ઓરડામાંથી સંભળાતી રેવતીની કારમી ચીસોએ મીનાબહેનના પતિને ભડકાવી માર્યા. તેમણે ગુસ્સાથી ત્રાડ પાડી, ‘શું ચાલી રહ્યું છે ઘરમાં?’ ‘એ તો રેવતીનું ભૂત ભગાડવા...’ મીનાબહેન આગળ બોલી ન શક્યાં. પતિના હાથની જોરદાર થપ્પડે તેમની બોલતી બંધ કરી દીધી. મીનાબહેનના પતિએ ઓરડાનો દરવાજો ખખડાવીને જોરથી બૂમ પાડી, ‘દરવાજો ખોલ...’ પણ અંદરથી રેવતીની કારમી ચીસો સિવાય કોઈ પ્રતિભાવ ના મળ્યો. એટલે એમણે જોરથી દરવાજાને લાત મારીને બૂમ પાડી, ‘દરવાજો ખોલ હરામી...’ પણ પરિણામ શૂન્ય. અંદરથી માત્ર રેવતીના ઉંહકારા અને હાંફવાના અવાજ સિવાય અન્ય કોઈ પ્રતિભાવ ન મળ્યો. પતિ-પત્નીની આંખમાં આંસુ આવી ગયાં. આ બધી ધમાલથી પડોશીઓ તમાશો જોવા એકઠા થયાં અને મદદ કરવાના કે સહાનુભૂતિ દર્શાવવાનાં બહાનાં હેઠળ નજીકથી તમાશો જોવા ઘરમાં ઘૂસ્યાં. એક જણે સલાહ આપી કે દરવાજો તોડી નાખો. એટલે ચાર-પાંચ ઉત્સાહી યુવકો દરવાજો તોડવા વળગ્યા, પણ આ શું? દરવાજો તો વિરુદ્ધ દિશામાં તૂટીને ઊછળ્યો અને એની સાથે હવામાં ઉછળીને બહાર પટકાયાં અઘોરી અને રેવતી. બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. રેવતીનો દેખાવ ખૂબ જ બિહામણો હતો. ટોળાને જોઇને અઘોરીએ બૂમ પાડી, ‘બાહર જાઓ...’ બધાં બહાર નાઠાં. એટલામાં રેવતીએ અઘોરીને લાત મારી. અઘોરી ઉછળ્યો. રેવતી એની છાતી પર ચડી બેઠી અને પોતાના અણીદાર નખથી અઘોરીની છાતી ચીરવાનો પ્રયાસ કરવા લાગી. એટલે અઘોરીએ જોર કરીને એને ગબડાવી દીધી અને તે રેવતીના પેટ પર ચડી બેઠો અને મંત્રોચ્ચાર કરતાં કરતાં રેવતીના વાળ પકડીને એનું માથું જોરજોરથી ફર્શ પર પછાડવા લાગ્યો. બધાંને લાગ્યું કે અઘોરી રેવતીને મારી નાખશે. રેવતીના પિતાથી ન રહેવાયું. એટલે તેમણે દોડીને અઘોરીને રેવતી પરથી ગબડાવી દેવાનો પ્રયાસ કર્યો, પણ અઘોરી તો જાણે પથ્થરની ચટ્ટાન હોય એમ હલ્યો પણ નહીં. એટલે તેમણે ક્રોધે ભરાઇને ધારિયું ઉઠાવ્યું અને એક જ ઝાટકે અઘોરીનું માથું ધડ પરથી અલગ. બધાં જ સ્તબ્ધ થઈ ગયાં. મીનાબહેન પતિની આ હરકતથી આઘાતના માર્યાં ઢળી પડ્યાં. અડોશી-પડોશી પોલીસનું લફડું થશે એમ વિચારીને ગાયબ થઈ ગયાં, પણ અઘોરીનું ધડ તો હજીએ રેવતીના વાળ પકડીને એના મસ્તકને ફર્શ સાથે જોર જોરથી પછાડી રહ્યું હતું અને થોડે દૂર પડેલું મસ્તક મંત્રોચ્ચાર કરી રહ્યું હતું. છેવટે રેવતી બેહોશ બની ગઈ એટલે ધડ નિશ્ચેતન બનીને રેવતી પર ઢળી પડ્યું. મીનાબહેન અને એમનાં પતિ હિંમત કરીને રેવતી પાસે ગયાં અને ધડને હટાવ્યું. બેહોશ રેવતીના ચહેરા પર પાણી છાંટીને એને હોશમાં લાવ્યાં. બંનેને એમ હતું કે રેવતી હોશમાં આવતાંની સાથે જ તોફાન કરશે, પણ આ શું? રેવતી તો એકદમ સાજીસમી હતી. આ જોઇને મીનાબહેનનો પતિ ભડક્યો. તેણે અઘોરીની લાશ તરફ નજર નાખી. તો લાશ ગાયબ..! બંને ભડક્યાં. તેમને ખ્યાલ આવી ગયો કે અઘોરીએ તેમની દીકરીને વળગાડથી મુક્ત કરી છે. મીનાબહેનના પતિને પસ્તાવો થયો, પણ પશ્ચાતાપ કઈ રીતે કરવો? બે-ત્રણ દિવસ પછી કોઇકે ખબર આપી કે એ અઘોરી તો સ્મશાનમાં બેઠો છે. એટલે પતિ-પત્ની અઘોરીનો આભાર માનવા ત્યાં પહોંચ્યાં, પણ ત્યાં કોઈ ન હતું. બસ એક નારિયેળ પડ્યું હતું.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...