અંદાઝે બયાં:ન્યાય, જસ્ટિસ, ઇન્સાફ યે માટી સભી કી કહાની કહેગી!

સંજય છેલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ રિમોટ કંટ્રોલથી ટેલિવિઝન ચાલે, વિઝન નહીં. (છેલવાણી) દેશમાં દાયકાઓથી એક પછી એક દુર્ઘટનાઓ બને રાખે છે ને હેડલાઇનો ને બ્રેકિંગ ન્યૂઝ આવ્યે રાખે છે. આપણે થોડા દિવસ અરેરાટી કરીને રૂટિન જીવનમાં ને ફરી કોઇ નવી દુર્ઘટનાઓમાં જૂનું બધું ભૂલી જઇએ છીએ. આપણી સંવેદનાને લકવો મારી ગયો છે ને સિસ્ટમ, એકમેકની સામે આંગળી ચીંધીને ‘સ્ટેચ્યૂ’ની રમત રમનારાની જેમ મૌન છે. રાજા વિક્રમ કે જહાંગીરના ન્યાયની વાતો આપણે બાળપણમાં સાંભળેલી, હવે ભૂલાવા માંડી છે. લોકકથાઓમાં ન્યાય માટે સગા પુત્રનું માથું કાપી નાખતા રાજવીઓ હતા, પણ એ બધો આદર્શ હવે અસંભવ લાગે છે. હવે તો અદાલતો છે, તપાસપંચો છે ને મૃગજળ સમા ન્યાયની આશાએ જીવન ચાલ્યા જ કરે છે. ખેર, આવા વંધ્ય-વિલાપ સમયે એક લોકકથા યાદ આવે છે, જેમાં ન્યાયની સૂક્ષ્મ વાત છે. આ એ છત્તીસગઢના બસ્તર વિસ્તારની વાર્તા છે, જે આજે નક્સલવાદ માટે કુખ્યાત છે પણ અગાઉ ત્યાં કેવું આદર્શ શાસન હતું એનો નમૂનો જુઓ: રાજાની ગૌશાળાના છાપરામાં ચકા-ચકીની જોડી માળો બનાવીને રહેતાં હતાં. એકવાર ચકીએ ઈંડાં મૂક્યાં, પણ કોણ જાણે શું થયું કે ચકા-ચકીમાં ઝઘડો થઈ ગયો. ચકો, માળો છોડીને દૂર જતો રહ્યો! એકલી ચકી, ઈંડાં સેવવા માંડી. સમય થતાં ઈંડાંમાંથી બચ્ચાં નીકળ્યાં. બચ્ચાંઓ મોટાં થવા માંડ્યાં ને હવે ઉડવા પાંખો ફૂટી. એક દિવસ અચાનક ચકો પાછો આવી ચઢ્યો ને ચકીને કહ્યું, ‘આ બચ્ચાં મારાં છે!’ ચકીએ કહ્યું, ‘ના. બચ્ચાં મારાં છે, મેં જન્મ આપ્યો છે!’ બેઉ વચ્ચે મોટો ઝઘડો થયો. છેવટે ચકાએ કહ્યું, ‘ચાલ, રાજા પાસે જઈએ. એ જ ન્યાય કરશે.’ રાજાએ બેઉની વાત સાંભળી અને નિર્ણય સંભળાવ્યો કે- ‘બચ્ચાં, ચકીના નહીં, પણ ચકાના છે.’ ચકીએ ખૂબ વિરોધ કર્યો પણ રાજાએ પોતાના ન્યાયને ‘અફર’ ગણાવ્યો. આ સાંભળીને આઘાતથી ચકીએ રાજાના જમણા હાથના નખ પર માથું પટકી પટકીને જીવ આપી દીધો! ઇન્ટરવલ ના રાજા રહેગા ના રાની રહેગી, યે માટી સભી કી કહાની કહેગી. (ભરત વ્યાસ) હવે મૃત્યુ બાદ એ જ ચકલીએ, એ જ રાજાના મંત્રીને ત્યાં દીકરી રૂપે જન્મ લીધો. નિ:સંતાન મંત્રી, પુત્રીના જન્મને લીધે ખૂબ ખુશ થયો. ખૂબ લાડથી પુત્રીને ઉછેરવા માંડ્યો. એ છોકરી જ્યારે બાર વરસની થઈ ત્યારે એણે એના પિતાને કહ્યું કે એના માટે કાબરચીતરો ઘોડો લાવી આપે. મંત્રીએ એવો કાબરચીતરો ઘોડો લાવી આપ્યો. હવે મંત્રીની છોકરી, રોજ એ કાબરચીતરા ઘોડાને રાજાના ઘોડારમાં રાજાની ઘોડીઓ વચ્ચે મૂકીને પાછી આવી જતી. આ રીતે ઘણા દિવસો વીત્યા. થોડા મહિનાઓ બાદ ઘોડીઓએ બચ્ચાંઓને જન્મ આપ્યો. બધી ઘોડીઓનાં બચ્ચાં કાબરચીતરા જન્મ્યાં! બચ્ચાં મોટાં થવા માંડ્યાં. એક દિવસ મંત્રીની દીકરી, પેલાં બધાં કાબરચીતરા બચ્ચાંઓને પોતાના ઘરમાં લઈ આવી અને અંગણાંમાં બાંધી દીધાં. આ જોઈને મંત્રીએ કહ્યું, ‘તું આ શું કરી રહી છે? તું આપણા રાજાના ન્યાય વિશે જાણતી નથી. જા, ઘોડીઓનાં બચ્ચાંઓને પાછાં મૂકી આવ.’ આ સાંભળીને દીકરીએ કહ્યું, ‘બાપુ, તમે મારા આ મામલામાં વચ્ચે ના પડો. હું પણ તો જોઉં કે રાજાનો ન્યાય કેવોક છે?’ આ સાંભળીને મંત્રી ચૂપ થઈ ગયો. ધીમે ધીમે નગરમાં આ કાબરચીતરા ઘોડાનાં બચ્ચાંઓના અપહરણની ઘટનાની ચર્ચા થવા માંડી. એક દિવસ રાજાના કાને આ વાત પહોંચી. સાંભળીને રાજા તો ધૂંઆપૂંઆ થઈ ગયો. સૈનિકોને કહ્યું કે તરત જ મંત્રીને હાજર કરો! સૈનિકો, મંત્રીને ઘરે ગયા ત્યારે મંત્રીની દીકરીએ તેમને કહ્યું, ‘રાજાને જઈને કહો કે દોષી મારા પિતા નહીં પણ હું છું! એટલે રાજા સામે હું જ હાજર થઈશ. જોઉં તો, શું દંડ આપે છે?’ આમ કહીને છોકરી, રાજ દરબારમાં આવી પહોંચી. રાજાએ ક્રોધિત થઈને પૂછયું, ‘કેમ રે છોકરી? તારી આ હિંમત? તું શા માટે મારા ઘોડાઓને ઉઠાવીને લઈ ગઈ છે?’ છોકરીએ બહુ સંયત સ્વરમાં કહ્યું, ‘મહારાજ, મારી પાસે પણ એક ઘોડો છે, જેનો રંગ કાબરચીતરો છે. હવે તમે જ જોઈ લો, તમારી ઘોડીઓનાં બચ્ચાંઓનો રંગ પણ એના જેવો છે!’ પછી એણે કઇ રીતે એના કાબરચીતરા ઘોડાને રાજાના ઘોડારમાં રોજ મૂકી આવતી એ વાત જણાવી અને પછી પૂછ્યું, ‘મહારાજ! હવે તમે જ ન્યાય કરો, આ બચ્ચાં કોના કહેવાય?’ આ સાંભળીને રાજા વધુ ક્રોધિત થયો, ‘આ બચ્ચાં તારા કેવી રીતે થયાં? મારી ઘોડીઓએ જન્મ આપ્યો છે એમને…એટલે એ મારા જ કહેવાય ને?’ આ સાંભળીને મંત્રીની દીકરી બોલી, ‘મહારાજ! તમે જ યાદ કરો કે ચકા ને ચકીના મામલામાં તમે કરેલો ન્યાય. જો ચકીના બચ્ચાં ચકીના નહીં ને ચકાના હોઈ શકે તો તમારી ઘોડીઓનાં બચ્ચાંઓ, મારા ઘોડાના શા માટે ના હોઈ શકે?’ રાજાને તરત એ આખી ઘટના યાદ આવી ગઈ અને ક્ષોભને કારણે બેહોશ થઈને એ છોકરીના પગ પાસે ફસડાઈ પડ્યો અને મરી ગયો! તો આ હતી- ન્યાયની વાત! જરા પળભર વિચારો, સદીઓ પછી આપણા વંશજો આપણા જમાનાની આવી કોઇ વારતા યાદ કરશે કે પછી કેવી ને કઇ વારતાઓ યાદ કરશે? એન્ડ ટાઇટલ્સ આદમ: તને અચાનક રડવું ક્યારે આવે? ઈવ: સમાચાર જોઇને.{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...