સાંઈ-ફાઈ:લાલન-પાલન અને પોષણ

સાંઈરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે શિશુનું લાલન-પાલન અને પોષણ લાગણીસભર રીતે થાય એ જ શ્રેષ્ઠ મનુષ્ય બને. બાળકમાં કદી કોઈ ખામી હોઈ શકે? ખોટું તો બાળ ઉછેરમાં હોય છે

આ ચાર્ય ચાણક્યએ વર્ષો પહેલાં પેરેન્ટિંગનો શ્રેષ્ઠ શ્લોક આપ્યો: લાલયેત પંચ વર્ષાણી, તાડયેત દસ વર્ષાણી, પ્રાપ્તે સમ્પ્રાપ્તે ષોડસે, વર્ષે પુત્રં મિત્ર સમાચરેત. અર્થાત્ બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેને માત્ર પ્રેમ આપી લાડ લડાવો. દસ વર્ષે બાળકની ભૂલો માટે સહેજ કડક થાઓ અને સંતાન સોળ વર્ષનું થાય ત્યારે તેને મિત્ર સમજો. આપણે ત્યાં લાલન-પાલન અને પોષણના ત્રણ તબક્કા છે. ‘લાલયેત પંચ વર્ષાણી’ પાંચ વર્ષ સુધી શિશુને ભરપૂર લાડ લડાવો. એ સમયે બાળક માત્ર સ્પર્શની ભાષા જાણતું હોય છે. તેને હુંફાળી હગ આપો. તેની સામે ગુસ્સો ના કરો. ઝઘડાઓ ટાળો. તેનામાં પ્રેમ-કરુણા અને દયાના સદ્્ગુણો વિકસે એવી કોશિશ કરો. આ સમય એ બાળઉછેરના શ્રીગણેશ માંડવાનો છે. ત્યારે બાળકની પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મનના યોગ્ય વિકાસ માટે મા-બાપે કમર કસવાની છે. સ્પર્શ બાદ શ્રવણ વિકસાવવાનું છે. બાળકના કાને અલગ-અલગ અવાજોની ઓળખ કરાવવાની છે. એકાક્ષરી શબ્દોથી લઈ નાના કર્ણપ્રિય શ્લોક-મંત્ર કે હાલરડાં સુધીની યાત્રા કરવાની છે. ‘હા...હા...હા...હા’ માતાના કંઠથી વહેતો આ ચાર શબ્દોનો લય પણ બાળક માટે તો હાલરડું જ છે. જીવનમાં તું બધી જગ્યાએ હકારાત્મક થજે જેની શરૂઆત ખરેખર તો આ ‘હા...હા’ જેવા હકારથી થાય છે. ફ્રોબેલ નામના શિક્ષણવિદ્દે પણ એ જ સૂચવ્યું છે, ‘નાના બાળકને ઈમોશનલ વોર્મ્થ આપો.’ જેને મેડમ મોન્ટેસરી પણ અનુસર્યાં છે કે, ‘લાડકોડ અને સ્પર્શનું જ્ઞાન માતા-પિતા ઘરમાં જ આપી શકે છે, તેના માટે કોઈ શાળા કે શિક્ષકની જરૂર જ નથી.’ ત્યારબાદ તેને દૃશ્ય બતાવવાનાં છે. બાળકની નાની શી આંખો સમક્ષ તમે જ્યારે ગાય બતાડો છો કે કબૂતર દેખાડો છો ત્યારે એક ગજબનું વિસ્મય તમને જોવા મળે છે. પ્રાકૃતિક દૃશ્યોથી બાળકની આંખોને ‘નોન વર્બલ પેરેન્ટિંગથી’ વિકસાવવાની છે. પાલનમાં તેની નાની-નાની દૈનિક ક્રિયાઓની આચારસંહિતાઓને ઘડવામાં મદદરૂપ થવાનું છે. પાંચથી દસ વર્ષના બાળકને એકબીજાનું કહ્યું માનતા શીખવવાનું છે. અહીં બાળક માટે થોડું કઠોર પણ થવું પડે છે. બાળક સહજ રીતે ઘરના વાતાવરણમાંથી જોઈને વધુ શીખે છે. સવારમાં વહેલાં જાગીને પૂજાપાઠ કરતા દાદીમાંથી તેને આસ્થા દૃઢ થાય છે. રસોડામાં પરિવારના સભ્યો માટે ચા-નાસ્તો બનાવતી મમ્મીને જોઈ તેનામાં સમયબદ્ધતાની સભાનતા જન્મે છે. પ્રભાતે ભક્તિસંગીત જ સંભળાય; ફિલ્મ ગાણાઓ નહીં. આ વાત બાળકને કોઈ શાળા શીખવતી નથી. તે ઘરના પરિવારમાંથી જ મેળવે છે. સવારમાં સૂર્યને અર્ઘ્ય અપાય; જોરજોરથી ના બોલાય; જાગીને વડીલોને-ઈશ્વરને વંદન કરાય આવી તમામ બાબતો વાણીથી નહીં પણ પરિવારજનોનાં વર્તનથી શીખે છે. ઘરના ઈમોશનલ એટેચમેન્ટથી જ બાળકમાં સોફ્ટ સ્કિલ ડેવલપ થાય છે. સંસ્કારના પાયા ઉપર જ શિક્ષણની ઈમારત ચણવી પડે; શિક્ષણના પાયા પર સંસ્કારો નહીં ચણી શકાય. તગડી ફી ભરીને કેટલાંક માતા-પિતા શાળાઓ પાસેથી સંસ્કારની અપેક્ષા રાખે છે જે વ્યર્થ છે. કારણ કે શાળામાં અક્ષરજ્ઞાન મેળવવાનું છે. યાદ રાખો, શાળાએ તો બાળક ચાર કે છ કલાક જ જાય છે બાકી તમામ કલાકો એ ઘરમાં જ વિતાવે છે. મારા મતે ઘરથી મોટી કોઈ સ્કૂલ જ નથી અને માતા-પિતાથી સારા કોઈ શિક્ષક હોઈ જ ના શકે. લાલન-પાલન બાદ પોષણનો તબક્કો આવે છે. બાળકને અન્નના પોષણ માટે લગભગ હવે કોઈ પરિવારને કશું કહેવાની જરૂર નથી. પરંતુ બાળકના મનના પોષણની ચિંતા કેટલાં પેરેન્ટ્સ કરે છે? બાળકની ઉંમર દસથી પંદર વર્ષનું છે તો ઘરમાં દેશનાં વીર ચરિત્રોનાં પંદર પુસ્તકો પણ તમે વસાવ્યાં? જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવે ત્યારે નાનકડા બાળકને તરત જ પાણીનો ગ્લાસ આપવા જવું હોય છે. ખરેખર તો એ પોતાની હયાતીની નોંધ લેવડાવવા માંગે છે. ક્યારેક તેનાથી ગ્લાસ ઢોળાઈ જાય કે તૂટી જાય તો મા-બાપ તેને ખીજાઈ જાય છે. ત્યારે એ કાચના ગ્લાસ સાથે બાળકનો કોન્ફિડન્સ પણ તૂટી જાય છે. આપણે ઘણીવાર પરિવારનાં બાળકોમાં સરખામણી કરી બેસીએ છીએ. ઘરમાં પધારેલા મહેમાનોને ઓળખાણ આપતી વખતે જ કોઈ બોલી જાય છે કે, ‘આ મારી દીકરી અભ્યાસમાં પહેલો નંબર લાવે છે અને દીકરો તોફાનમાં...!’ માતા-પિતા દ્વારા અજાણ્યા લોકો સમક્ષ થતી આવી ટિપ્પણીઓની બાળમાનસ ઉપર ઊંડી છાપ પડે છે. તેની કંઈ-કેટલાય માતા-પિતાને કદાચ ખબર શુદ્ધાં નથી. જો તમે તમારાં સંતાનોનો સર્વાંગીણ વિકાસ ઇચ્છતાં હો તો આ પ્રકારની મશ્કરી ઘરમાં સત્વરે બંધ કરી દેવી જોઈએ. ‘તું ડફોળ છો; તું બાધોડકો છો; તું જિદ્દી છો; તો બહુ શરમાળ છો. તું રોતલી કે વેવલી છો.’ બાળકને આ પ્રકારના ઈલ્કાબ મોટાભાગે ઘર-પરિવારમાંથી જ સૌપ્રથમ મળે છે. આવાં લેબલિંગથી બાળકોનો વિકાસ રૂંધાય છે. તેના કુમળા માનસ પર ઘેરા પ્રત્યાઘાતો પડે છે જે આગળ જતાં બાળકની ઓળખનો પર્યાય બની જાય છે. ભાઈ-બહેન કે બે ભાઈઓમાંથી કોઈ એકની પ્રશંસા કે નિંદા કરીને આપણે યેન કેન પ્રકારે એ ભાનેડા વચ્ચે અંતર વધારી રહ્યાં છીએ. આ ધરતી ઉપર બે કાંકરા એકસરખા નથી હોતા તો તમે તમારાં જ બે બાળકો પાસે એકસરખી અપેક્ષા કેવી રીતે રાખી શકો? બાળકો ખાલી ઘડો છે કે કોરી પાટી છે એ સંકલ્પનાઓ હવે જૂની અને જુઠ્ઠી સાબિત થઈ ચૂકી છે. બાળકો પાસે અભિવ્યક્તિનો અભાવ હોઈ શકે પરંતુ દરેક બાળક પાસે પોતાનું ભાવવિશ્વ છે; અનેક વિચારો છે તેમજ પૂર્વજન્મનાં સંચિત કર્મોનો પડછાયો છે. અહીં કોઈને પ્રશ્ન ઉદ્્ભવે કે અઢી-ત્રણ વર્ષનાં ભૂલકાંનાં વર્તન પરથી તેનાં પૂર્વજન્મના કર્મનું અનુસંધાન કેવી રીતે સાધી શકાય? ઉદાહરણથી સમજીએ- કેટલાંક નાનકડાં બાળકો રમતી વખતે ઝઘડો કરે; એકબીજા સાથે મારપીટ કરે છે. ઢગા જેવો ભાઈ ઘોડિયામાં સૂવા માટે બેનને ધક્કો મારી પોતે સૂઈ જાય છે. ક્યારેક કોઈ બાળક રમકડાની ચોરી કરે છે; અપશબ્દો બોલે છે. પોતાનું એક પણ રમકડું અન્ય કોઈ બાળકને સ્પર્શવા નથી દેતો! હવે વિચારજો, આમાંથી એક પણ વસ્તુ માતા-પિતાએ તો સંતાનને શીખવી નથી. તો પછી આ ચોરી કરવી, ધક્કો મારી સ્વનું સ્થાપન કરવું, પોતાનો ફાયદો કરવો આ બધું શીખવ્યું કોણે? પૂર્વજન્મનાં કર્મોએ જ...! પેરેન્ટ્સ હવે સમજાયું ને? છાશવારે તેથી જ તો કેટલીક માતાઓ કંટાળીને ઘરમાં બોલ્યા કરે છે, ‘આ કોના જેવો થયો? આ તને કોણે શીખવાડ્યું?’ ઓસરીમાં લેસન કરતાં કરતાં બાળકને રસોડામાં મમ્મી અને દાદી વચ્ચેની રકઝક સમજાય છે. મમ્મી-પપ્પા વચ્ચેની આંખોની ભાષા તે જાણી જાય છે. લોબીમાં હસીને વાત કરતા મહિલા અને પુરુષ શિક્ષકની કેમેસ્ટ્રીને તે સુપેરે ઓળખી જાય છે. કેટલાંક બાળકોની જન્મજાત અવલોકનશક્તિ ખૂબ જ સતેજ હોય છે. આજે બાળકને વસ્તુઓની ભેટ-સોગાતોથી રાજી રાખવા બધાં મથે છે, પણ તેની અંદર રહેલા અંધારાના ડરને કાઢવા કેટલા મા-બાપે પ્રયત્ન કર્યાં? જે શિશુનું લાલન-પાલન અને પોષણ લાગણીસભર રીતે થાય એ જ શ્રેષ્ઠ મનુષ્ય બને. હવે કેટલાક ચોર, ગુંડા, હત્યારા કે ભ્રષ્ટ નાગરિકો પાછળ મને તો તેનો સ્હેજ પણ વાંક નથી લાગતો. બાળકમાં કદી કોઈ ખામી હોઈ શકે? ખોટું તો બાળ ઉછેરમાં હોય છે..! શું ક્યો છો? વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...