આપણી વાત:હવે ત્યાં ખરેખર તમારી જરૂર નથી

13 દિવસ પહેલાલેખક: વર્ષા પાઠક
  • કૉપી લિંક
  • ક્યાંકથી માનભેર વિદાય થયા બાદ એ માન સાચવી રાખવાની જવાબદારી કોની?

હમણાં એક બહેન બેંકમાં લગભગ સાડાત્રણ દાયકાની નોકરી કર્યાં બાદ નિવૃત્ત થયાં. એટલા સમય બાદ વિદાય લઇ રહેલી વ્યક્તિએ જો નિષ્ઠાપૂર્વક કામ કર્યું હોય અને આસપાસનાં લોકો સાથે સરખી ચાલી હોય તો ઓફિસવાળા પ્રેમથી ધામધૂમપૂર્વક વિદાય આપે, એવું ઘણી જગ્યાએ થતું હોય છે. અહીં વળી વધુ પડતા ઉત્સાહી લોકો હતાં, એટલે બ્રાન્ચમાં એ બહેનની તસવીર સાથેનાં બેનર્સ લગાવ્યાં. એકની જગ્યાએ ત્રણ કેક આવી ગઈ. એ બહેન પહેલાં જે બ્રાન્ચમાં કામ કરતાં હતાં, ત્યાંથી પણ એમના મિત્ર બની ગયેલાં થોડાં લોકોને પાર્ટીમાં આમંત્રણ અપાયું. નિવૃત્ત થઇ રહેલી મહિલા, એના પતિ અને દીકરીને પણ ફેરવેલ પાર્ટીમાં બોલાવીને ગિફ્ટ અપાઈ. સામાન્ય રીતે જે લોકો, ખાસ કરીને વેપારીઓને વારંવાર બેંકવાળા સાથે પનારો પડતો હોય, એ સ્ટાફવાળાને ખુશ રાખવાનો પ્રયાસ કરે. વારતહેવારે ભેટસોગાદ કે મીઠાઈ આપી જાય. પણ આ કિસ્સામાં વળી એક મજાની વાત જોઈ. રિટાયર થઇ રહેલા સ્ટાફરના કાર્યકાળ દરમિયાન બેંકમાં આવીને એની સાથે સહુથી વધુ ઝઘડા કરતા ત્રણ ખાતેદાર પણ છેલ્લા દિવસે એમને આવજો કહેવા આવ્યા, અને એ પણ સાડી, ચાંદીની ગણેશપ્રતિમા જેવી ભેટ લઈને. ‘મેડમ, તમે બહુ યાદ આવશો,’ એમણે કહ્યું. લગ્ન પછી દીકરીને વળાવતાં હોય એમ સ્ટાફવાળાં આ અઠ્ઠાવન વર્ષની સ્ત્રી પર ફૂલ વરસાવતાં એને બેંકના દરવાજા સુધી મૂકી ગયાં. કોઈ વળી રડી પડ્યું. વિદાય થઇ રહેલી વ્યક્તિ પણ ભાવુક થઇ ગઈ. બે દિવસ પછી એણે શહેરની મોટી રેસ્ટોરાંમાં પોતાનાં સહકર્મચારીઓ પરિવારસહિત પાર્ટી આપી. આવા પ્રસંગે કહેવાતું હોય છે એમ લોકોએ કહ્યું કે મેડમ, બેંકમાં આવતા રહેજો. બહેને પણ હસીને કહ્યું, ‘જરૂર.’ આ પ્રસંગના લગભગ પંદર દિવસ પછી એ નિવૃત્ત બહેન સાથે વાત થઇ ત્યારે મેં સહજભાવે પૂછી લીધું કે પછી તું એકેયવાર બેંકમાં ગયેલી? ઘર અને બેંક વચ્ચે ઝાઝું અંતર નથી. પણ એણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગઈ નથી અને શક્ય હોય તો ક્યારેય એ જગ્યાએ પાછું ડોકિયું કરવા પણ નહીં જાઉં. ઓફિસ અને સાથે કામ કરતા લોકો બહુ યાદ આવે છે, પણ જ્યાંથી આટલી માનભેર વિદાય અપાઈ હોય, ત્યાં પાછા જવાય જ નહીં. સારી યાદગીરીઓ સાચવી રાખવાની. સ્ટાફમાં એકાદ બે જણ સાથે ઘર જેવો સંબંધ થઇ ગયો છે, એ તો ઘરમાં ને બહાર મળતાં જ રહેશે. બાકી, હવે ઓફિસમાં જઈને કોઈને ઑકવર્ડ પોઝિશનમાં નહીં મૂકવાના. અહીં ‘ઑકવર્ડ’ શબ્દ એ બહુ સમજીવિચારીને, ભૂતકાળમાં જોયેલા પ્રસંગોને યાદ કરીને વાપરે છે. થોડાં વર્ષ પહેલાં એ બેંકની બીજી બ્રાન્ચમાં હતાં. ત્યાંથી એક સાથી સ્ટાફર માનભેર નિવૃત્ત થયેલા પણ એ બહેન ઓફિસ માટેનો મોહ કહો કે વળગણ છોડી નહોતાં શક્યાં. નિવૃત્ત થયાં પછીના બે મહિનામાં એ ત્રણ-ચાર વાર ઓફિસે કોઇ ખાસ કામ વિના આંટો મારી ગયાં. મોટા ભાગના સ્ટાફ મેમ્બર્સને એમના પ્રત્યે માન હતું, પણ કામના સમયે એમની સાથે કેટલી વાત કરી શકાય? તોયે એકાદ-બે વાર તો એમને ચા પીવાનો આગ્રહ કર્યો. મેનેજરે પણ એમની સાથે હસીને વાત કરી. દર વખતે એ બહેન કહે કે, મારે લાયક કામકાજ હોય તો જણાવજો. આવું કરવા પાછળ એની ભાવના સારી હશે, પરંતુ છાપ એવી ઊભી થવા લાગી કે રિટાયર થયા પછીય સંસ્થા સાથે વળગી રહેવાની એની ઇચ્છા શમતી નહોતી. આડકતરી રીતે લોકો એમને અવગણવા લાગ્યાં. ધીમે ધીમે એ પોતે સમજી ગયાં કે પછી કોઇ હિતેચ્છુએ સમજાવ્યા, જે હોય તે, પણ એમણે બેંકમાં આંટા મારવાનું બંધ કર્યું. છેલ્લી કક્ષાની હાંસી કે અવગણનાને પાત્ર થવામાંથી બચી ગયાં. કોલમની શરૂઆતમાં જેની વાત કરી એ બહેન કહે છે કે ‘ગમે તેટલો ગાઢ સંબંધ હોય, પણ સમય આવે ત્યારે માનભેર એને છોડતા આવડવું જોઇએ.’ આ વાત સાથે આમ તો દરેક જણ સહમત થશે, પરંતુ વળગણ છોડવાનું મુશ્કેલ હોય છે. એ પણ હકીકત છે, પછી એ કોઇ વ્યક્તિનું હોય કે સંસ્થાનું, ઓફિસનું. પ્રેમસંબંધ, અરે લગ્ન તૂટી ગયા બાદ પણ સામેની વ્યક્તિના જીવનમાં શું થઇ રહ્યું છે એ જાણવા માટે સતત ઉત્સુક રહેતા લોકો જોયા છે. છેવટે કંઇ નહીં તો સોશિયલ મીડિયા પર એની ખબર રાખે. અહીં જોકે દિલનો મામલો છે. એટલે બહારની વ્યક્તિએ જજમેન્ટલ થવાય નહીં. પરંતુ પ્રોફેશનલ લાઇફમાં તો દિમાગ ઠેકાણે રાખી શકાય ને? આપણા ગયા પછીય ઓફિસનું કામકાજ બહુ સારી રીતે ચાલી રહ્યું છે, એ જોઇને કદાચ ઇગોને ઠેસ પહોંચે, પણ વાસ્તવિકતા સ્વીકારવી પડે. આપણી જગ્યાએ આવેલાં લોકોને આપણાં સલાહસૂચનની જરૂર નથી. જરૂર પડશે તો સામેથી માગી લેશે. અને ‘મારા સમયમાં કેવું હતું, હવે કેવું થઇ ગયું,’ એવું વારંવાર સાંભળીને પછી લોકો પણ આપણા પર હસતા થઇ જાય.⬛viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...