તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:હવે તો બસ...બ્રાહ્મણ વડાપ્રધાન જ!

અશોક દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતનાં પટેલોએ બહુ સહન કર્યું છે, માટે હવે પછી ગુજરાતનો મુખ્યપ્રધાન ‘પટેલ’ હોવો જોઈએ, એ દાવા ઉપર ધૂમધામ તૈયારીઓ પટેલોએ શરૂ કરી દીધી છે. આમ તો હાલના મુખ્યમંત્રી શ્રી. વિજય ‘ભાઈ’ રૂપાણી જન્મે જૈન છે, પણ એ તો જૈનોએ પણ ગુજરાતમાં ઘણું સહન કર્યું હશે, એટલે એમની પસંદગી વ્યાજબી છે, પણ નવો મુખ્યમંત્રી પટેલ જ હોવો જોઈએ, એ મુહિમ પટેલોએ છેડી છે, એ જોઈને દલિત-વિભાગે પણ પોતાનો દાવો આગળ કર્યો છે કે હવે પછીનો મુખ્યમંત્રી દલિત હોવો જોઈએ. શું રબારી કે ભરવાડ ગુજરાતીઓ નથી? શા માટે એકાદ મુખ્યમંત્રી ભરવાડ કે રબારી ન હોવો જોઈએ? પટેલોની માફક સહન તો એમણેય કર્યું છે. રહ્યા લોહાણાઓ, વૈષ્ણવો, ક્રિશ્ચિયનો, પ્રજાપતિઓ... ઓહ, નામો લખતાં થાકી જવાય, એટલી કોમોના મુખ્યમંત્રી હજી આપણે બનાવી શક્યા નથી. પણ બહુમતી કે વૈભવથી તગડી પટેલ અને જૈન કોમો એમનો મુખ્યમંત્રી બનાવી શકવા સમર્થ છે અને બનશે પણ ખરા! આ બંને કોમોની સિદ્ધિ એમની એકતામાં છે કે, પટેલોમાં મુખ્યત્વે બે જ ફાંટા છે, કડુઆ અને લેઉવા. હવે મુખ્યમંત્રી એમનો બનાવવાનો છે, એ ગણતરીએ બંને ફાંટાઓ એક થઈ ગયા છે... સમગ્ર પટેલ! એ જ રીતે, જૈનોમાંય ઝાઝા ફાંટા નથી, સ્થાનકવાસી અને દેરાવાસી. વાત જ્યાં ધંધાની આવે ત્યાં એ બેમાંથી કોણ ઊંચું અને કોણ બીજા નંબરે, એ જોવાતું નથી. જૈનોમાં તો બસ... ‘જૈન’ જોઈએ, એટલે વાત પૂરી, પણ બ્રાહ્મણોમાં ગણીને પૂરી 84 પેટા જ્ઞાતિઓ છે. ઔદિચ્ય, બાજખેડાવાળ, મોઢ, અનાવિલ, નાગર, શ્રીમાળી કે શ્રીગોળ બ્રાહ્મણ. એ બધાંમાંથી અસલી બ્રાહ્મણ કોને ગણવો, એ નક્કી કરવામાં બાકીની 83 પેટા જ્ઞાતિઓને હજી જવાબ મળ્યો નથી. અસલી-ફસલી તો જાવા દિયો, આ 84માં સૌથી ઊંચા બ્રાહ્મણો કયા એ નક્કી કરવામાં અમે બધાં સ્વાવલંબી છીએ કે, ઊંચાં તો અમે જ! દા.ત. નાગરો કોઈની પણ સહાય કે ઓપિનિયન લીધા વગર બ્રાહ્મણોમાં પોતાને સૌથી ઊંચાં ગણાવે છે. એ લોકોમાં સાઠોદરા, વડનગરા, વિસનગરા, ચિત્રોડા, પિત્રોડા, પ્રશ્નોરા અને ક્રુષ્નોરા નાગરોમાં સૌથી ઊંચો નાગર કયો, એ જાણવા સદીઓથી હું એક-એક નાગરને ખાનગીમાં પૂછી લઉં છું કે, નાગરોમાં સર્વોત્તમ કોણ? આજ સુધી એક પણ નાગરે પોતાનો છોડીને બીજા નાગરને ઊંચો કહ્યો નથી. આમ તો બ્રાહ્મણોની જે 84 પેટા જ્ઞાતિઓ ગણાવી, એમાંની છ નાગરોની છે. આ છ ઉપરાંત બાકીના 78ને પુછાય એવું નથી કે તમારામાંથી ઊંચું કોણ? અને આમેય, બ્રાહ્મણને મુખ્યમંત્રી બનાવવા માટે બ્રાહ્મણોનું તોતિંગ સંગઠન જોઈએ, એ બનવામાં થોડા લોચા છે. આ ઉપર લખી એ બધી જ્ઞાતિઓમાં ઝાઝી પેટા જ્ઞાતિઓ નથી અને હોય તોય આવે વખતે એકબીજા સાથે હળીમળી જાય, એવી જ્ઞાતિપ્રેમી છે. બ્રાહ્મણો બ્રાહ્મણ હોવાનું તો પૂરું ગૌરવ અનુભવે છે, પણ બ્રાહ્મણોની એક્ઝેક્ટ 84 પેટા જ્ઞાતિઓમાંથી સર્વોત્તમ કઈ, એ નક્કી કરવાનો પ્રોબ્લેમ બસ... કોઈ સો-બસ્સો વર્ષોમાં ઉકેલાઈ જાય એવું લાગે છે. કહે છે કે, બ્રાહ્મણોમાંથી આવું ઊંચ-નીચ જતું રહે તો સર્વશ્રેષ્ઠ જ્ઞાતિ છે, પણ એ પોસિબલ નથી કે કોઈ બ્રાહ્મણ ગુજરાતનો મુખ્યમંત્રી બને. એક નાનકડું કારણ આપું. મારી બ્રાહ્મણ જ્ઞાતિમાં 84 ઉપજ્ઞાતિઓ ઉપરાંત ગમે તે એકનો દાખલો લઈએ તો શ્રીમાળી બ્રાહ્મણમાં પાછા બે ફાંટા, સામવેદી અને યજુર્વેદી. બંને સદીઓથી માને છે કે, શ્રીમાળીઓમાં તો અમે સૌથી ઊંચાં. મેં અમારી જ્ઞાતિના એક સાધુપુરુષને પત્ર લખી પૂછી જોયું કે, ‘આપણે બ્રાહ્મણ છીએ, એ પૂરતું નથી?’ એમની પાસે કારણ કોઈ મુત્સદ્દી હશે, એટલે જવાબ આપવાનું સૌજન્ય પણ ન બતાવ્યું. વેદોપુરાણોનાં અર્થઘટન અનુસાર, હિંદુઓની ઔદિચ્ય કહો કે બાજખેડાવાળ કે શ્રીમાળી, બધાં છે તો બ્રાહ્મણ! પૈસેટકે આપણે જૈનો કે પટેલોની બરોબરીમાં પાછાં પડીએ છીએ, પણ આ 84 બ્રાહ્મણો એક થઈ જાય તો બ્રાહ્મણોની કેવી વિરાટ જ્ઞાતિ ઊપસી આવે? બ્રાહ્મણ એટલે બસ, બ્રાહ્મણ જ... બીજું કંઈ નહીં! આ 84-ઓ માટે કેવળ એક જ શબ્દ કેમ ન ચાલે, ‘બ્રાહ્મણ’? જોવાની ખૂબી એ છે કે, બ્રાહ્મણો સિવાયની અન્ય હિંદુ જ્ઞાતિઓને તો એય ખબર નથી કે ઔદિચ્ય એટલે કેવાં અને અનાવિલ એટલે કેવાં? એ લોકો કેવળ ‘બ્રાહ્મણ’ શબ્દ ઉપર આપણને હિંદુઓમાં સૌથી વધુ પવિત્ર ગણે છે. વળી, આ 84માં મારાવાળી સૌથી ઊંચી, એ દાવો સાબિત કરવા કોઈની પાસે કશું નથી! એ તો ઠીક, હિંદુઓની બાકીની કઈ જ્ઞાતિ તમને ઊંચાં ગણે છે? એ લોકો માટે તો તમે એમનાથી ઘણા નીચા છો! વાસ્તવમાં આપણા દાવા મુજબ, ફક્ત આપણી જ જ્ઞાતિ ઊંચી હોત તો, દીકરા-દીકરીનાં સગપણો તો ઠીક, આપણા યારદોસ્તોમાંય બધાં બ્રાહ્મણો જ હોત! મારો વિચાર છે, કોઈ પટેલને ગુજરાતનો મુખ્યમંત્રી બનવા દેવો. મને વાંધો નથી...! પણ હવે મારે પણ કંઈ બોલવું છે. પટેલ ભલે મુખ્યમંત્રી બને, પણ ભારતનો વડાપ્રધાન તો હવે ‘બ્રાહ્મણ’ જ હોવો જોઈએ. અને એને માટે હું તૈયાર છું. મુખ્યમંત્રીઓને દુ:ખ પડે, એના કરતાં વડાપ્રધાનોને બહુ પડે, એ તમે સાત-આઠ વર્ષથી જોઈ રહ્યાં છો, પણ હું એ જવાબદારી નિભાવવા તૈયાર છું. બાય ધ વે... મને ચિંતા બાકીના 83 બ્રાહ્મણોની નથી... અમારા ને અમારાવાળાની છે.{ ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...