તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુધવારની બપોરે:હવે કોઇની બાને લિફ્ટ ન આપું!

અશોક દવે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘આજે દેશની કરૂણતા એ છે કે, કોરોના ‘પોઝિટિવ’ દર્દીઓને ‘ક્વોરેન્ટાઇન’ કરવા કરતાં, જે લોકો કોરોના ‘નેગેટિવ’ છે, એમને ‘ક્વોરેન્ટાઇન’ કરવા વધુ સહેલું પડે એવું છે.’

જમાનાભરની બાઓને પાલડી-વાસણા સુધી મારી ગાડીમાં લિફ્ટ આપવાની આપણી તૈયારીઓ ખરી!... દિલ્હી કે મુંબઇથી નહીં, આપણા નારણપુરા ચાર રસ્તેથી! આઇ ડો’ન્ટ મીન, પાલડીથી વાસણા સુધી જ! હું તો મારા નારણપુરા ચાર રસ્તેથી વાસણા સુધી મૂકી આવવાનો વ્રતધારી! એથી આગળ લિફ્ટો આપવામાં હું ઘરે પાછો આવી શકતો નથી ને સાણંદ-રાજકોટના આડે રસ્તે ચડી જાઉં છું. એ વાત જુદી છે, એમાંની ઘણી બાઓ તો મને ‘કેટલી ઉપર સુધી’ મૂકવાની જીદો કરતી હતી. પાછો આવવાનો રસ્તો આપણે જોયેલો નહીં, એટલે મને એટલા પુણ્યો ઓછા મળતા. હમણાં તો મારે ફ્લેટ નીચે જોઇ આવવું પડ્યું કે ‘અહીં બા-માજીઓને વિના મૂલ્યે લિફ્ટો અપાય છે,’ એવું બોર્ડ તો નથી મારી ગયું ને! નીચે કાકીઓ અને વૃદ્ધાઓની ભીડ થવી રોજની વાત થવા માંડી. આજે નહીં તો કાલે હકી પણ બા થવાની છે, એ જાણીને હકીને બધી બાઓ માટે નીચે પાર્કિંગમાં, શબરી શ્રીરામની પ્રતિક્ષા કરે, એમ બાઓ મારી રાહો જોઇને થાકી ન જાય એ માટે બેસવાની ખુરશીઓ, તરસ ન લાગે એ માટે મેંગો ફ્રૂટીની બોટલો તેમ જ નવરા બેઠાં એમનો ટાઇમ જાય એટલેે મોટી સાઇઝનું ટીવી પણ નખાવી આપ્યું. હકીની એવી લાલચ ખરી કે, બાઓ નવરી બેઠી છે, તો ‘અસોક’ની ‘બુધવારની બપોરે’ના લેખોય વાંચે, એટલે વીણી-વીણીને બુધવારની પૂર્તિઓ લાવી મૂકી હતી. મારા મોટા ભાગના લેખો ઉપર ચોળાફળીની પીળી ચટણીઓ ઠેરઠેર ઢોળાઇ હતી. ⬛ ⬛ ⬛ હું તો ફ્લેટની લિફ્ટમાં ઊતરતો હોઉં છું. મને ખબર નથી હું કેવો દેખાતો હતો, પણ એક બાએ દોડી આવીને મને કહ્યું, ‘ગણપત… આટલી બધી વાર…? આજથી કાં તો તું લિફ્ટ ચલાય ને કાં તો ગાડી! અમારેય કંઇ કામધંધા હોય કે તારી રાહ જોઇને જ કૂટાવાનું?’ મેં હકીને બાજુ પર લઇ જઇને પૂછ્યું, ‘આ મને ‘ગણપત’ કેમ કહે છે?’ ‘ચિંતા નો કરો… ઇ મનેય હવારની ચંપા કહીને જ બોલાવે છે!’ એની વે, જેવો દેખાતો હોઉં, પણ ‘બા-લિફ્ટ-અભિયાન’ શરૂ કર્યું છે, ત્યારનો ભૂલી ગયો છું કે હું ગાડીનો માલિક છું કે ક્લીનર! ⬛ ⬛ ⬛ સ્ટીયરિંગ ઉપર મારે બેસવાનું હતું, પણ ગાડીમાં આઠેક બાઓ ભરાઇ હતી, એ જોયા પછી દરવાજાની બારીમાં બેસીને ગાડી ચલાવું, તો સહેલું પડશે, એમ મને લાગ્યું. અલબત્ત, આટલી બધી બાઓને લઇને વૃદ્ધાશ્રમ ચલાવાય, ગાડી ન ચલાવાય, એટલે મેં માતાઓને સરકારી આદેશ જણાવ્યો, ‘ગાડીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી છે, માટે આપનામાંથી પાંચેક બાઓએ ઊતરી જવું પડશે. હું બીજી વર્ધીમાં પાછો આવું છું.’ પાંચ તો ખરેખર ઊતરી ગઇ, છતાં મહીં જે ત્રણ બાકી રહી, એમાંની એક સત્તાવાહી અવાજે બોલી, ‘ગણપત, જતા સ્ટેડિયમ ઊભી રાખજે… મારે મીઠાઇઓ લેવાની છે.’ ત્યાં બીજી બા બોલી, ‘ભઇ ગણપત, મારે કોંય લોંબુ કોમ નહીં.. સ્ટેડિયમ ફાહેની દુકાનમોંથી થોડી દવાઓ લેવાની છઅઅ…!’ ત્રીજી બા કંઇ ન બોલી, એ મારી આખા દિવસની કમાણી! થયું એવું કે, એક બાને છીંકણીનું જોર, એટલે માસ્ક કાઢીને સૂંઘવા ગયાં એમાં પોલીસે ઝડપ્યા. ‘તમારી બાએ માસ્ક નથી પહેર્યું. હજાર રૂપિયાનો દંડ આપો.’ હું વધારે ચમક્યો કે, મારી પાસે હવે કોઇ બા બચી નથી. બધા ભારતીયોની જેમ મારે પણ એક જ મા હતી ને અહીં પોલીસવાળો ત્રણ-ત્રણ બાઓને મારી બા બનાવવા માંગે છે! હજી એનો આદેશ પૂરો થાય એ પહેલાં એની નજર પડી તો બાકીની એકેય બાએ માસ્ક પહેર્યું જ નહોતું. પોલીસવાળાએ વડીલોની આમન્યા કે મારું દર્દ જોયા-જાણ્યા વિના ત્રણે બાઓના ત્રણ હજાર રૂપિયા ફટકાર્યા, ત્યારે એની નજર પડી કે, એની સાથેની વાતચીતમાં મારું માસ્કેય ઊતરી ગયું હતું. નારણપુરાથી સ્ટેડિયમ જવાનું મને ચાર હજારમાં પડ્યું. એ લોકો તો હાથ ફેલાવીને બેસી રહી કે, ‘દીકરા, આટલા બધા પૈસા હારે લઇને થોડાં ફરતાં હોઇએ? તું દઇ દે… પછી જોશું!’ પ્રવાસ હજી તો શરૂ થયો, એટલે મારે ગાડી સી.જી. રોડ પરથી સીધા મહાલક્ષ્મી ચાર રસ્તે લઇ જવાની હતી. વચમાં બે બાઓ એમની મંજિલ આવી એટલે ઊતરી ગઇ, પણ ત્રીજીએ જોર પકડ્યું. ઠેઠ ચંદ્રનગરના બસ સ્ટેન્ડે આવીને દયામણા મોંઢે બા નં. 3 બોલી, ‘ભાઇ ગણપત… આ બુઢ્ઢી માની એક વિનંતી છે. હું ભૂલમાં બોલી નો શઇકી, પણ મારે આંઇ ઊતરવું નો’તું… યાદ જ નો રિયું… મારે તો સાબરમતી જાવું છે.. હાલ ને ભા’ય… મને તીયાં ઉતારી જા ને!’ બસ. એ દિવસથી લિફ્ટો આપવાનું બંધ કરવું પડ્યું. હવે તો બીઆરટીએસય બંધ છે. ચાલીને જ બધે જઉં છું. {ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...