ડૉ. જય નારાયણ વ્યાસ
આપણી જીવન પદ્ધતિમાં પ્રાચીનકાળથી સરેરાશ 100 વર્ષનું આયુષ્ય ગણી એને ચાર સરખા ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલા પચીસ વર્ષના કાળને બ્રહ્મચર્યાશ્રમ કહે છે, જે દરમિયાન વ્યક્તિએ અભ્યાસ દ્વારા શિક્ષણ અને વ્યાયામ તેમજ ખાનપાન દ્વારા સ્વાસ્થ્ય આત્મસાત્ કરવાનું છે. બીજો ભાગ ગૃહસ્થાશ્રમ (26થી 50 વર્ષ) છે, જેમાં વ્યક્તિ લગ્નજીવનમાં પ્રવેશ કરી માત્ર પોતાના કુટુંબનું જ નહીં, ગૃહસ્થધર્મ, સંસારના વ્યવહારો અને કુટુંબ વ્યવસ્થાપન સાથે જોડાયેલો રહે છે. ત્રીજા તબક્કામાં એકાવન વર્ષથી પંચોતેર વર્ષના ગાળામાં માણસ એકાવનમા વર્ષમાં પ્રવેશે છે. આ વાનપ્રસ્થાશ્રમનો ગાળો છે. વાનપ્રસ્થાશ્રમ બાદનાં પચીસ વર્ષ એ ધીરે ધીરે જીવનથી વિરક્ત થતા જવાનો સમય છે, જે સંન્યસ્તાશ્રમ કહેવાતો. ધીરે ધીરે દુન્યવી મોહમાયાથી મુક્ત થઈને હરિસ્મરણ થકી આત્મકલ્યાણ કરવાની આ અવસ્થા છે. આમ, માણસનો વનપ્રવેશ થાય ત્યારથી આગળ આધેડ અવસ્થા અને પછી ઘડપણનો ગાળો એમ કહેવાતું. વાનપ્રસ્થાશ્રમમાં આવે એટલે માણસ જાણે કે જીવનના અંત તરફ જઈ રહ્યો છે એવી માન્યતા એના મગજમાં મારી ઠોકીને ફિટ કરી દેવાતી. માણસ વૃદ્ધ થાય એટલે અમુક જ રીતનાં કપડાં પહેરાય. અમુક થાય, અમુક ન થાય, આવું બધું ક્યાંક ને ક્યાંક ટોકીને પેલી વ્યક્તિ ઘરડી થઈ છે, એવો ખ્યાલ એના મગજમાં ઠોકી બેસાડવામાં આવે છે. સરકારી નોકરીમાંથી રાજ્ય સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા 58 વર્ષની છે, એટલે માણસ નિવૃત્ત થાય એ પણ એ ઘડપણ તરફ જઈ રહ્યો છે, તે માન્યતાની પુષ્ટિ કરતો માઇલસ્ટોન છે. આ બધીયે માન્યતાઓનો ધરમૂળથી છેદ ઉડાડે એવું એક સંશોધન સામે આવ્યું છે. આ સંશોધન ઇયાન રોબર્ટસન, ડીન ઑફ રિસર્ચ-ટ્રિનીટી કૉલેજ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂરો સાયન્સ-ડબલીન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. રોબર્ટસન કહે છે કે, ‘જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ માત્ર આયુષ્ય મર્યાદા જ નથી વધતી પણ ઘડપણ પાછું ઠેલાતું જાય છે, જેનું કારણ બાયોલૉજિકલ એટલે કે શારીરિક અને સાઇકોલૉજિકલ એટલે કે માનસિક વિચારધારાનો ફેરબદલ છે. આ સંશોધન મુજબ હવે વૃદ્ધાવસ્થા 80 વર્ષની ઉંમરથી શરૂ થાય છે! આનો અર્થ એ થયો કે 50થી 80 વચ્ચેના 30 વર્ષનો ગાળો યુવાવસ્થાના ગાળા કરતાં લાંબો છે, જેમાં માણસ પાસે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવાની ક્ષમતા રહેલી છે અને એ પ્રવૃત્તિઓમાં એમનું શરીર સાથ આપે તે માટે આપણે વિચાસરણી બદલીને એક નવી જ કાર્યશીલ જીવનપદ્ધતિ અને એની ઉત્પાદકતા તેમજ જ્ઞાનસભર અનુભવનો ઉપયોગ કરવાની વાત વિચારવી પડશે. રોબર્ટસને માણસના મગજ ઉપર ઉંમરની અસરનો અભ્યાસ કરવાનું 1984થી શરૂ કર્યું જ્યારે જેમને લકવાનો હુમલો આવે તેવા વ્યક્તિઓની સરેરાશ ઉંમર 72 વર્ષ હતી. આ ઉંમર વધીને 1999માં 82 વર્ષ થઈ. રોબર્ટસન કહે છે કે, ‘માત્ર 15 વર્ષમાં મેં મારી ખુદની આંખોથી જોયું કે, દુનિયાની નજરે અનેક મુદ્દે લોકો આશરે દસ વર્ષ જેટલા યુવાન બન્યા છે.’ એણે દલીલ કરી છે કે, ‘માણસનું મગજ દરેક ઉંમરે ઇલાસ્ટિક હોય છે અને એનો ઘાટ અનુભવ, જ્ઞાન તેમજ વિચારોથી ઘડાય છે. જૂના જમાનાના રૉમન લોકોનું સરેરાશ આયુષ્ય માત્ર 22 વર્ષ હતું જ્યારે યુરોપિયનો સરેરાશ 50 વર્ષ જીવે એવી પરિસ્થિતિ 20મી સદીની શરૂઆતમાં હતી.’ હવે કહેવાતાં ઘરડાં લોકો માટે મજાની વાત આવે છે. રોબર્ટસને આ લોકો યૌવનસભર જિંદગી જીવી શકે તે માટે સાત મુદ્દા નોંધ્યા છેઃ (1) બેઠાડું જીવન નહીં ચાલે, એરોબિક ફિટનેસ સૌથી વધારે અગત્યની છે. પ્રવૃત્તિમય રહેવાથી મગજનું કામ તેમજ બંધારણ અસર પામે છે. (2) માણસને માનસિક પ્રોત્સાહન (Mental Stimulation) અને માનસિક સ્વસ્થતાની તાલીમથી જીવનને દીર્ઘ બનાવવાની સાથે વધુ અર્થપૂર્ણ અને આનંદિત બનાવી શકાય છે. (3) નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવું એ પણ એ અગત્યનું છે. રોબર્ટસન કહે છે, ‘તમે જેટલું વધારે શીખશો તેથીય વધારે શીખી શકશો. આના કારણે તમારા મગજની તંદુરસ્તી અને શારીરિક ક્ષમતા ઉપર હકારાત્મક અસર થાય છે.’ (4) ઊંચો અને લાંબા ગાળા સુધી ચાલુ રહેતો તણાવ (Stress) માણસ ઉપર નકારાત્મક અસર કરે છે. ખાસ કરીને એની યાદશક્તિને નુકસાન કરે છે. (5) લાંબું અને આનંદદાયક સામાજિક જીવન એટલે કે લોકો સાથે હળવું મળવું મદદરૂપ થાય છે. રોબર્ટસન કહે છે, ‘જે લોકો ઘણું બધું સામાજિક રીતે હળતાં મળતાં રહે છે તેમનું મગજ લાંબા સમય સુધી તેજ (Sharp) રહે છે. (6) તમારા ખોરાકની પણ દીર્ઘાયુષ ઉપર અસર પડે છે. પોતાના ખોરાકમાં ફળો અને શાકભાજી તેમજ માછલી વધારે ખાનાર માણસો લાંબું, તંદુરસ્તીપૂર્ણ જીવન જીવે છે અને એ રીતે એમનું ઘડપણ મોડું શરૂ થાય છે. (7) છેલ્લે, Think young -યુવાનો જેવું વિચારો, જીવન તરફ આશા અને હકારાત્મક દૃષ્ટિથી જોવાનું કેળવો. નકારાત્મક વિચારસરણીવાળાં લોકોને દૂર કરો. મજા કરો. લાંબું જીવો. રોબર્ટસનના મત પ્રમાણે 80 વર્ષ સુધીના માણસને યોગ્ય વાતાવરણ મળે તો આનંદપૂર્ણ રીતે એ સેન્ચુરી ફટકારી શકશે. માટે કોઈને પણ ‘તમારી આ ઉંમરે...’ અથવા ‘તમે આટલાં ઘરડાં થયાં તો પણ...’ જેવા શબ્દો સાથે વાર્તાલાપમાં જોડશો નહીં. તેમને, ‘અરે? તમે હજુ તો સાવ યુવાન લાગો છો...’ જેવાં હકારાત્મક વાક્યોથી પ્રોત્સાહિત કરો.{ jnvyas.spl@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.