અંદાઝે બયાં:નોટની નૌટંકી કેશ હૈ તો ઐશ હૈ!

સંજય છેલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ ‘ટાઇમ ઇઝ મની’-વાળી વાત ઘડિયાળ રિપેર કરનારને ના કહેવી. (છેલવાણી) ગુજ્જુ કવિઓ જેને ‘કુમળો તડકો’ કહે છે એવા સવારના સૂર્યપ્રકાશમાં બે ભિખારીઓ બગીચામાં પગ ખંજવાળતા બેઠા હતા. ટાઇમપાસ કરવા એક ભિખારીએ બીજાને પૂછ્યું, ‘આવા સુંદર દિવસે કુદરતને માણવાને બદલે કોઇ 10,000 રૂ. કેશ આપે તો તું દિવસ જતો કરે?’ બીજા ભિખારીએ કહ્યું, ‘હોય કંઇ? કોયલના ટહુકા, બાગની હવાની, કુદરતની સામે 10,000 તુચ્છ છે!’ ‘લાખ આપે તો?’ ‘અલ્યા, કુદરતની કિંમત એમ ના આંકી શકાય!’ ‘5 લાખ આપે તો?’ ‘અં…હા, 5 લાખ હોય તો વિચારું...એમ પણ આવતી કાલે નવો દિવસ તો ઊગશે જ ને? પ્રકૃતિની મજા ક્યાં ભાગી જાય છે?’ પેલા ભિખારીઓને છોડો પણ જરાક માંહ્યલામાં ઝાંકીએ તો પૈસાની બાબતમાં આપણે બધાં અલગ અલગ સાઇઝના ભિખારી જ છીએ ને? 6 વરસ અગાઉ 8 નવેમ્બર, 2016ની રાતે, સરકારે જૂની 500 અને 1000ની નોટ અચાનક રદ કરીને સૌને યાદ અપાવેલું કે પૈસા જ સત્ય છે. લોકો, રાતોરાત ફિલોસોફર બની ગયેલા. લગભગ બધાં પાસે જૂની નોટ હતી ને નવા જોક હતા! કેશ બદલાવાથી દેશ બદલાશે ને કાળું નાણું ગાયબ થશે એવી ઉદાત્ત ભાવના એમાં હતી પણ હમણાં રિઝર્વ બેંકનો રિપોર્ટ છે કે અત્યારે, ત્યાર કરતાં વધુ કેશ, દેશમાં ફરી રહી છે! અમે ફિલ્મી લેખક તરીકે વરસો અગાઉ નવી નવી ભાડાની ઑફિસ લીધી ત્યારે અમને કોઇ ઇન્કમ થાય કે ના થાય પણ મકાનમાલિક ભાડું માગવા આખર તારીખના બે દાડા પહેલાં અચૂક આવી પહોંચતો. એકવાર કંટાળીને 4 મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું તોય ત્રીજે મહિને બીજા ચાર મહિનાનું એડવાન્સ માગવા પ્રગટ થઇ ગયો! તો અમે એને પૂછ્યું, ‘તમને આટલી બધી શું પૈસાની ફિકર છે?’ તો મકાનમાલિકે કહ્યું, ‘ભાઇ, હું ટંકશાળમાં નોકરી કરું છું. રોજ ખણખણતા સિક્કાઓ બનતા જોઉં છું. મારા કરતાં વધુ પૈસાની કિંમત કોને ખબર હોય?’ અમારી પાસે એના ખણખણતા સવાલનો કોઇ જવાબ નહોતો. કહેવાય છે લાલુપ્રસાદ યાદવ, આઠ-દસ ટ્રક ભરાય એટલું રોકડું નાણું દબાવીને બેઠેલા. પછી એક સીબીઆઇ રેડની ખબર એમને અગાઉથી મળી ગઇ. સીબીઆઇ ઑફિસરોની ટીમ, પટના એક જ કલાકમાં પહોંચવાની હતી. આટલી મોટી કેશને બહાર લઇ જવાનો સમય નહોતો ને જો કેશ પકડાઇ જાય તો લાલુની બદનામી તો થાય જ ઉપરાંત બીજા બેનામી નાણાં પર પણ ઇન્કવાયરી બેસે. લાલુએ નાછૂટકે પેટ્રોલ મંગાવ્યું. ગોડાઉનમાં પૈસા ખડકીને આગ લગાડી. 100-200 કરોડનો ધુમાડો, દેશના આકાશમાં ઊડી ગયો! ભસ્મીભૂત થતા પૈસાને જોઇને લાલુ ચોધાર આંસુએ રડેલા ને ખુદને ને ખુદની કિસ્મતને ગાળો આપતા રહ્યા. સીબીઆઇની ટીમ પહોંચી ત્યારે બચી હતી કેવળ કાળા નાણાંની કાળી રાખ! જે નાણાંથી કૈં કેટલી સ્કૂલો, હોસ્પિટલો બની શકી હોત! વિચાર કરો, લાખો ગરીબોની લાઇફ બનાવી શકે તેવું કાળું નાણું ભારતના કયા કયા ખૂણામાં કરવટ લીધા વિના આજેય પડ્યું હશે? ઇન્ટરવલ યે જો થોડે સે હૈ પૈસે, ખર્ચ તુમ પર કરું કૈસે? (જાવેદ અખ્તર) બીજાઓનો છૂપો પૈસો જૉકનો વિષય છે. પોતાનો પૈસો ગંભીર બાબત છે. એમાંયે રોકડો પૈસો ઇન્સ્ટન્ટ વાયેગ્રાત્મક અસર ધરાવે છે. જિનિયસ ગાયક-અભિનેતા કિશોરકુમારને રોજ રાત્રે કેશ પૈસા ગણવાનો શોખ હતો. કિશોરદા રેકોર્ડિંગ પહેલાં સેક્રેટેરીને કૉડ લેંગ્વેજમાં પૂછતાં, ‘ચાય મેં શક્કર હૈ?’ પછી સેક્રેટેરી એમને ‘હા’ કહે પછી જ કિશોરદા માઇક પર ગીત ગાતા. જી હા, રોકડંુ નાણું એ જીવતરની ચાયમાં શક્કર છે, ઇશ્વરના પાવરને પણ ટક્કર છે. બાકી ‘પૈસો હાથનો મેલ છે’, વગેરે સ્કૂલના બોર્ડ પર ગુલાબી અક્ષરે લખાતાં સુવાક્યો પૂરતાં જ હોય છે. પૈસાની નિરર્થકતા પર પ્રવચનો આપ્યા બાદ કથાકારો, પૈસાવાળાના બંગલે રહેવા ચાલી જાય છે. ખુદને સરસ્વતીપુત્ર ગણાવતા લેખકો આખી જિંદગી ‘પ્રકાશકે પૂરતા પૈસા ન આપ્યા’નાં રોદણાં રડતાં હોય છે. ‘નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીયે મારગ ચાલ’ પ્રકારની અલગારી મૂડની કવિતાઓ લખનારા કવિઓ, કવિ-સંમેલન પછી ભૂલ્યા વિના પુરસ્કારનું કવર લઇ લે છે. ગાંધીવાદ અને દરિદ્રનારાયણ પર બોલનાર નેતાઓ મંચ પરથી ઊતરીને, કરોડોના હેલિકોપ્ટરમાં બેસીને પોતાના અબજોની સંપત્તિવાળા બંગલા પર પહોંચી જાય છે. અમારી સાથે કૉલેજમાં એક ખૂબ ગરીબ છોકરો ભણતો હતો. વરસો પછી ખબર પડી કે પોતાનાથી ખૂબ મોટી ઉંમરની એક અમીર સ્ત્રી સાથે માત્ર પૈસા ખાતર એણે સગાઇ કરી! અમને ને સૌ મિત્રોને સહેજ નવાઇ લાગી એટલે એને પૂછયું કે આમ કેમ કર્યું? ત્યારે એ છોકરાએ હસતાં હસતાં કહ્યું, ‘એ બિચારી પૈસાદાર છે એ સિવાય એનામાં શું ખામી છે? એમાં શું? લાઇફમાં કોઇ પરફેક્ટ નથી હોતું!’ અા સાંભળીને હસવું કે રડવું આજ સુધી સમજાયું નથી. એની સામે બીજો કિસ્સો, ડાયમંડ બજારનો ખૂબ સામાન્ય દેખાતો એવો અમારો એક મિત્ર, અતિ ખૂબસૂરત એવી એની પત્નીને પરણીને હનીમૂન પર ગયો ને પ્રથમ રાત્રિએ વાઇફને પૂછયું, ‘સાચું કહે, તું માત્ર મારા આ 8-10 કરોડને કારણે જ મને પરણી છો એવું નથી ને?’ પત્નીએ આંખ મારીને કહ્યું, ‘ના ના, થોડાક વધુ હોત તોય તને જ પરણી જ હોત!’ ઇનશોર્ટ, કેશ કે પૈસો, જીવનની જ્યોમેટ્રી-જ્યોગ્રાફી બદલી નાખે છે. એન્ડ ટાઇટલ્સ ઇવ: પૈસા ગમે કે પ્રેમ? આદમ: ડિપેન્ડ્સ, આજે તેં જમવામાં શું બનાવ્યું છે?{sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...