મનદુરસ્તી:એક શિક્ષક તરીકે કંઇ શીખવા જેવું ખરું!

ડૉ. પ્રશાંત ભીમાણી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોક્ટર, અમારી દીકરી તનાયા અત્યારે બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે ભણે છે. એનો આખા ગુજરાતમાં સેકન્ડ રેન્ક હતો. અત્યારે એનું ત્રીજુ સેમેસ્ટર ચાલે છે. એ છેક સુધી રેન્કર જ રહી છે. ક્લાસમાં હંમેશાં સૌથી એક્ટિવ અને મસ્તીવાળી છોકરી કહેવાય. અમારે ક્યારેય એને ભણવા માટે કશું જ કહેવું પડ્યું નથી. એને દસમા-બારમામાં પણ ટ્યૂશન નહોતું. માત્ર સ્કૂલમાં જે ભણાવે એમાં જ એનું રિઝલ્ટ સરસ આવ્યું. આમ તો બધું જાતે જ કર્યુંસ પણ એના પ્રિન્સિપાલનું મોટિવેશન બહુ સરસ રહ્યું. એની વે, પ્રોબ્લેમ એ છે કે આટલી બધી બ્રિલિયન્ટ તનાયા હમણાંથી ખૂબ જ નિરાશ રહે છે. એનું મોટિવેશન તળિયે બેસી ગયું છે. જાણે અચાનક ભણવામાંથી રસ ઉડી ગયો છે. કંઇક તો એવો પ્રોબ્લેમ છે જે સમજાતો નથી.’ વિદ્યુતભાઇની ચિંતા એક પિતા તરીકે સ્પષ્ટ તરી આવતી હતી. તનાયા સાથે મનોપચાર શરૂ થયો. એની ક્લિનિકલ હિસ્ટ્રીમાં પ્રથમ નજરે એવું કોઇ દેખીતું કારણ જણાયું નહીં. પણ એણે છેવટે એક મહત્ત્વના મુદ્દા પર વાત કરી અને એ વખતે એની આંખમાં આંસુ પણ હતાં. એની કોલેજમાં એક વિષય હતો. ‘ડિઝાઇન એન્ડ એનાલિસિસ ઓફ અલ્ગોરિધમ.’ એ એનો ખૂબ જ ગમતો વિષય હતો. શરૂ શરૂમાં તો એનો ઉત્સાહ ખૂબ હતો, પણ જેવા એક નવા પ્રોફેસર આવ્યા અને એમણે એ શીખવાડવાનું શરૂ કર્યું. પછી કોણ જાણે કેમ તનાયા ડિસ્ટર્બ્ડ રહેવા લાગી. એ ટીચર પોતે જ બહુ ગંભીર અને ઓછું બોલનારા અને પ્રશ્નોને ટાળનારા હતા. એ પોતે જ એવું માનતા કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આગળ બહુ સ્કોપ નથી. તનાયાનો તો સ્વભાવ જ પહેલેથી પ્રશ્નો પૂછવાનો અને ક્લાસમાં સક્રિય રહેવાનો, પણ અહીં તો હવે કંઇક જુદું જ ચિત્ર દેખાઇ રહ્યું હતું. એનો રસ એ વિષયમાંથી તરત જ ઉડવા માંડ્યો. ધીમે ધીમે એની મસ્તી અને મૂડ ડાઉન થતાં ગયાં. ‘જર્નલ ઓફ એક્સપરિમેન્ટલ સાયકોલોજીઃ જનરલ’માં આ બાબતે એક રસપ્રદ સંશોધન પ્રકાશિત થયું છે. આ માટે કુલ ચાર અલગ અલગ અભ્યાસોમાં 1193 વિદ્યાર્થીઓ પર રિસર્ચ થયું હતું. એનાં પરિણામોએ સૂચવ્યું કે, જો શિક્ષકનો માઇન્ડ-સેટ વિકાસલક્ષી હોય અને પોતાના વિદ્યાર્થીઓ વધુ સારા ગ્રેડ્સ લાવી શકશે એવું માનવાવાળા શિક્ષકો હોય તો ખરેખર એની પોઝિટિવ અસર વિદ્યાર્થીઓ પર થાય છે. જો શિક્ષક વિદ્યાર્થીની ક્ષમતા પર વિશ્વાસ રાખતા હોય અને આશાવાદી વલણ ધરાવતા હોય તો વિદ્યાર્થીઓ વધુ સારાં પરિણામો સાથે ઉત્તીર્ણ થાય છે. એટલું જ નહીં, પણ તેઓ ક્લાસને પણ ખૂબ માણે છે. ટૂંકમાં શિક્ષકનો અભિગમ વિદ્યાર્થીઓ પર ત્વરિત અને પ્રભાવી અસરો જન્માવે છે. જે શિક્ષકો બંધિયાર માનસિકતાવાળા હોય છે તે વધુ નુકસાન કરે છે. ઘણા શિક્ષકો એવું સજ્જડ રીતે માનતા હોય છે કે, ‘હું કહું એ જ સાચું, એમાં મીન-મેખ ન હોય’... આવા શિક્ષકો પ્રગતિશીલ જિજ્ઞાસાને અવરોધે છે. એમના વિદ્યાર્થીઓની પ્રશ્નો પૂછવાની વૃત્તિનો અકારણ ગર્ભપાત કરાવી નાંખે છે. જેનાથી નવાં જ્ઞાન કે વિકલ્પોની સંભાવના નષ્ટ થઇ જાય છે. પ્રશ્નો પૂછવા એ કોઇપણ વિદ્યાર્થીનો અધિકાર છે. એ જ રીતે એના જવાબો આપવા એ શિક્ષકની ફરજ છે. શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ જિજ્ઞાસાથી શરૂ થઇ જીવનનાં જ્ઞાન સુધી વિસ્તરે છે. શિક્ષક થવું એ જેવી તેવી ઉપલબ્ધિ નથી. માત્ર ભણાવી નાંખવું અને વિદ્યાર્થીઓને કેળવવા એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. તનાયાનું યથાયોગ્ય કાઉન્સેલિંગ થયું. એને પ્રશ્નો પૂછવાની નિરર્થક બીકમાંથી મુક્ત કરવામાં આવી. બીજા શિક્ષકો સાથે સાયુજ્ય મજબૂત કરવામાં આવ્યું. આત્મવિશ્વાસ વધવાથી તનાયા એ જ પ્રોફેસરને લોજિકલ પ્રશ્નો પૂછતી થઇ. સામે પક્ષે પ્રોફેસરને પણ એવું લાગ્યું કે કોઇ ક્યુરિયસ સ્ટુડન્ટ ખરેખર વિષયમાં રસ ધરાવે છે. એમણે પણ એમની એવી જૂની માન્યતા છોડી કે અત્યારની જનરેશન સાવ નબળી છે. શિક્ષકોએ પણ આવા જનરલાઇઝેશનથી બચવું જોઇએ. બની શકે કે કોઇક હીરા પર ધૂળ જામી હોય. બધા જ ધૂળવાળા પદાર્થો પથ્થર નથી હોતા. જો, એ ગેરસમજની ધૂળ દૂર કરવામાં આવે તો વિષયને અને સમાજને બ્રિલિયન્ટ વ્યક્તિઓ આજે પણ મળી જ શકે છે. માત્ર જરૂર હોય છે થોડા અલગ રીતે મૈત્રીયુક્ત અને સહાનુભૂતિવાળા પ્રયાસો કરવાની. નવા પ્રશ્નો જન્માવે અને તેના યોગ્ય ઉત્તરો આપે તે સાચો શિક્ષક. જો આપણે ધ્યાનથી જોઇશું તો સમજાશે કે ભારતીય અધ્યાત્મના શિખર સ્વરૂપ મોટાભાગનાં પુસ્તકો પ્રશ્ન અને ઉત્તરના સ્વરૂપમાં જ સર્જાયાં છે. જેમાં પ્રશ્નકર્તા પ્રબુદ્ધ શિષ્ય હોય છે અને ઉત્તર આપે છે તે સાચો ગુરુ હોય છે.⬛ વિનિંગ સ્ટ્રોકઃ ‘True Teachers are those who help us think for ourselves.’ - Dr. Sarvapalli Radhakrishnan (હમણાં જ ગયેલા શિક્ષક દિનને સમર્પિત) drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...