સમયના હસ્તાક્ષર:પંદરમા નહી, સોળમા રાષ્ટ્રપ્રમુખ આઝાદી અમૃત મહોત્સવનો અનોખો ઉપહાર

વિષ્ણુ પંડ્યા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મથાળા મુજબ તો 21 જુલાઈના દિવસે આપણે પંદરમા રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુને નક્કી કરી લીધાં અને સુદૂર ગામડાની સાંથાલ જનજાતિનાં મહિલાને આઝાદીના અમૃત મહોત્સવના એક ઐતિહાસિક ઉપહાર તરીકે દેશના સર્વોચ્ચ નાગરિક બનાવ્યા છે. જે 15 રાષ્ટ્રપ્રમુખો સ્વાધીન લોકશાહી ભારતે અત્યાર સુધીમાં પદ પર જોયા, અનુભવ્યા તેમાં પણ વિવિધતા રહી. સ્વતંત્રતા પછીના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદ. જવાહરલાલ નેહરુ તો ચક્રવર્તી રાજગોપાલાચારીને પસંદ કરતા હતા અને વિધિની વિડંબના જુઓ કે રાજાજી જ પછીનાં વર્ષોમાં કોંગ્રેસના પ્રબળ વિકલ્પ જેવા સ્વતંત્ર પક્ષના સ્થાપક બન્યા. દક્ષિણ ભારતની આ લાક્ષણિકતા વિચારવા જેવી છે કે અહીંથી કે. કામરાજે ઈન્દિરાજીની કોંગ્રેસ નેતા તરીકે તરફેણ અને પછી વિરોધ કર્યો, સંજીવ રેડ્ડીની પણ એવી જ ભૂમિકા રહી અને પછીથી તે રાષ્ટ્રપ્રમુખ બન્યા. કોંગ્રેસમાં વિભાજન કરીને પોતાની તાકાત પુરવાર કરવા માટે ઈન્દિરાજીએ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં વિ. વિ. ગિરીને ઊભા રાખીને જીત અપાવી ત્યારે મતદાનમાં ‘અંતરાત્માનો અવાજ’ પ્રચલિત કર્યો. 2022ની હાલની ચૂંટણીમાં કેટલાક વિપક્ષોએ ઊભા કરેલા યશવંત સિંહાએ પણ દબાતા અવાજે આ સૂત્રનો ઉપયોગ કર્યો, પણ તેમને ખબર હતી કે અંતરાત્માના અવાજને કેટલાક અનુસરશે જરૂર, પણ કોંગ્રેસ અને બીજા ઠેકેદાર પક્ષોની વિરુદ્ધમાં! ક્રોસ વોટિંગ તેનું પ્રમાણ છે. 17 સાંસદ અને 126 ધારાસભ્યોએ પક્ષના આદેશની ખિલાફ જઈને મુર્મુને મત આપ્યા. તેમાં ગુજરાત પાછળ નથી રહ્યું. બીજા પ્રદેશોમાં આસામ, ઉત્તર પ્રદેશ, ગોવા પણ રહ્યા. આ ચૂંટણીએ એક વધુ અસર કરી કે કોંગ્રેસ સહિત પક્ષોમાં ભીતરમાં બધું ઠીકઠાક નથી. ડો. રાધાકૃષ્ણન અને ડો. ઝાકિર હુસૈન સુધી તો પ્રમુખપદની ચૂંટણી અતિ નિર્ણાયક સંઘર્ષથી દૂર હતી. હા, વિપક્ષો પોતાનો ઉમેદવાર જરૂર ઊભો રાખતા અને મત મેળવતા. 1967માં ડો. ઝાકિર હુસૈન કોંગ્રેસના ઉમેદવાર હતા. વિરોધ પક્ષોએ પૂર્વ ન્યાયમૂર્તિ કે. સુબ્બારાવને ઉમેદવાર બનાવ્યા. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ ઝાકિર હુસૈન તો મિશિગન યુનિવર્સિટીમાં દીક્ષાંત પ્રવચન આપવા ગયા હતા. કોઈએ પૂછ્યું તો કહે, અમે ભારતીયો માત્ર ઊભા રહીએ છીએ, દોડતા નથી! પણ દરેકવાર એવું હોતું નથી. ઉમેદવારી પોતે જ એક રસપ્રદ રાજકીય કહાણી બની રહે છે. મિથિલેશ કુમાર સિંહા નામ ક્યાંય સાંભળ્યુ છે? 1987માં તેઓ સજ્જન પણ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીના ઉમેદવાર હતા! તેમની પોતાની એક ગોડમેન પાર્ટી હતી. જ્ઞાની ઝેલસિંઘ મુખ્ય ઉમેદવાર હતા. પત્રકારોને 67 વર્ષના મિથિલેશ કહેતા, મારો જીવ જોખમમાં છે. મને રાજીવ ગાંધીની જેમ મારી નાખવામાં આવે એવી શંકા છે. એવું થશે તો ઝેલસિંઘ કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ તરીકે ચાલુ રહેશે. આ વક્તવ્ય પછી દિલ્હીના તેમના બંગલાની આસપાસ પોલીસ ખડકાઇ ગઈ. છેવટે રાષ્ટ્રપ્રમુખ પદના ઉમેદવાર તો હતા ને? ગુજરાતના એક પૂર્વ ન્યાયમૂર્તિ પણ આવી ચૂંટણીમાં કાયમ ઊભા રહેતા. એવા એક બીજા ઉમેદવારનું નામ ધરતી પકડ હતું! ડો. રાજેન્દ્ર પ્રસાદની સામે આપણા ગુજરાતી ઉમેદવાર કે. ટી. શાહ હતા. અર્થશાસ્ત્રના પ્રખર અભ્યાસી. કચ્છનું માંડવી તેમનું વતન. બંધારણસભામાં તેમનાં વક્તવ્યો એક નિષ્ણાતનો અંદાજ પૂરો પાડતા હતા. 1997માં કે. આર. નારાયણની સામે પૂર્વ ચૂંટણી આયોગના વડા ટી. એન. સેશાન કૂદી પડ્યા હતા. પછી ગાંધીનગર લોકસભાની બેઠક પર એલ. કે. અડવાણીની સામે ઊભા હતા. સ્વાભાવિક હતું તેમ આ બંને ચૂંટણીમાં તે હારી ગયા. કદાચ અનામત રકમ પણ ગુમાવી હતી. 1967 પૂર્વે બિન કોંગ્રેસવાદનું વાવાઝોડું આવ્યું ત્યારે ઝાકિર હુસૈનની સામે વિરોધ પક્ષોએ કે. સુબ્બારાવને પસંદ કર્યા, સંઘર્ષ કશ્મકશનો, એસએનએસડી મૂળભૂત અધિકારોને બાજુ પર રાખી ના શકે એવો યાદગાર ચુકાદો તેમણે આપ્યો હતો. દેશના ઈતિહાસમાં પહેલીવાર તેમને 43 પ્રતિશત મત મળ્યા. એક વધુ ચૂંટણી ફખરુદ્દીન અલી એહમદની. સામે સ્વતંત્રતા સેનાની ત્રિદિબ ચૌધરી. સાત વાર તે સાંસદ રહી ચૂક્યા હતા. અહમદના નસીબે આંતરિક કટોકટીના રાષ્ટ્રપ્રમુખ બનવાનું આવ્યું. ઇન્દિરા સરકારે કટોકટીનો અમલ થાય તેવો રાજકીય ફતવો બહાર પાડ્યો અને અહમદે તેમાં સહી કરવી પડી. એક કાર્ટૂનિસ્ટે ત્યારે વ્યંગચિત્ર દોર્યું હતું કે ફખરુદ્દીન અલી એહમદ બાથરૂમમાં નહાવા ગયા છે ને અરધો દરવાજો ખોલીને સચિવને સહી કરેલો કાગળ આપતા પૂછે છે કે બીજી કોઈ સહી કરવાની છે? જસ્ટિસ સિંહા, કૃષ્ણા અય્યર જેવા ન્યાયમૂર્તિઓ પણ રાષ્ટ્રપ્રમુખ બનવા માગતા હતા, ચૂંટણીના ચક્રવ્યૂહમાં તે સફળ ના થયા. દ્રૌપદી મુર્મુ ઘણી બધી રીતે અસામાન્ય રાષ્ટ્રપ્રમુખ છે. 64.3 ટકા મત મેળવવા એ પોતે જ અસાધારણ ઘટના છે. એ તો ખુલ્લું છે કે દ્રૌપદી ભાજપ અને એન.ડી.એ.ના ઉમેદવાર હતાં. કોંગ્રેસે એક મહિલા અને તે પણ સંથાલી જનજાતિની, તેને ટેકો આપ્યો હોત તો બંધારણીય ઈતિહાસમાં સુયોગ્ય રીતે નામ નોંધાયું હોત, પણ એવું ના બન્યું. મારા જેવા ઇતિહાસના શોધકર્તા માટે એક વધુ રસપ્રદ ઘટનાએ સવાલ ઊભો કર્યો છે. સ્વાધીન ભારતમાં તો આ પંદરમા રાષ્ટ્રપ્રમુખ કહેવાય, પણ યાદ છે કે 21 ઓક્ટોબર, 1943ના દિવસે રંગૂનમાં એક ‘આઝાદ હિન્દ સરકાર’ રચવામાં આવી હતી. 60,000 એશિયાવાસી નાગરિકો અને યુદ્ધકેદી સૈનિકોની બનેલી એ સરકારનું બંધારણ હતું, રાષ્ટ્રધ્વજ હતો, રાષ્ટ્રગીત હતું, સરકાર હતી, બેન્ક અને નાણાકીય ચલણ હતું. તે સરકારના રાષ્ટ્રપ્રમુખ હતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝ. આડત્રીસ કરોડ (તે સમયની ભારતીયોની વસ્તી) દેશવાસીઓની મુક્તિ માટે જિંદગીના અંતિમ શ્વાસ સુધી સંઘર્ષ કરીશ એવા શપથ લીધા હતા. તેમનું મંત્રીમંડળ પણ હતું. આવો એક પ્રયાસ અફઘાનિસ્તાનમાં અગાઉ રાજા મહેન્દ્ર પ્રતાપે પણ કર્યો હતો. નેતાજીની આઝાદ હિન્દ સરકાર જેવો એ પ્રભાવી નહોતો. એ રીતે ગણતરી કરીએ (અને કરવી જ જોઈએ) તો મહામહિમ દ્રૌપદીજી પંદરમા નહીં, સોળમા રાષ્ટ્રપ્રમુખ ગણાય.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...