તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપણી વાત:દીકરી જેવી પણ દીકરી તો નહ જ?

વર્ષા પાઠક2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારા ઘરમાં દીકરી અને વહુ વચ્ચે કોઈ ભેદભાવ નથી.... અમે તો પુત્રવધૂને પુત્રીની જગ્યાએ જ ગણીએ છીએ અને એ પણ અમને એનાં મા-બાપ માનીને પ્રેમ આપે છે... દીકરા કરતાં દીકરાની વહુ અમારી વધુ સેવા કરે છે... આવા વાક્યો અનેક વાર સાંભળવા મળે છે. એવું બોલનારની ભાવના પણ કદાચ સાચી જ હશે. એ લોકોને ખરેખર પોતાની પુત્રવધૂ માટે સ્નેહ અને આદર હશે, પરંતુ હમણાં આવી જ એક પુત્રવધૂએ મુદ્દાનો સવાલ પૂછ્યો છે- સાસુ-સસરા અમને દીકરી ગણતાં હોય કે અમારી સેવાની કદર કરતાં હોય, તો શું કામ વીલમાં સ્પષ્ટપણે એમના દીકરા-દીકરીની સાથે અમારું નામ પણ નથી લખી જતાં? વાત ખરેખર વિચારવા જેવી છે. પોતે છોકરા-છોકરી વચ્ચે ભેદભાવ નથી રાખ્યો, એવો દાવો કરનારાં ઘણા લોકો પોતાના વીલમાં દીકરા અને દીકરીને સમાન ભાગે મિલકત લખી આપે છે. દીકરી પરણી ગઈ હોય તો કદાચ એને થોડું ઓછું આપે પણ સાવ રદબાતલ ન કરી નાખે. તો એ ન્યાયી ગણાતા વારસાખતમાં દીકરી સમાન વહુનું નામ કેમ નથી લખતાં? કબૂલ કે વીલ બનાવતી વખતે મોટા ભાગનાં વડીલોને એવો વિચાર પણ નહીં આવતો હોય કે પોતે પુત્રવધૂને અન્યાય કરી રહ્યાં છે. એ તો ભોળાભાવે એવું જ માને છે કે દીકરાને આપ્યું એટલે એની પત્નીને આપી જ દીધું. અરે, સ્ત્રીઓ પણ એવું વિચારતી હશે કે મારા હસબન્ડને મળ્યું એટલે મને મળી જ ગયું. નસીબ સારાં હોય તો આ બાબતે જીવનભર કોઈ ફરિયાદ કે દલીલ પણ નથી થતી. પતિના હિસ્સામાંથી નણંદ ભાગ પડાવી જાય એ વાત પણ કોઈ-કોઈ ગૃહિણીને તો નારાજ કરી જાય છે. એની દલીલ હોય છે કે જીવનભર અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જેણે મા-બાપની સારસંભાળ લીધી હોય, એને જ બધું કે વધુ મળવું જોઈએ. ચાલો, એમની આ વાત માની લઈએ, તોયે એમાંથી પેલો સવાલ તો ઊભો જ રહે કે ખરેખર જેને સેવાચાકરી કહેવાય, એ ઘરમાં કોણે કરી? પતિના અધિકાર વિષે સચેત રહેતી સ્ત્રી પોતે કરેલી મહેનત સાવ ભૂલી જતી હશે? હવે અહીં એવું કહેવાનો બિલકુલ ઈરાદો નથી કે દીકરાઓ મા-બાપની સેવાની જવાબદારીમાંથી હંમેશાં કે સાવ છટકી જાય છે. એ પણ પોતાની નજરે રીઝનેબલ લાગે એટલી કાળજી લેતા જ હશે, શરીરથી અને પૈસાથી પણ. પરંતુ વૃદ્ધોની રોજબરોજની કાળજી લેવાનું અને ક્યારેક એમની કચકચ સાંભળવાની જવાબદારી મોટે ભાગે ગૃહિણી પર આવે છે, પછી એ ફુલટાઇમ હાઉસવાઈફ હોય કે બહાર ઓફિસમાં પણ કામ કરતી વર્કિંગ વુમન. તો પછી બદલામાં એણે માત્ર બહારનાં લોકો દ્વારા થતાં વખાણ સાંભળીને સંતોષ માની લેવાનો? અને સાસુસસરાના વીલમાં પતિને જે મળ્યું એ મારું જ કહેવાય એવું સમજીને સમજદાર ગૃહિણીનો દેખાવ જાળવી રાખવાનો? ચાલો, માની લીધું કે સસરાએ બનાવેલા મકાનમાં એ રાણી બનીને રાજ કરશે, સાસુએ છોડેલા ઘરેણાં પહેરીને મહાલશે, પરંતુ એના પર એનો કાયદાકીય અધિકાર ખરો? અને પતિનાં મા-બાપ ભલે કરોડોની માલમિલકત મૂકી ગયા હોય, પણ કંઈ પૂછ્યાગાછ્યા વિના એમાંથી દસ લાખ ઉપાડીને મન થાય ત્યાં વાપરી નાખવાનો, ઘરના લોકોને કોઈ હિસાબ નહીં આપવાનો હક એને મળે? તમે ગમે તે કહો, પણ પોતાનાં પૈસા પોતાની પાસે હોય, પોતાની મરજીથી વાપરવાની આઝાદી હોય, એની ખુશી અલગ છે. લોકો પોતાના વીલમાં પુત્રીસમાન પુત્રવધૂને નાનકડી ખુશી શું કામ ન આપી શકે? દીકરાને બે કરોડ તો દીકરાની પત્નીને બે લાખ આપે તોયે એ ખુશ તો થાય જ. પણ ના, મરનાર બધો દોર એના પતિના હાથમાં સોંપી જાય છે. એમાંથી પતિના ભાઈ-બહેનો અધિકારપૂર્વક હિસ્સો લઇ શકે, પણ પુત્રવધૂ છેવટે આઉટસાઈડર. આનાથીયે એક ડગલું આગળ જઈએ. ન કરે નારાયણ ને સાસુ-સસરાના ગયા પછી સ્ત્રીને પતિ સાથે ન ફાવ્યું અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો તો? જે ઘરમાં રહીને એણે વર્ષો સુધી વડીલોની સેવા કરી, એમની દીકરી કહેવાઇ, એના પર સ્ત્રીનો અધિકાર રહેશે? કાયદો સ્પષ્ટ કહે છે કે ડિવોર્સ વખતે સ્ત્રી એના પતિએ કમાયેલી મિલકતમાંથી હિસ્સો માંગી શકે, પરંતુ પતિના પિતા, દાદા કે પરદાદાએ જમા કરેલી સંપત્તિ પર એનો અધિકાર નથી. આવા કિસ્સા કોર્ટમાં ગયા છે, પણ સ્ત્રીની તરફેણમાં ચુકાદો આવવાની શક્યતા ઓછી છે. મતલબ બધો આધાર પતિ સાથેના સંબંધ પર છે. પુત્રવધૂ પુત્રી સમાન છે, એ કહેવાની વાત છે. દીકરો એની પત્નીને કાયદેસર ડિવોર્સ આપીને કે પછી છોડી દે, તો માતા-પિતા કદાચ નારાજ થાય, થોડો સમય એની સાથે બોલે નહીં, પરંતુ છેવટે સંબંધ તો એ દીકરા અને એની નવી લાઇફપાર્ટનર સાથે જ રાખે. પત્નીએ વર્ષો સુધી કરેલી સેવા ભૂલાઈ જાય. વીલમાં એનું નામ રાખવાનો તો સવાલ જ ક્યા આવે? ⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...