શું કાશ્મીરમાં ઐતિહાસિક અને નિર્ણાયક બદલાવ આવી રહ્યો છે? હમણાં કેટલાક કાશ્મીરી મિત્રો અને કાશ્મીરની સમસ્યાઓને છેક ભીતરમાં જઈને સમજનારા મહાનુભાવોની સાથે ઊંડી ચર્ચા થઈ. દેશનો આ સૌથી સમસ્યાગ્રસ્ત લાગતો ભાગ ખરેખર કોઈ નવી ખોજ તરફ છે? આના જવાબમાં મળતાં કારણો ભારે રસપ્રદ છે. ધારા 370ની કલમ હવે સામાન્ય જનનાં દિમાગમાંથી નીકળી ગઈ છે. હા, કેટલાક રાજકીય પક્ષના નેતાઓ એવો વાયદો કરી રહ્યા છે કે વહેલામોડા અમે જ સત્તામાં આવીશું અને કાશ્મીરી (ઘાટીના મુસ્લિમો એમ સમજવું) પ્રજાનાં હિતમાં તેને પાછી ખેંચી લેવામાં આવશે. સામાન્ય નાગરિક હવે આવાં લટકતાં ગાજરને બરાબર સમજી ગયો છે. મહેબુબા મુફ્તી કે ઓમર અબ્દુલ્લા લાંબા સમય સુધી સત્તા પર આવવાના નથી એ વાતની તેને જાણ છે. ખુદ આ પૂર્વ રાજકર્તાઓ પોતે પણ મનમાં એવું માને છે કે કોઈ મોટો ભડકો ન થાય તો સત્તા પર આવવાનાં નથી. આમ માનવાની પાછળ તેમની પાસે અંદરખાને કારણો પણ છે. શાસનમાં હતાં ત્યારે તેમણે જે હરકતો આચરી તેનાથી ગરીબ કાશ્મીરી મુસ્લિમ વધુ ગરીબ થયો, લડાખને ઉપેક્ષિત રખાયું અને જમ્મુ-કાશ્મીરના પંડિતો જાણે, કાશ્મીર સિવાયના કોઈ પ્રદેશના નાગરિકો હોય તેવું જ વર્તન કરવામાં આવ્યું. પરિવારવાદનો ભ્રષ્ટાચાર પણ બેકાબૂ બની ગયો ત્યારે 370 કલમે આ બધો રાજકીય ઉકરડો ખોદી કાઢવાનું કામ કરી બતાવ્યું.
હવે જે શક્યતાઓ ઊભી થઈ છે તેમાં હુર્રિયતનું ‘મોટો ભા’ રહેવાનું વર્તન નામશેષ થવા લાગ્યું છે. આતંકવાદીઓ યુવકોને હાથમાં પૈસા અને પથ્થર આપતા તે ભૂતકાળ થઈ ગયો છે એમ છેક અંતરિયાળ કાશ્મીરના સમાજસેવકે કહ્યું. જોકે, સાવ જ આતંકી પડછાયો નષ્ટ થયો નથી, ક્યાંક તે વેર વાળે છે, સૈનિકો-પોલીસો અને ક્યાંક પંડિતો પર હુમલા કરે છે. વડાપ્રધાનનું છેક સરહદ પાસેનું ગામડું ‘પંચાયત રાજ દિવસ’ ઊજવે અને સમગ્ર કાશ્મીરમાંથી પંચાયત-પ્રતિનિધિઓ સહિત પ્રચંડ જનમેદની એકત્રિત થઈ તે એક મોટી ઘટના છે. સમીક્ષક મિત્રે મારું ધ્યાન દોર્યું કે પંચાયતોની ચૂંટણી જે રીતે થઈ તેમાં પરંપરિત પરિવારવાદી પક્ષો અને નેતાઓને બાજુ પર મૂકીને નવી, સ્થાનિક નેતાગીરી ઊભી થઈ રહી છે, જે આગામી દિવસોમાં કાશ્મીરી રાજકારણમાં ભારે મહત્ત્વનો ભાગ ભજવશે. જે નવી પેઢી છે તે નેશનલ ફ્રન્ટ, હુર્રિયત અને બીજા પક્ષોમાં જોડાઈ નથી અથવા તેનો ભ્રષ્ટાચાર અને અલગાવ અનુભવ્યા છે તેઓ હવે ‘નવા કાશ્મીર’નો ઉદય ઝંખી રહ્યાં છે, જે કાશ્મીર ભારતના બીજા પ્રદેશો- ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે કેરળ-કર્ણાટકની જેમ ભારતીયતાના વાતાવરણની સાથે વિકાસ કરે. લડાખ તેના રસ્તે છે તે વિગતો પણ મળી.
કાશ્મીરના આંતરિક પ્રવાહો એવા છે કે ધીમે ધીમે ત્યાંની વિક્ષુબ્ધ પ્રજા અને દિશાવિહીન યુવક-યુવતીઓને આ દિશામાં પ્રેરિત કરવાનું ભારે મજબૂત કામ થઈ રહ્યું છે. યુનિવર્સિટી, કોલેજ અને શાળાઓ તેમાં ભાગ ભજવી રહી છે. મહિલા શિક્ષકો શાળામાં ન જાય તેવી અલગાવવાદી હિકમતોને આ યુવતીઓએ પડકાર ફેંક્યો અને નિર્ભિકતાથી શાળાઓમાં ભણાવવા જવાની ઘટનાઓ બની છે. એવો સમય પણ હતો કે બોમ્બ અને હત્યાથી ત્રસ્ત નાગરિક જીવસુરક્ષાથી અધિક કશું વિચારી શકતો નહોતો. હવે વાતાવરણ બદલાયું છે. કાશ્મીરની આદિ કવયિત્રી લલ્લેશ્વરી, ત્રિક પરંપરા, દાર્શનિક જયંત ભટ્ટ, સ્થાપત્યવૈભવ, અભિનવ ગુપ્ત, કુમારિલ ભટ્ટ, આદિ શંકરાચાર્ય, મુસ્લિમ સૂફી સંતો વગેરની ચર્ચા અને વર્ગોમાં શિક્ષણ વધ્યું છે. કાશ્મીરમાં અનેકવાર જતા-આવતા એક અધ્યાપકને લડાખ પ્રત્યે અધિક લગાવ છે. તે કહેતા કે હવે દલાઈ લામા અને પ્રાચીન સાહિત્ય ત્યાં હોંશે હોંશે ભણાવાય છે. મૂળભૂત રીતે કાશ્મીરનું ‘અલગાવવાદી રાજકારણ’ આજ સુધી ખેલવામાં આવ્યું અને ચૂંટણીમાં પણ તેનો પ્રભાવ રહ્યો એવા દિવસો ભૂતકાળ બની રહ્યા છે. નવો મુસ્લિમ યુવક અને પંડિત યુવક- બંનેની સોચ એક પ્રકારની થવા માંડી હોય તેનાથી વધુ શુભ સમાચાર બીજા શા હોઈ શકે?
સાંસ્કૃતિક ધરાતલ પર અહીં ‘પંચદેવ’ ઉપાસનાનું સાતત્ય રહ્યું છે. મૂળમાં તે આદિ શંકરાચાર્યે આ ભૂમિ પર પ્રતિષ્ઠિત કરી હતી, ‘લલાટે કાશ્મીરં વિલસતિ.’ અર્થાત્ દેવીના લલાટ પર કાશ્મીરનું તિલક છે! વિતસ્તા સહિતની સાત નદીઓનું સ્મરણ દરેક ઘરમાં વંદન કરીને થાય છે. ઝેલમ એ જ વિતસ્તા નદી! બાળક આ સાંભળીને નાચી ઊઠે છે. ચિનાબ એ ચંદ્રભાગા છે, સતલજ એ શતદ્રુ છે. લડાખ, ગિલગિટ, બાલ્તિસ્તાન સુધી તેનો મહિમા છે. વાસ્તવમાં કાશ્મીર અલગ ક્યારેય નહોતું તેવું શિક્ષણ શરૂ થયું અને ‘રાજતરંગિણી’ તેમજ ‘નીલમતપુરાણ’માં અહીં ક્યારેક વહેતી સરસ્વતી સ્વરૂપે નિહાળવામાં આવે છે તેની સમજ અપાય છે. આ જ કથાઓ છેક મહાભારતમાં પણ જોવા મળે છે. કાશ્મીરની જર્જરિત, વિદ્રોહી, અલગાવવાદી સ્થિતિનું એક કારણ ભારત-વિભાજનથી પેદા થયેલું પાકિસ્તાન છે. ‘ક્રોસ બોર્ડર’ અલગાવ ત્યારે શરૂ થયો અને બે કાશ્મીર થયાં, તેમાંનું એક પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર) અલગાવ-છાવણીનું કેન્દ્ર છે.
‘પોક’ના એક પત્રકારે ટીવી ચેનલની ચર્ચામાં ભાગ લેતા પૂછ્યું કે જો જર્મનીની દીવાલો ધ્વસ્ત થઈ શકે છે તો આ બે કાશ્મીર શા માટે? આવું જ બલુચિસ્તાનમાં બની રહ્યું છે. આ ભૌગોલિક ફેરબદલમાં કાશ્મીર મોટો ભાગ ભજવશે એવું લાગે છે. રાજકીય દૃષ્ટિએ જિતેન્દ્ર સિંહ આ કાર્યમાં ખૂંપેલા છે. તાજેતરમાં સરહદી પંચાયત પરિષદના આયોજનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સદરે રિયાસત, મહારાજા હરિસિંહના પુત્ર ડો. કર્ણ સિંહ કાશ્મીરી સંસ્કૃતિ અને શ્રી અરવિંદના અભ્યાસી છે. આ રાજપરિવારના પુત્રે રાજનીતિમાં ઝંપલાવ્યું છે. કાશ્મીરનો નવોદય તેનાં શહેરો કરતાં, નાનાં આંતરિયાળ ગામડાંઓની તરોતાજી નેતાગીરી થકી થાય તો એ ઐતિહાસિક ઘટના બની રહેશે. vpandya149@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.