ઓફબીટ:અફસોસને છાવરવા જેવો નથી

અંકિત ત્રિવેદી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફસોસ કરીને જીવ બાળવાથી કશું વળે નહીં! જે ક્ષણ ચૂકી ગયા છીએ એને વાગોળીને નિરાશ થવામાં માલ નથી! પ્રત્યેક દિવસ નવો છે. એમાં જૂની ભૂલોને વાગોળવી એના કરતાં નવી ભૂલોમાંથી શીખવું એ ઉત્તમ તબક્કો છે. અફસોસ અંત વેળાએ થાય ત્યારે જીવ કચવાય છે. અફસોસ થોડીક ક્ષણોના મહેમાન જેવો હોય છે. પ્રશ્ન તો એ પણ થવો જોઈએ કે અફસોસ શું કામ થાય? સંતોષને માથે ચઢાવવા જેવું બીજું એક પણ સુખ નથી. જે સમય મળ્યો છે એમાં જીવતાં આવડવું જોઈએ. દરેકની બારીમાંથી જેમ આકાશ જુદું દેખાય એમ દરેકના વિચારોમાં સુખની અલગ અલગ વ્યાખ્યાઓ હોય. અફસોસ કરવાથી ક્યારેય કશું વળ્યું છે? ભૂલોમાંથી શીખવા જેવી મહામૂલી સોગાત એક પણ નથી. આપણને જ્યારે આપણા પર ઘૃણા આવે છે ત્યારે ડિપ્રેશન હાવી થઈ જાય છે. મનમાં કશુંક ચાલતું હોય અને બહાર જે ચાલતું હોય એ બંને વચ્ચે આપણે બેલેન્સ કરવાની જગ્યાએ અકળાઈ જઈએ છીએ. ન ગમતાં કામને પણ ગમતાં કામની જેમ જ કરવું જોઈએ. ન ગમતી વ્યક્તિને પણ ગમતી વ્યક્તિની જેમ જ ભેટવું જોઈએ. જે થઈ ગયું એનો ગમ કરીને કચવાતે મને જીવવાથી વર્તમાનની ક્ષણો વેડફાય છે. ભવિષ્યને બેચેની થાય છે. જીવન આધાર વગરનાં પાણી જેવું છે. તમારે જાતે જ એમાંથી તમારો આધાર, તમારી ભીનાશ શોધી કાઢવાની છે. જે કરવાનું રહી ગયું છે એનો અફસોસ કરવાને બદલે એને વર્તમાનમાં ફરીથી કરીને આનંદને ઊજવવો જોઈએ. નિષ્ફળતાઓને વહાલી વેળાસર કરીશું તો સફળતા ઊંબરા ઉપર દીવો કર્યા વગર પ્રગટશે. ચીયરફૂલ જિંદગી છે. રંગીન જિંદગી છે. એનો રંગ સાંજે જુદો અને સવારે જુદો! તો પછી આપણે ઉદાસીના રંગને ઓઢીને ક્યાં સુધી ફરીશું? કોઈના જેવા થવા કરતાં આપણા જેવા થવાનો આનંદ અદકેરો છે. જે કામ કાલ ઉપર છોડવાનું મન છે એને અત્યારે જ કરો. જેની માફી માંગવાની છે એને હમણાં જ ફોન કરો. એના પ્રત્યુત્તર કે પ્રત્યાઘાતની ફિકર કરવા જેવી નથી. અફસોસને કારણ વગર જન્મ આપવા જેવો નથી! જે મહેફિલમાં મઝા ન પડતી હોય ત્યાંથી ઊઠી જાવ. બહાનાં કાઢતાં અને બનાવતાં આપણા કરતાં કોઈને સારાં નથી આવડતાં! ખાલી ખોટો ચહેરા પર હસવાનો ભાર લઈને જાણીતા છતાંય અજાણ્યા ચહેરા વચ્ચે રહેવાનો કોઈ મતલબ નથી. જેમને સમય આપવાનો રહી ગયો છે એમને સમય આપો. રુટિન લાઈફથી કંટાળવાનું એક કારણ ઘણાં બધાં લોકોની અપેક્ષાઓ આપણે સંતોષીએ છીએ– એ પણ છે. વળી, એ લોકોને આપણી કદર ક્યારેય નહીં થાય! એ તો આપણી ફરજનું ભાન કરાવીને આપણા કરેલા પર પાણી ફેરવશે! તમારું રુટિન તમારા હાથમાં છે. એને શિસ્તના વાઘા પહેરાવો. એને પાછલી ઉંમરમાં શરમ આવે એવું કશું જ ના કરો. જે કરવું છે એમાં શ્રેષ્ઠતાનો ઉમેરો કરો. કોઈ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ સુખી નથી હોતી! દુઃખની અપૂર્ણતા જ આનંદમાં ઉમેરો કરે છે. જાતને એકલી પાડીને થોડીક વાર પોતાના માટે સમય આપો. મોબાઈલ થાકી જાય એટલો અવિવેક ટેરવાંને ન શીખવાડો. અફસોસ આપણી ગેરહાજરીમાં આપણા માટે થવો જોઈએ, આપણને નહીં! આપણને કોઈ રોકનાર નથી તો પછી આપણે કોનાથી બંધાયા છીએ? જાતને પોતાનામાં જ ખુલ્લી મૂકવાનું નામ સ્વતંત્રતા છે.⬛ ઑન ધ બીટ્સ માઈ રી મૈં તો ગોવિંદ લીન્હો મોલ, કોઈ કહે ચૂપકે, કોઈ કહે છૂપકે, મૈં તો લિયો બજાતાં ઢોલ... -મીરાંબાઈ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...