આંતરમનના આટાપાટા:જિંદગીમાં કોઈ તક આખરી નથી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસ એવો આવશે જ્યારે સફળતા તમારાં ચરણ ચૂમશે. જીવન નિરાશ થઈને, હતાશ થઈને ડિપ્રેશનમાં ચાલ્યા જઈને નકામું કરી દેવા માટે નથી. જીવન એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે, એને જાળવી રાખો

પરીક્ષાઓનું પણ ખરું હોય છે. બાળક દસમા-બારમા ધોરણમાં આવે એટલે એકાએક ઘરમાં ઘણી બધી પ્રવૃત્તિઓ બદલાઈ જાય છે. ટેલિવિઝન માળિયે ચડી જાય. ઘરમાં કોઈ મહેમાન આવે તો તરત મોઢું કટાણું થાય. ઘરમાં વાત થાય તે પણ ધીમા અવાજમાં થાય. કોઈ પણ જગ્યાએ બહાર જવાની વાત આવે તો જવાનું નહીં. આખું વરસ જાણે માત્ર ને માત્ર કોઈ યુદ્ધ લડવાનું હોય તે રીતે બાળકના મન ઉપર સતત એક જ વિચાર છવાયેલો રહે કે મારે બોર્ડની પરીક્ષા આપવાની છે. એ પરીક્ષાઓ ઉપર મારું ભાવિ નિર્ભર કરે છે. આ વાતાવરણ કોણ ઊભું કરે છે? શું પરીક્ષામાં બેસતાં બધાં જ અવ્વલ નંબરે આવે ખરાં? પરીક્ષા દરમિયાન લગભગ બધે જ આ વાતાવરણનો અનુભવ થાય છે. આવું ભારેખમ વાતાવરણ ઘરમાં ઊભું કરી દો અને પછી ન કરે નારાયણ અને વિદ્યાર્થી ધારી ટકાવારી ન લાવે એટલે આપણે પછી ચિંતા કરવાની કે ક્યાંક રખેને એ કોઈક આત્મઘાતી પગલું ભરી દે. રખેને એ ડિપ્રેશનમાં જતો રહે.

દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ આપણે ત્યાં મહત્ત્વની હોય છે. ઘણી બધી મહત્વાકાંક્ષાઓ લઈને આપણે ચાલીએ છીએ. કોઈને ડોક્ટર, કોઈને એન્જિનિયર તો કોઈને આર્કિટેક્ટ બનવું છે. કોઈને એમ.બી.એ. કરવું છે. આ બધાંનો આધાર એક પરીક્ષામાં તમારા કેટલા માર્ક્સ આવે છે તેના પર છે. ઘણી વખત એવું થાય છે કે, આ પરીક્ષામાં થોડાક જ માર્ક્સ ઓછા આવે અને આપણે ગાડી ચૂકી જઈએ તો? નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા માટે ગયા હોઈએ, છેક સુધી બધું સારું જાય, લેખિત પરીક્ષા સારી જાય, ઈન્ટરવ્યૂ સારો ગયો હોય પણ છેલ્લે નાની કંઈક ગરબડ થાય અને આપણે ચૂકી જઈએ. એવામાં વ્યક્તિને નિરાશા થાય જ અને આ નિરાશા ક્યારેક ડિપ્રેશનમાં પરિણમે અને ક્યારેક તો આપઘાત જેવું અંતિમ પગલું પણ આ પ્રકારની નિરાશાને કારણે લેવાઇ જાય છે.

આજે એક એવી વાત કહેવી છે જે કોઈ પણ પ્રકારની અંતિમવાદી પ્રતિક્રિયા આપતા આપણને રોકે.

એક વિદ્યાર્થી હતો. ભણવામાં ખૂબ હોંશિયાર અને એમાંય ગણિત-વિજ્ઞાન ઉપર એનો ગજબનો કાબૂ. એના સાથી વિદ્યાર્થીઓને પણ એ શીખવાડે. દરેક પરીક્ષામાં એ પ્રથમ નંબરે પાસ થઈને પોતાના વર્ગમાં અવ્વલ રહેતો. એમ કરતાં કરતાં એવો સમય આવ્યો જ્યારે એ અને એના મિત્રો આઈ.આઈ.ટી.ની એન્ટ્રન્સ પરીક્ષામાં બેસવા માટેની તૈયારી કરવા માંડ્યા. આઈ.આઈ.ટી. એન્ટ્રન્સની પરીક્ષા પાસ કરવી બહુ મુશ્કેલ છે. એ પરીક્ષાની તૈયારીમાં આ વિદ્યાર્થી ઉદારતાપૂર્વક પોતાના મિત્રોને પણ સમજ પાડે, મદદ કરે. પરીક્ષા આવી, બધા મિત્રો પરીક્ષામાં બેઠા, પરીક્ષા સારી રીતે પૂરી થઈ. થોડોક સમય વીત્યો ને પરિણામ આવ્યું. પેલો વિદ્યાર્થી એ પરીક્ષામાં સારા માર્ક્સથી ઉત્તીર્ણ થયો. એને આઈ.આઈ.ટી. મદ્રાસમાં એડમિશન મળ્યું. એની જે આકાંક્ષાઓ હતી, એનાં જે સપનાં હતાં એ સિદ્ધ થાય તેવી આ ઘડી હતી.

વિદ્યાર્થી એના પિતા પાસે જાય છે. એના પિતા શિક્ષક. એ જઈને કહે છે, ‘પપ્પા હું પરીક્ષામાં પાસ થયો.’ બાપા કહે છે કે, ‘સરસ, અભિનંદન.’ વિદ્યાર્થી આગળ કહે છે, ‘આઈ.આઈ.ટી.ની એન્ટ્રન્સ પરીક્ષા મેં પાસ કરી.’ એના બાપા એની સામે જોઈને, એની આંખમાં આંખ પરોવીને પૂછે છે, ‘એટલે?’ ને પેલો વિદ્યાર્થી સમજાવે છે ‘હવે મને આઈ.આઈ.ટી. મદ્રાસમાં એડમિશન મળશે. ત્યાં ભણવા જવું પડશે.’

અને ત્યારે પેલો પિતા એના દીકરાને કહે છે, ‘જો બેટા, મારે બીજાં સંતાનો પણ છે. તું એક જ નથી. મારે બધાંને સરખી તક આપવી પડે. બધાંને ભણાવવાનાં છે અને એ કરવું હોય તો હું તારા એકલાની પાછળ બધા જ પૈસા ખર્ચી નાખું તે શક્ય નથી. એટલે તારે જે કંઈ ભણવું હોય એ ઘરે રહીને ભણ. હું તને આઈ.આઈ.ટી. મદ્રાસમાં ભણવાના પૈસા નહીં આપી શકું.’

વિચાર કરો. શું મનઃસ્થિતિ હશે એ વિદ્યાર્થીની, પણ એ જુદી માટીનો ઘડાયેલો હતો. અંતર્મુખી પ્રતિભા. પોતાને ગમે તેટલું દુઃખ થાય તો પણ કળાવા નહીં દેવું એ એની આગવી આવડત હતી. ‘સારું’ કહી એ ત્યાંથી વિદાય થયો. થોડાક દિવસો થયા, એના બધા મિત્રો જેમને એડમિશન મળ્યું હતું એ આઈ.આઈ.ટી.માં જવા માટે એકસાથે વિદાય થવાના હતા. આટલાં વર્ષોની મિત્રતા હતી એટલે વિવેક ખાતર પણ સ્ટેશને મૂકવા જવું જોઈએ. પેલો વિદ્યાર્થી મિત્રોને મૂકવા જાય છે. એમાંના કેટલાકને એમ લાગે છે કે આને એડમિશન નથી મળ્યું એટલે દિલસોજી પણ આપે છે– ‘તને પણ એડમિશન મળ્યું હોત તો સારું થાત. કંઈ વાંધો નહીં. ફરી પ્રયત્ન કરજે.’ પેલો ચૂપચાપ સાંભળી લે છે. ટ્રેન ઉપડે છે. એના મિત્રો ડબામાંથી ‘આવજો... આવજો...’ કહેતા હાથ હલાવે છે. ટ્રેન પ્લેટફોર્મ છોડી આગળ વધે છે છતાં પણ આ વિદ્યાર્થી પ્લેટફોર્મ પરથી હટતો નથી. ટ્રેનના છેલ્લા ડબ્બાની સાથે જોડાયેલા ટેઈલ લેમ્પની લાલબત્તી દેખાતી બંધ થાય ત્યાં સુધી પ્લેટફોર્મ પર ઊભો રહે છે.

આ વિદ્યાર્થી નિરાશ નથી થતો. એને એના પિતા પ્રત્યે કોઈ રોષ પણ નથી. વાત સાચી છે. પિતા જ્યારે શિક્ષક હોય, મર્યાદિત આવક હોય ત્યારે બધાંને ભણાવવાનો આ પ્રકારનો ખર્ચો ન કરી શકે એ વાત એ સમજે છે. એ બાકીની બધી વાતો ભૂલીને ભણવામાં ધ્યાન પરોવે છે. ખૂબ ધ્યાન દઈને ભણે છે. પોતાના વિષયમાં નિષ્ણાત બને છે.

અને...એક દિવસ એ વિદ્યાર્થી આ દેશમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીનું રિવોલ્યુશન થાય તે પ્રકારની શરૂઆત કરનાર, તેનો પાયો નાખનાર ઉદ્યોગસાહસિક બને છે. એ વિદ્યાર્થી જે પોતાના વાંકને કારણે નહીં, પણ આર્થિક પરિસ્થિતિને કારણે આઈ.આઈ.ટી.માં એડમિશન ચૂકી ગયો હતો, એ વિદ્યાર્થી એક દિવસ આ દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટના બોર્ડ ઑફ ગવર્નન્સમાં નીમાય છે. પોતાના સાથીઓને સાથે લઈને એણે સ્થાપેલી સંસ્થા ‘ઈન્ફોસિસ’ માત્ર દેશમાં જ નહીં, પણ સાત સમંદર પાર પણ દેશની કિર્તીધજા લહેરાવે છે.

આ વિદ્યાર્થીનું નામ તમે કદાચ કલ્પી લીધું હશે. હા, બિલકુલ સાચું છે. આ વિદ્યાર્થી બીજા કોઈ નહીં પણ નારાયણ મૂર્તિ. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ. સુધા મૂર્તિના પતિ નારાયણ મૂર્તિ. તક ગઈ તેનાથી નિરાશ થયા વગર એ તક પોતે કઈ રીતે ઝડપી શકે તે માટેનો વૈકલ્પિક રસ્તો શોધ્યો. મહેનત કરી. ઈશ્વરની એમના પર મહેરબાની રહી અને જે તક ચૂક્યા હતા તેના કરતાં અનેક ગણી મોટી તક જિંદગીએ એમને પૂરી પાડી.

કહેવાનો મતલબ એ છે કે, કોઈ તક આખરી નથી હોતી. એક તક ચૂકી ગયા, એક વખત પરીક્ષામાં નાપાસ થયા, એક વખત ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવ્યા, ડૉક્ટર કે ઇજનેર બનવું હતું તે ન બની શકાયું, તો કોઈ જિંદગી લૂંટાઈ જતી નથી. જીવનમાં અનેક તકો આવે છે અને કદાચ નારાયણ મૂર્તિની માફક જે તક તમે ગુમાવી છે તેના કરતાં અનેક ગણું વધારે વળતર આપી શકે એવી તક પણ તમને મળી શકે છે. નિષ્ફળતાની નિરાશા ખંખેરી નાખવી. હા, પ્રયત્ન કરવાનું ચાલુ રાખો, પેલા કરોળિયાની જેમ -

‘કરતાં જાળ કરોળિયો ભોંય પડી પછડાય,

વણતૂટેલા તાંતણે ઉપર ચઢવા જાય.’

પ્રયત્નશીલ રહો. એક દિવસ એવો આવશે જ્યારે તમે ક્લ્પ્યું ન હોય તેવી સફળતા તમારાં ચરણ ચૂમશે. નિરાશ ન થશો. જીવન એ વેડફી નાખવા માટે નથી. જીવન નિરાશ થઈને, હતાશ થઈને ડિપ્રેશનમાં ચાલ્યા જઈને સાવ નકામું કરી દેવા માટે નથી. જીવન એ ઈશ્વરની અમૂલ્ય ભેટ છે, એને બરાબર જાળવી રાખો. જીવનમાં એક નહીં તો બીજા રસ્તે સફળ થવાશે. આગળ વધો. મારી શુભકામનાઓ.

અન્ય સમાચારો પણ છે...