તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શબ્દના મલકમાં:કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો : હરીન્દ્ર દવે

મણિલાલ હ. પટેલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરીન્દ્ર હૃદયથી તો કવિ જ રહ્યા છે. એમનામાંનો કવિ નવલકથા-નિબંધ-લેખોમાંય વર્તાઈ આવે છે

કવિની નિજી મુદ્રા ઉપસાવતી એકાધિક રચનાઓ લોકજીભને રમતી થઈ જાય છે. લોકહૈયાંમાં વસી ગયેલી આવી કવિતાને ‘સિગ્નેચર પોએમ’ કહી શકાય. ‘કવિની ઓળખમુદ્રા’ બનેલી કવિતા! હરીન્દ્ર દવેની આવી એકાધિક કાવ્યકૃતિઓમાંય અગ્રેસર તો આ ગીત કવિતા છે: પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ, એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં! પ્રિયા અને પરમેશ્વરની સૃષ્ટિ અહીં એકાકાર છે. પ્રેમ તથા પ્રકૃતિ અહીં અભિન્નરૂપ ધારે છે. પ્રેમના ગૂઢાર્થો જાણનારો ‘મૌન’નો કવિ આપણને ‘સમય’નાં રૂપો સમજાવે છે અને પ્રીતનો ‘આસવ’ પાય છે. કવિતાને-સર્જનને આ સર્જક ‘સૂર્યોપનિષદ’ની આરાધના માને છે. એમની કવિતામાં એમના સ્વભાવ જેવી ઋજુતા છે, મૃદુતા છે, સંયમ છે. ‘રૂપલે મઢી છે સારી રાત, એનું ઢૂંકડું ન હોજો પ્રભાત.’ ‘શમણામાં પણ હવે ન મુલાકાત થઈ શકે: ને જાગતા મિલનનો ધારો નથી રહ્યો! તારા મિલનમાં તારા વિરહની ગઝલ કહી: એ તારો ભ્રમ હતો કે હું તારો નથી રહ્યો!’ ‘ચાલ, વરસાદની મોસમ છે, વરસતા જઈએ, ઝાંઝવા હોય કે હોય દરિયાવ, તરસતા જઈએ!’ ગીત અને ગઝલ બંનેમાં ભાષાનું રેશમી પોત સ્પર્શે છે. ‘કોઈનોય પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, માત્ર આપણી અપેક્ષા વધારે હોય છે.’ કહેવતરૂપ બની ગયેલી આ ઉક્તિના સર્જક હરીન્દ્ર દવેનું વતનગામ ભાવનગર-બોટાદ વચ્ચેનું ઉમરાળા! એમનો જન્મ તા. 19-9-1930માં કચ્છના ખાંભરા ગામે થયો હતો. પિતા જયંતીલાલ દવે મુંબઈ વસેલા. હરીન્દ્રનું સમગ્ર જીવન મુંબઈમાં વીત્યું હતું. એમનાં બાનું નામ સરિતા. પત્ની જયલક્ષ્મી. રોહિત, પ્રકાશ, દીપક: ત્રણ દીકરાઓનો પરિવાર. હરીન્દ્ર દવે ગુજરાતી સાથે 1961માં એમ. એ. થયા. એ પહેલાં એ અમેરિકન સરકારની ‘યુસીસ’ સંસ્થામાં નોકરી કરતા હતા, પણ જનજીવનને જાણવું-આલેખવું હતું એટલે પત્રકારત્વ ક્ષેત્રે પ્રવેશ્યા હતા. થોડાંક વર્ષો-1961-64-‘સમર્પણ’ માસિકના સંપાદક રહેલા. ‘જનશક્તિ’નું તંત્રીપદ સંભાળેલું, પણ ઘણાં વર્ષો સુધી હરીન્દ્ર દવે એક અગ્રણી અખબારના સફળ અને લોકપ્રિય તંત્રી બની રહ્યા. આ મીણ જેવા હૃદયના માણસે કવિતા, નવલકથા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર સર્જન કર્યું. એમની ઉત્તમ કવિતાનો સંચય ‘હયાતી’ એમણે પોતે જ ચૂંટેલી રચનાઓનો સંગ્રહ છે. ‘ચાલ, વરસાદની મોસમ છે’માં એમની સમગ્ર કવિતા સચવાયેલી છે. ‘અગનપંખી’, ‘પળનાં પ્રતિબિંબ’, ‘અનાગત’, ‘સુખ નામનો પ્રદેશ’, ‘ગાંધીની કાવડ’ અને ‘માધવ ક્યાંય નથી’ એમની જાણીતી નવલકથાઓ છે. ‘નીરવ સંવાદ’ અને ‘શબ્દ ભીતર સુધી’ નિબંધ સંચયોનું ગદ્ય આસ્વાદ્ય છે. ‘મધુવન’, ‘કવિતા’, ‘મડિયાનું મનોરાજ્ય’ જેવાં એમનાં સંપાદનો ધ્યાનપાત્ર છે. ‘કવિ અને કવિતા’માં કાવ્યાસ્વાદો છે. કુલ છપ્પન ગ્રંથોના સર્જક હરીન્દ્ર હૃદયથી તો કવિ જ રહ્યા છે. એમનામાંનો કવિ નવલકથા-નિબંધ-લેખોમાંય વર્તાઈ આવે છે. હરીન્દ્ર મુખ્યત્ત્વે પ્રેમની પીડાના કવિ છે. પ્રિયજન અને ઈશપ્રાપ્તિની ઝંખા કવિતામાં ‘પ્રેમપદારથ’ની ખેવના બનીને પ્રગટે છે. એમની બે નવલો: ‘અનાગત’ અને ‘પળનાં પ્રતિબિંબ’ આ ભૂમિકાએ ઉત્તમ છે. લોભી દુનિયા તો સંગ્રહીને રાજી રહે છે, પણ પ્રિયજન તો ન્યોછાવર કરીને ન્યાલ થઈ જવા ઝંખે છે. એટલે કૃષ્ણની ગોપી હરીન્દ્રની કવિતામાં આવીને બોલે છે: ‘શિર પર ગોરસ-મટુકી/મારી વાટ ન કેમે ખૂટી/ અબ લગ કંકર એક ન લાગ્યો/ગયાં ભાગ્ય મુજ ફૂટી કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં…’ આજે આપણે હરીન્દ્ર દવેને એમની જન્મતારીખની આસપાસ ખાસ યાદ કરીએ છીએ: ‘કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં/ જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ… એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં…’ માંડ પાંસઠ વર્ષનું, પ્રવૃત્તિમય આયુષ્ય ભોગવીને, હરીન્દ્ર દવેએ તા. 29-3-1995માં પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ⬛manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...