આપણી વાત:કોઈ જીતે, કોઈ હારે, આપણે નાચતાં-ગાતાં રહેવું

વર્ષા પાઠક4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિંદગી ટૂંકી નથી, બહુ લાંબી છે, તો મોજથી ચાલતાં રહેવું

આપણે ત્યાં ચૂંટણીનાં પરિણામ જાહેર થાય ત્યારે વિજેતા પક્ષ અને ઉમેદવારની ઓફિસની બહાર જે ઉત્સવનો માહોલ જામે એ જોવા જેવો હોય. ઢોલનગારાં સંગે લોકો નાચે, ગુલાલ ઉડાડે, એકબીજાને મીઠાઈ ખવડાવે. પોતાના ઘરના પ્રસંગે પણ કદાચ એમણે આટલો ઉત્સાહ નહીં દાખવ્યો હોય અને જોવાનું એ કે એમાંથી મોટાભાગનાં લોકોને આ પરિણામથી કોઈ ફાયદો ન થવાનો હોય. જેમની જીત માટે આ જશ્ન ચાલી રહ્યો હોય એ નેતા તરફથી પાંચ રૂપિયાની ચા પણ મફતમાં ન મળવાની હોય. બીજા દિવસથી મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા પ્રશ્નો પાછા ઊભા જ રહેવાના હોય, અને જેમને જીતાડ્યા એમના તો પછી દર્શન દુર્લભ થઇ જવાના હોય. પણ આ બધુંયે એક દિવસ પૂરતું ભૂલાઈ જાય. બસ, ‘આપણા કેન્ડિડેટ જીતી ગયા’ એનો નિર્દોષ આનંદ હોય. આ દૃશ્ય જોઈને ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ જેવી ટીકા-ટીખળ કરતાં લોકોને સાંભળ્યાં છે, પણ સાચું કહું, મને તો આવા દીવાના ગમે. પોતાની કે અંગતજનની શાદીમાં તો સહુ નાચે, પણ પારકાની શાદીમાં, વગર નિમંત્રણે પહોંચી જઈને જે નાચે, એ ખરા આનંદી જીવ. અને એ બધાંને સાચા દિલથી અભિનંદન. આજે સાંજે ઘરની બહાર કોઈ ઉદ્દેશ્ય વિના આંટો મારવા નીકળી તો હમણાં તાજી તાજી ઓળખાણ થઇ છે, એવા એક મલયાલી ભાઈ મળી ગયા. એમણે કહ્યું, ‘કોન્ગ્રેચ્યુલેશન્સ’. મને સમજાયું નહીં કે આ કઈ વાતના અભિનંદન મળી રહ્યા હતા. પણ પછી એમણે જ કારણ જણાવી દીધું કે ‘તમારી બીજેપી જીતી ગઈ ને?’ હવે હું તો મુંબઈમાં જન્મી છું, અને મતદાર તરીકે ત્યાં જ મારું નામ નોંધાયું છે. ગુજરાત અને ગુજરાતનાં લોકો ભલે મને બહુ ગમતાં હોય પણ ગુજરાતની ચૂંટણી સાથે મારે કોઈ લેવાદેવા નથી. પરંતુ કોઈ કારણસર છેલ્લા લગભગ દોઢ મહિનામાં, અહીં કેરળની અંદર જેટલાં પણ લોકો મળ્યાં છે, એમાં અડધાથી વધુ લોકોએ માની લીધું છે કે હું ગુજરાતી છું એટલે ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટેકેદાર છું અને મોદી એટલે ભાજપ, ભાજપ એટલે મોદી. મતલબ, ગુજરાતમાં મોદીજીની જીત થઇ એટલે મને અભિનંદન આપવા જોઈએ. સરસ મજાની સાંજે દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો. અને એ ભાઈએ મને હસતા મોંઢે અભિનંદન જ આપેલા, ગાળ નહીં. એટલે મેં સહર્ષ સ્વીકારી લીધા. સારી વસ્તુ મળતી હોય તો શું કામ ના પાડવી? અરે, ઘણીવાર તો બહુ સારી ન લાગે તોયે શું કામ દલીલ કે ઝઘડો કરવો? દાખલા તરીકે ફેસબુક પર મારી કોઈ પોસ્ટ વાંચીને કંઈ સમજ્યા વિના રોષે ભરાયેલાં અમુક લોકો રીતસર ગાળાગાળી પર ઉતરી આવે છે, પણ મારા પર ખાસ અસર નથી થતી. મને ત્યારે એટલો જ વિચાર આવે કે ચાલો, ભાઇને વાંચતા તો આવડે છે, અને મારી કોલમ પણ વાંચે છે. ભણે ગુજરાત, વાંચે ગુજરાત. આજે વાંચે છે તો આવતીકાલે સમજતા પણ થશે. અહીં એક આડવાત કરી લઉં. મને ગાળાગાળી કરતાં ઘણાં લોકોને મારી ઉંમર અને સફેદ થઇ ગયેલા વાળમાં બહુ રસ પડે છે. એટલે માજી, ડોસીમા જેવાં સંબોધનો કરે છે. થોડા સમય પહેલાં ફેસબુક પર એક ભાઈએ એવી શિખામણ આપી કે આ ઉંમરે ઘરમાં બેસીને છોકરાના છોકરાં રમાડવાનાં હોય. મતલબ મારે લખવાનું, કામ કરવાનું છોડી દેવું જોઈએ. વાંચીને મને જોકે હસવું આવ્યું, અને પછી એમના પરિવારની સ્ત્રીઓની દયા આવી. એ બિચારી પણ આ માણસના આવા જ એટિટ્યૂડનો ભોગ બનતી હશે ને. વળી, એ માણસને એટલુંયે નહીં સમજાતું હોય કે મને મારા સફેદ વાળની ચિંતા કે શરમ આવતી હોત તો હેરકલર કરતા કોણ રોકવાનું હતું? ઉંમર છુપાવવાનું કારણ તો મને ક્યારેય મળ્યું નથી. હું પથ્થર નહીં, વૃક્ષ છું, જે વધ્યા જ કરે, જેના પર અનુભવ, નવી નવી સમજણનાં પાંદડાં ફૂટ્યાં જ કરે. એ બંધ થાય ત્યારે મરી જઈશ, પણ ત્યાં સુધી લખીશ અને મૂડ આવે ત્યારે પેલા અબ્દુલ્લાની જેમ બેગાની શાદીમાં પણ ગાવા-નાચવાનું ચાલુ રાખીશ.⬛ viji59@msn.com

અન્ય સમાચારો પણ છે...