અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન વિશેની આ વાત છે. ગુલામી પ્રથાના વિરોધી અને પ્રખર માનવતાવાદી લિંકનનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું. પરિવારની હાડમારીભરી જિંદગીમાં બાળક અબ્રાહમને પણ કામ કરવું પડતું, જેને કારણે તેઓ માત્ર લખતા-વાંચતા શીખી શકાય એટલો જ અભ્યાસ કરી શક્યા. તેઓ નવ વરસના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થઈ ગયું. વાંચનના શોખને કારણે 19 વર્ષની વય સુધીમાં તેમણે ઘણાં પુસ્તકો વાંચી કાઢ્યા હતા. ઇલિનોઈસ રાજ્યના નીચલા ગૃહમાં ચૂંટાઈને તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. દરમિયાન અસરકારક વકતૃત્વ અને લેખનશક્તિ વિકસાવવા અંગ્રેજી ભાષાનો અને પછી કાયદાનો અભ્યાસ કર્યો. ગુલામી-પ્રથાની નાબૂદી માટેની તેમની મથામણથી રિપબ્લિકન પક્ષનો ઉદય થયો. 1860ની પ્રમુખીય ચૂંટણીમાં લિંકન વિજેતા નીવડ્યા. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર બાદ સેનેટ સમક્ષ તેમણે પોતાનું પહેલું પ્રમુખકીય ભાષણ આપવાનું હતું. એ હજુ તો ભાષણ આપવા માટે પોતાનું સ્થાન લે તે પહેલાં વચ્ચેની હરોળમાંથી એક સેનેટર ઊભો થયો. એણે કહ્યું, ‘શ્રીમાન પ્રેસિડેન્ટ, તમને એ યાદ છે કે તમારા પિતા મારા પરિવાર માટે જોડાં સીવતા હતા?’ બિલકુલ સ્વસ્થતાથી એમણે પેલા પ્રશ્ન પૂછનારને જવાબ આપ્યો, ‘હા શ્રીમાન, મને બરાબર યાદ છે. મારા પિતાશ્રી પગરખાં સીવતા નહોતા પણ એક કલાકાર જે માવજતથી એનું સર્જન કરે એ માવજતથી એ પોતાનું ઉત્પાદન બનાવતા હતા અને એ કારણે એમણે સિવેલાં બૂટની માંગ અને ચાહકવર્ગ બહુ મોટો હશે. મારા પિતાશ્રી સર્જક હતા. એમણે બનાવેલ બૂટ માત્ર બૂટ નહોતાં, એ પોતાના આ ઉત્પાદનમાં પોતાનો જીવ રેડતા. મારે આપને પૂછવું છે કે એમણે સિવેલાં બૂટ બાબતે આપને કોઈ ફરિયાદ છે? કારણ કે હું પણ બૂટ બનાવવાનું જાણું છું, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે અત્યાર સુધીમાં કોઈએ પણ મારા પિતાશ્રીએ સિવેલાં જોડાં અંગે ફરિયાદ કરી નથી. એ માણસ જિનિયસ હતો, એક મહાન સર્જક હતો અને મને મારા બાપ માટે અભિમાન છે.’ જ્યારે અબ્રાહમ લિંકન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે એમના પિતા મોચી હતા. આ કારણથી ઘણાં લોકોને એક મોચીનો દીકરો અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બને તે અપમાનજનક લાગ્યું હતું–ગમ્યું નહોતું અને એટલે જ શરૂઆતમાં જણાવ્યું તેમ પહેલે જ દિવસે અબ્રાહમ લિંકન જ્યારે સેનેટમાં પ્રવચન આપવા માટે દાખલ થયા ત્યારે એમાંના એક પૈસાદાર વ્યક્તિએ તેમના માટે આ કોમેન્ટ કરી. એણે કહ્યું, ‘મિસ્ટર લિંકન, યૂ શૂડ નોટ ફોરગેટ ધેટ યોર ફાધર યૂઝ ટૂ મેક શૂઝ ફોર માય ફેમિલી.’ આ વાહિયાત વાત સાંભળીને આખી સેનેટ ખડખડાટ હસી પડી હતી. એમને કદાચ એવું લાગ્યું હશે કે એમનામાંના એકે અબ્રાહમ લિંકનને મૂર્ખ બનાવ્યા છે, પણ કેટલાંક લોકો તદ્દન જુદી ધાતુમાંથી જ બનેલા હોય છે અને એટલે આ પ્રકારના હુમલાથી ડઘાઈ ન જતા અબ્રાહમ લિંકને સેનેટને એવો તો જવાબ આપ્યો કે બધાં મૂંગામંતર બની ગયાં. તેઓ ન સમજી શક્યાં કે આ અબ્રાહમ લિંકન કઈ જાતનો માણસ હતો. તમે કોણ છો એ અગત્યનું નથી, તમે શું કરો છો એ તો એનાથી પણ ઓછું અગત્યનું છે. જે તમને બધાંથી જુદા પાડે છે એ તમે એ કામ કઈ રીતે કરો છો, એમાં પોતાનો જીવ રેડી દો છો કે નહીં, તમારી પોતાની દૃષ્ટિથી અને એ કામ માટેના પ્રેમથી દોરાઈને જો તમે એ કામ કરશો તો જેને તમે સ્પર્શ કરશો એ સોનું બની જશે. વિન્સ્ટન ચર્ચીલે પણ કાંઈક આ જ મતલબનું કહ્યું હતું કે મને રેલવે પ્લેટફોર્મની સફાઈ કરવાનું કામ સોંપો તો પણ હું એટલી લગનથી અને જીવ રેડીને એ કામ કરીશ કે એ પ્લેટફોર્મ દુનિયાનું સૌથી સ્વચ્છ અને સુંદર પ્લેટફોર્મ બને. આપણે આના પરથી બોધ લઈ શકીએ કે તમારી સંમતિ વગર કોઈપણ વ્યક્તિ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકતી નથી. આપણી સાથે જે ઘટના ઘટે છે તે આપણને ઠેસ નથી પહોંચાડતી પણ આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ તે જરૂર દુ:ખી કરે છે, ઠેસ પહોંચાડે છે. વહાણ એની ચોતરફ રહેલાં પાણીથી નથી ડૂબતું પણ એનામાં પાણી ઘૂસી જાય છે એને કારણે એ ડૂબે છે. તમારી જાત સાથે આ ઘટના ન બને તે જોજો. આત્મબળ કેળવો અને મજાથી રહો. જ્યાં સુધી તમે હાર સ્વીકારતા નથી ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને કશું જ કરી શકતી નથી.⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.