અગોચર પડછાયા:ના હું ભૂત છું, ના તું ભૂત છે, તો ભૂત છે કોણ?

જગદીશ મેકવાન15 દિવસ પહેલા
  • કૉપી લિંક

એબસસ્ટોપ વિશે એવી વાતો ફેલાયેલી હતી કે રાત્રે બાર વાગ્યા પછી ત્યાં ભૂતનો ઓછાયો હોય છે. રાત્રે બાર વાગ્યા પછી એ બસસ્ટોપ પર કોઈ ઊભું રહેતું નહીં. પણ, આજની રાત અલગ હતી. એક વાગ્યો હતો. મુસ્કાન એ જ બસસ્ટોપ ઉપર ઊભી હતી. એણે ટૂંકી ટી-શર્ટ અને જીન્સની ટૂંકી ચડ્ડી પહેરી હતી. રાતનું એકાંત અને માદક જણાતી મુસ્કાન. કોઈ પણ ગુંડા-મવાલીને ઉશ્કેરી મૂકે એવું ડેડલી કોમ્બિનેશન હતું. એ સમયે ઓચિંતા ત્રણ ટપોરીઓ પ્રગટ થયા. એક ટપોરીએ બૂમ પાડી, ‘હું તારી પાસે આવું?’ જવાબમાં મુસ્કાને કરડાકીભરી નજરે એની સામે જોયું. એ જ સમયે સામેથી બાઈક પર રાજ ધસી આવ્યો. એણે પેલા ટપોરીઓ સામે આંખો કાઢી. રાજના ચહેરા પર જે ખૂન્નસ હતું, એ જોઈને ટપોરીઓ બી ગયા કે બીજા ગમે તે કારણસર એ લોકો અંધારા તરફ સરકી ગયા. રાજે પોતાની બાઈક મુસ્કાન તરફ વાળી. મુસ્કાન અણગમા સાથે બોલી, ‘તમે ના ઊભા રહ્યા હોત તો પણ હું પહોંચી વળત.’ ‘આટલી મોડી રાત્રે, આવા સૂમસામ સ્થળે એકલી છોકરીએ ઊભું રહેવું સલામત ના ગણાય. તમે જાણતા નથી કે આ બસસ્ટોપ પર રાત્રે...’ ‘ભૂત પરચા બતાવે છે.’ મુસ્કાને રાજની વાત કાપી નાખતા કહ્યું, ‘હું જ એ ભૂત છું.’ ‘આટલું સુંદર ભૂત?’ રાજ હસી પડ્યો અને બોલ્યો, ‘ચલો તમારે જ્યાં જવું હોય ત્યાં છોડી દઉં.’ ‘હું હાઈવે પરની એક હોટલમાં રોકાયેલી, પણ હવે મારી પાસે એનું ભાડું ચૂકવવાના પૈસા નથી. એટલે મારે એ હોટલ છોડવી પડી. બોલો આજની રાત તમારે મને કોઈ હોટલમાં લઈ જવી છે?’ મુસ્કાને કાતિલ સ્મિત સાથે પ્રશ્ન કર્યો. જવાબમાં રાજ આશ્ચર્યથી એને તાકી રહ્યો. એટલે મુસ્કાન પડકાર ફેંકતી હોય એમ બોલી, ‘શું થયું? નીકળી ગઈ હવા? બીજાને મદદ કરવાનો શોખ પૂરો થઈ ગયો?’ ‘ચલો મારી સાથે.’ ‘હેં?’ ‘ચલો મારી સાથે.’ મુસ્કાનની આંખમાં આંખ મિલાવીને રાજ બીજી વાર બોલ્યો અને મુસ્કાન રાજની પાછળ બાઈક પર ગોઠવાઈ ગઈ. રાજે બાઈક મારી મૂકી. પંદર-વીસ મિનિટ પછી તો બંને જણ એક હોટલના રૂમમાં હતાં અને અડધા કલાક પછી તો બંને જણ પથારીમાં હાંફી રહ્યાં હતાં. મુસ્કાન બોલી, ‘એક અજાણી છોકરીને આ રીતે હોટલમાં લઈ જતાં તને બીક નથી લાગતી?’ ‘એમાં શું બીવાનું?’ ‘મેં તને કહ્યું કે હું ભૂત છું, તો પણ તને બીક નથી લાગતી?’ મુસ્કાને સવાલ કર્યો. જવાબમાં રાજના ચહેરા પર સ્મિત પ્રગટ્યું. એટલે મુસ્કાન છંછેડાઈ. અચાનક જ એ રાજની છાતી ઉપર ચડી બેઠી અને એણે ધૂણવાનું ચાલુ કર્યું. અને ધૂણતા ધૂણતા ઘોઘરા અવાજે બોલી, ‘તને ખાતરી નથી થતી?’ જવાબમાં રાજના ચહેરા પર હજી પણ એ જ સ્મિત રમી રહ્યું હતું. એટલે ભોંઠી પડીને મુસ્કાન રાજની છાતી પરથી ઊતરી ગઈ અને બોલી, ‘તને તો મારી સહેજ પણ બીક નથી લાગતી ને? આ મારો ધંધો છે. હું સમયાંતરે એ સ્થળે ઊભી રહું છું અને પુરુષોને લલચાવીને એમને હોટલમાં લઈ જઈને આ રીતે બીવડાવું છું. એ લોકો બીને બેભાન થઈ જાય છે અથવા કપડાં પહેર્યાં વગર જ રૂમમાંથી ભાગી છૂટે છે અને હું એ લોકોનાં પર્સ, મોબાઈલ...વગેરે લઈને રફુચક્કર થઈ જાઉં છું. અત્યાર સુધી મારો એક પણ દાવ ખાલી ગયો નથી. તું પહેલો જ એવો છે કે જેને મારાથી બીક ના લાગી. તને બીક કેમ ના લાગી?’ ‘કેમ કે હું ભૂત છું.’ ઘોઘરા સ્વરે બેવડ વળી જઈને રાજે જવાબ આપ્યો. મુસ્કાનના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. બીકથી એ ફિક્કી પડી ગઈ, પણ અચાનક જ રાજ ખડખડાટ હસતો હસતો પાછો સીધો થઈ ગયો અને બોલ્યો, ‘કેવી બી ગઈ! દર વખતે બીજાને બીવડાવે છે ને? આ વખતે તું જાતે જ બી ગઈ.’ ‘તો તું ભૂત નથી?’ ભોંઠી પડતાં મુસ્કાને સવાલ કર્યો. ‘ના.’ ‘કમાલ છે. બધાં જ કહે છે કે એ બસસ્ટોપ પર ભૂત હોય છે. ના હું ભૂત છું. ના તું ભૂત છે. તો ભૂત છે કોણ?’ ‘અમે લોકો.’ ત્રણ ઈંચની જગ્યાવાળા બારીના સળિયામાંથી વાયુની જેમ અંદર પ્રવેશેલા ત્રણેય ટપોરીઓમાંનો એક ટપોરી બોલ્યો. એમને આ રીતે અંદર પ્રવેશેલા જોઈને રાજ અને મુસ્કાન ભડક્યા. રાજ બોલી ઊઠયો, ‘તમે આ સળિયા વચ્ચેની જગ્યામાંથી અંદર કઈ રીતે આવ્યા?’ ‘ભૂત ગમે ત્યાં આવ-જા કરી શકે. વર્ષો પહેલાં અમને ત્રણેય જણને પોલીસે એક એન્કાઉન્ટરમાં એ બસસ્ટોપ પર જ મારી નાખેલા. ત્યારથી અમારો આત્મા ત્યાં ભટક્યા કરે છે. રાત્રે બાર વાગ્યા પછી એ બસસ્ટોપ પર ઊભા રહેનારને અમે અમારો પરચો બતાવીએ છીએ, પણ તમે બંને તો ભારે હિંમતવાળા નીકળ્યા. એમાં પણ આ છોકરાએ તો અમને બોલાવ્યા.’ ‘મેં ક્યારે બોલાવ્યા?’ બીકને કારણે થોથવાઈ રહેલો રાજ મહાપ્રયાસે બોલ્યો. ‘કેમ? તું જ તો ત્યાંથી નીકળતી વખતે બે વાર બોલ્યો હતો કે ‘ચલો મારી સાથે.’ તો અમે તારી સાથે અહીં આવી ગયા અને તમારા બંનેનું ભૂતવાળું નાટક પણ જોયું. હવે અમે તમને બતાવીશું કે અસલી ભૂત કોને કહેવાય.’ *** બીજે દિવસે, સરળતાથી ઓળખી ના શકાય એવી હાલતમાં, રાજ અને મુસ્કાનની ચીમળાઈ ગયેલી લાશો એ બસસ્ટોપ પર પડી હતી. બંનેનાં શરીરમાંથી હાડ-માંસ ગાયબ હતાં અને શહેરમાં માત્ર એક જ વાતની ચર્ચા હતી કે બસસ્ટોપવાળા ભૂતે ફરી એક વાર પોતાનો પરચો બતાવ્યો. ⬛makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...