શબ્દના મલકમાં:‘નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ : બ. ક. ઠાકોર

મણિલાલ હ. પટેલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કવિ વાસ્તવની ભોંય પર ઊભા રહીને આપણને સુખ-દુ:ખ અને જીવનની ગતિ સમજાવે છે

ગુજરાતી કવિતામાં પ્રથમ સોનેટ કાવ્ય- ‘ભણકારા’ (1886) લઈ આવનારા કવિ બ. ક. ઠાકોરનો જન્મ 23-10-1869માં વતન ભરૂચ ખાતે થયો હતો. બ. ક. ઠા. તરીકે ઓળખાતા રહેલા આ પ્રખર વિદ્વાન વિવેચક અને ઉત્તમ સોનેટ કાવ્યો આપનારા ઊર્મિ અને વિચારપ્રધાન કવિતાના હિમાયતી કવિનું નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર હતું. વિદ્વાનોમાં-મિત્રોમાં ને સમકાલીન સર્જકોમાં એ ‘બલ્લુકાકા’ હતા. એમનાં માતા જમનાબહેન! વિશા બ્રહ્મક્ષત્રિય સમાજમાં ઘડતર પામેલા બ. ક. ઠા. જ્ઞાની અને તેજસ્વી યુગપુરુષ હતા. ભરુચમાં પ્રાથમિક શિક્ષણ લીધું પછી પિતાની નોકરી હતી ત્યાં રાજકોટ કાઠિયાવાડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક થઈને શામળદાસ કોલેજ ભાવનગરમાં દાખલ થયા હતા. ત્યાં ગાંધીજી એમના સહાધ્યાયી હતા. શામળદાસ કોલેજ છોડીને મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં ગયેલા. ત્યાંથી પૂનાની ડેક્કન કોલેજમાં ભણીને 1889માં અર્થશાસ્ત્ર અને ઈતિહાસ સાથે બી. એ. થયા. અંગ્રેજીમાં પ્રથમ આવેલા. એમ. એ.નો અભ્યાસ પડતો મૂકી ડેક્કન કોલેજ- પૂનાની ફેલોશિપ છોડીને કરાંચીની સીંધ કોલેજમાં પ્રોફેસર થયા હતા. ત્યાંથી અજમેરની સરકારી કોલેજમાં જોડાયા. પાછા 1903થી રાજકોટની રાજકુમાર કોલેજમાં દસ વર્ષ રહ્યા. થોડો સમય કાઠિયાવાડ એજન્સીમાં કેળવણી ખાતાના વડા બન્યા. ત્યાંથી પાછા ડેક્કન કોલેજ પૂનામાં નિમણૂક પામ્યા ને 1927 સુધી પૂના રહેલા. નિવૃત્તિનો પ્રથમ દસકો વડોદરામાં ગાળીને 1938થી અંતકાળ સુધી મુંબઈમાં રહ્યા હતા. ગુજરાતીમાં કાવ્યવિચાર કરનારા પંડિત યુગના કવિ-વિવેચકોમા એ વધારે આગ્રહી અને નવું વિચારનારા પંડિત કહેવાયેલા! પોતાના કાવ્યવિચારને અનુરૂપ કાવ્યોના નમૂના આપનાર કવિ બ. ક. ઠા.નો કાવ્યવિચાર સમજવા માટે એમણે સૂચવેલી વિભાવના, સરળ કરીને લખીએ તો- 1. કવિતામાં ઊર્મિ અનિવાર્ય છે, પણ વિચારનુંય એટલું જ મહત્ત્વ છે. વિચારપ્રધાન કવિતા જીવનના સંઘર્ષો તથા મર્મોને દર્શાવે છે ને આવી દર્શનકેન્દ્રી કવિતા ચિરંજીવી હોય છે. 2. કવિતા માટે પ્રેરણા- સહજ સ્ફૂરણા જરૂરી છે, પણ અનુભવો, વાચન, શાસ્ત્રજ્ઞાન વિના સર્જન કદીય ઉત્તમ નથી બનતું. પરંપરાઓ જાણવી-જીવવી પડે. 3. શબ્દાળુતા, હવાઈ ભાવનાઓ, પોચટ ઊર્મિલતા કવિતામાં નહીં ચાલે! છંદ-લય-અલંકાર-કલ્પના વ્યાપારનું સાયુજ્ય કવિએ રચવું પડે. 4. સંગીત કાવ્ય નહીં- અર્થ માધુર્યનું કાવ્ય હોય. અગેય પૃથ્વી છંદ, અર્થાનુસારી યતિ વગેરેથી ચિરકાલીન અને દીર્ઘ કવિતા રચી શકાય! } ‘કવિતા શિક્ષણ’, ‘લિરિક’, ‘નવી કવિતા વિશે વ્યાખ્યાનો’ અને ‘આપણી કાવ્ય સમૃદ્ધિ’ એમની વિવેચના અને સર્ગશક્તિનો પર્યાપ્ત પરિચય કરાવે છે. } ‘ભણકારા- ગ્રંથમાળા’ 1-2-3માં એમની મોટા ભાગની કવિતા સંચિત છે. ‘મ્હારાં સોનેટ’માં અનેક વિષયો પરનાં સોનેટ કાવ્યો છે. પ્રેમ, પ્રકૃતિ, વાર્ધક્ય અને કવિતા વિશેનાં એમનાં સોનેટોમાં શુષ્કતા અને વિચારભાર મર્યાદા બને છે. જોકે, ‘પ્રેમનો દિવસ’માં ઉત્તમ કવિતા મળે છે. દાંપત્ય પ્રેમનાં બેનમૂન સોનેટો બ. ક. ઠા.નું યાદગાર અર્પણ છે. ‘આરોહણ’ જેવા દીર્ઘ કાવ્યમાં ચિંતન કદીક આસ્વાદ્ય કક્ષાએ પહોંચ્યું પણ છે. પ્રકૃતિનો જાદુ અને કાવ્ય-પ્રસવની ક્ષણને વર્ણવતું સોનેટ ‘ભણકારા’ આપણું પ્રથમ સોનેટ કાવ્ય છે. એની ચાર પંક્તિઓ માણીએ: ‘આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે, વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે…’ ‘નર્મદા નદી, ચાંદની રાત… ને હોડીમાં કાવ્યનાયક : કાંઠાનાં ધુમસમાં ઝાંખાં વૃક્ષો : જાણે સ્વપ્નવિહાર! આછાં મલકાતાં હાલતાં મોજાં પર નાવ ધીમે ધીમે ડોલતી ચાલે છે…’ મંદાક્રાન્તા છંદનો જાદુ બ. ક. ઠા.નાં આ ત્રણ સોનેટોમાં માણવા જેવો છે: 1. ‘પ્રેમની ઉષા’, 2. ‘જૂનું પિયેરઘર’, 3. ‘વધામણી! પૃથ્વી બ. ક. ઠા.નો પ્રિય છંદ- અગેય અને વિચાર મૂકવાનું માધ્યમ! એ છંદમાં રચાયેલું ‘મોગરો’ સોનેટ પેઢીઓએ માણ્યું છે. ‘વધામણી’માં પ્રસૂતિ માટે પિયેર આવેલી નાયિકા પતિને પુત્રજન્મની વધામણી આપે છે. દાંપત્યપ્રેમનું બેનમૂન સોનેટ ખૂબ પ્રસિદ્ધ છે: ‘વ્હાલા મારા નિશદિન હવે થયા ઝંખા તમારી, આવો, આપો પરિચિત પ્રતીતિ બધી ચિત્તહારી! મીઠી વાતો: પ્રણયી નયનો અમૃતાલાપ લાવો…’ પ્રણયજીવન એટલે દાંપત્ય! કવિ વાસ્તવની ભોંય પર ઊભા રહીને આપણને સુખ-દુ:ખ અને જીવનની ગતિ સમજાવે છે. વ્યક્તિકેન્દ્રી, વૃદ્ધાવસ્થા અને કવિતા શિક્ષણ વિશેનાં સોનેટમાં શુષ્કતા છે, પણ વિચાર પ્રાણવાન છે. ‘નિશાનચૂક માફ : નહીં માફ નીચું નિશાન’ જેવું પંક્તિસૂક્ત આપનાર આ પીઢ કવિ-વિવેચકનું મુંબઈ ખાતે 1952માં બીજી જાન્યુઆરીએ અવસાન થયું હતું! ⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...