ક્રાઈમ ઝોન:છ મર્ડરથી નવા વર્ષે છવાયું માતમ

પ્રફુલ શાહ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટરનેટ, મોબાઈલ અને વિડીયોગેમ્સના આધિપત્ય સાથે આપણેય કૌટુંબિક-માનવીય સંવેદનાથી વિખૂટાં પડી રહ્યાં છીએ. આ કિસ્સો એલાર્મ છે, જાગવા માટે

રોન્ડા ગુલેટને નવા વર્ષની ઉજવણીમાં રસ નથી. ક્રિસમસનો ઉત્સાહ નથી, 1992થી. આ માટે જવાબદાર છે એક ટીનએજર ચોકડી. 19 વર્ષના માર્વેલસ કેની, એની 16 વર્ષની ગર્લફ્રેન્ડ લોરા ટેલર તથા 17 વર્ષના ડીમાર્ક્સ સ્મિથ અને તેની 20 વર્ષની ગર્લફ્રેન્ડ હીથર મેથ્યુસની ટીમે એકદમ હટકે ક્રિસમસ સેલિબ્રેશન પ્લાન કર્યું કે આખી દુનિયાનું મગજ બહેર મારી જાય: ઓએમજી, આવું સેલિબ્રેશન? અમેરિકાના ઓહિયો સ્ટેટના ડેન્ટન શહેરમાં આ ચારેય જણાને રસ્તા પરનું કૂતરુંય ન ઓળખે, પણ વણઓળખના દિવસો પૂરા થવાના હતા. લોરા ટેલરે મમરો મૂક્યો, ‘ચાલો યાર, લાઈફમાં કંઈક ડ્રામા લાવીએ?’ ને રોમાંચ-નાટ્યાત્મકતા લાવવાની વિચારણા શરૂ થઈ. સંમતિ બાદ આવ્યો અમલનો સમય. 24મી ડિસેબરે લોરા અને માર્વેલસે એક જણને લૂંટવાનું નક્કી કર્યું. શિકારને લલચાવવા સામુહિક મોજમસ્તી યાની મલ્ટિપાર્ટનર સેક્સ ગેમનું ગાજર ધર્યું. એમની જાળમાં ફસાયો 34 વર્ષનો જોસેફ વિલ્કરસન્સ. જોસેફના બેડરૂમમાં પ્રવેશતા અગાઉ ચારેય જણાએ ખાંખાંખોળા કરીને મૂલ્યવાન ચીજો ભેગી કરી લીધી. આમાં પોઈન્ટ થર્ટી ટૂ-કેલિબરની ગન મળી. આ ગનથી કેનીએ શિકારની છાતીમાં ગોળી ધરબી દીધી. ટેલરે એના માથા પર પોઈન્ટ ટ્વેન્ટીફાઈવ કેલિબરની ગન મૂકીને ટ્રીગર દબાવી દીધું. જોસેફે ઘર ખેદાનમેદાન કરી દીધું પછી એની કાર ચોરીને આ લોકો નીકળી પડ્યાં. આ રોબરી-મર્ડરનો રોમાંચ નશો બની ગયો, યે દિલ માંગે મોર. એમની નજર પબ્લિક ફોનમાં વાત કરતી 18 વર્ષની ડેનિટા ગુલેટ પર પડી. બે વર્ષના બચ્ચાની આ ટીનએજ મમ્મીને ન કોઈ ઓળખે કે ન કોઈ દુશ્મની. એના ટેનિસ શૂઝ ગમી ગયા એટલે ટેલિફોન બૂથ બહાર ધડાધડ પાંચ ગોળી ઝીંકી દીધી. શૂઝ, કોટ અને માત્ર 40 સેન્ટ આંચકીને ચારેય નીકળી પડ્યાં. ફરી જોસેફ વિલ્કરસન્સના ઘરે ગયાં અને રાતવાસો કર્યો, પરંતુ એ અગાઉ હીથર મેથ્યુસના એક્સ બોયફ્રેન્ડ જેફ્રી રાઈટનો જીવ લેવાનો પ્રયાસ કર્યો. ખુદ સ્મિથે જ જેફ્રીના બંને પગમાં ચાર ગોળી મારી, પણ પડોશીના ઘરમાં ઘૂસી જવાથી એ બચી ગયો. ક્યા યહી પ્યાર હૈ? ક્રિસમસના રોજ ટેલરે પણ પોતાના એક્સ બોયફ્રેન્ડ રીચમોંડ મેડિક્સને મીઠી મીઠી વાતોમાં ભોળવ્યો. રીચમોંડની કારમાં ટેલર બેઠી, તો કેની, સ્મિથ અને મેથ્યુસ એમને અનુસરવા માંડ્યાં. પીછો થતો હોવાની મેડિક્સને શંકા ગઈ, ત્યાં જ ટેલર એના લમણામાં ગોળી મારીને ચાલતી કારે કૂદી પડી. કાર અથડાઈને ઊભી રહી ગઈ અને માથામાં ગોળીની ઈજાએ મેડિક્સનો જીવ લીધો. ક્રિસમસની ગિફ્ટ તરીકે સારાહ અબ્રાહમને દીકરીએ દોરેલું મસ્ત પેઈન્ટિંગ મળ્યું. આ એના જીવનની છેલ્લી ભેટ. આગલા દિવસે એટલે કે 26મીએ એ મિની માર્કેટના કાઉન્ટર પર હતી. ટેલર ઓર્ડર નોંધાવવાના નામે આવી. એની પાછળ સ્મિથ અને કેની આવ્યાં. એકાએક કેનીએ કોઈ જાતની ઉશ્કેરણી કે સંવાદ વગર સારાહના માથામાં બે ગોળી ધરબી દીધી. સ્ટોરમાં એક માણસે આ હત્યા જોઈ તો એના પેટમાં ગોળી મારી, પણ સદભાગ્યે એ જીવી ગયો. કમનસીબ સારાહને પાંચ દિવસની પીડા બાદ મુક્તિ મળી કાયમ માટે. હા, કિલર ગેંગને બદલામાં સ્ટોરમાંથી 44 ડોલર લૂંટમાં મળ્યા. ચારેય જણા ડેન્ટનમાં બિન્દાસ રખડતાં હતાં. સ્માર્ટ હોવાથી પોલીસથી બચવા માટે ચોરેલી કારની નંબર પ્લેટ બદલતાં રહેતાં. પોતાની સાથે એકાદ લૂંટ-મર્ડરમાં જોડાયેલા કે સાક્ષી તરીકે ભારે પડી શકે એવો વિચાર આવ્યો. એ સાથે 16 વર્ષના વેન્ડી કોટરીલ અને 18 વર્ષના માર્વિન વોશિંગ્ટનના ક્રૂરતાથી ઢીમ ઢાળી દેવાયાં. ક્રિસમસ હોરરમાં નિર્દોષ શિકારની સંખ્યા છ થઈ. પોતાની મોટરના ટાયરમાં હવા ભરાવતી મહિલા સાતમો શિકાર થતાં બચી ગઈ. સદ્્ભાગ્યે પોતાની કાર ગન પોઈન્ટ પર આંચકી લેવાઈ ત્યારે સામનો કે દલીલ કરવાને બદલે એ ભાગી ગઈ. આવી હિંસક ગેંગના સનસનાટીભર્યા હત્યાકાંડ બાદ ક્લાઈમેક્સ સોલિડ હોવો જોઈએ કે નહીં, પણ એવું ન થયું. ડેન્ટન પોલીસના સાર્જન્ટ જ્હોન હુબરને એક શંકાસ્પદ વાહન દેખાયું. એ સમયે ચારેય કારની અંદર જ. હુબેરે નંબરપ્લેટ જોઈ. પોતાની રીતે કારની બ્રાન્ડ, મોડલ અને નંબર ચેક કર્યાં, પણ કંઈ મેળ ખાતો દેખાયો નહીં. તેણે તરત જ વાયરલેસ પર ચારે બાજુથી વધુ પોલીસવાળાને બોલાવી લીધા. ડીમાર્ક્સ સ્મિથ બાજુના ઘરમાં ઘૂસી ગયો, પણ બાકીના ત્રણેયે જરાય પ્રતિકાર વગર પોલીસની શરણાગતિ સ્વીકારી લીધી. આ હુબરને પછીથી ખબર પડી કે પોતાને મારી નાખવા માટે ટેલરે કેનીને ઓર્ડર આપ્યો હતો, પણ એનો અમલ થઈ શક્યો નહોતો. હકીકતમાં મર્ડરની કોઈ પેટર્ન કે મોડસ ઓપરેન્ડી નહોતી. બધું આડેધડ થતું હતું, એટલે પોલીસને નવશીખીયા કાતિલોને પકડવામાં વાર લાગી ને વધુ જીવ ગયા. ગેંગલીડર માર્વેલસ કેનીને 2009ની 21મી જુલાઈએ ઝેરી ઈન્જેક્શનથી મૃત્યુદંડ અપાયો ત્યારે તેની પાસે બોલવા માટે એક શબ્દ નહોતો.‘ક્રિસમસ હોરર’ અને જોય કિલિંગ’ તરીકે જાણીતા આ કેસથી ઘણાંનાં જીવન બદલી નાખનારા ટેલર, મેથ્યુસ અને સ્મિથને આજીવન કારાવાસની સજા થઈ. કોઈ જાતના વાંક વગર માર્યા ગયેલ છ માણસોના સ્વજનો માટે ક્રિસમસ અને ન્યૂ યર આશા, ઉત્સાહ અને અજવાળાં નહીં, પણ ઉદાસી, વેદના અને આંસુ લઈને આવે છે. આવા લબરમૂછિયા હજી તો જીવનમાંની કોઈ કસોટીનો સામનો કર્યા વગર કે સંઘર્ષનું મોં સુદ્ધાં જોયાં વગર કંટાળી જાય છે. લાઈફમાં ડ્રામા, રોમાંચ કે આનંદ માટે બેગુનાહ માનવીઓને મારી નાખવા સુધી પહોંચી જાય એ સમાજ અને કુટુંબ વ્યવસ્થા માટે શું કહેવું? આને છૂટોછવાયો કે અમેરિકાનો કિસ્સો ગણવાથી નહીં ચાલે. ભારત નામચીન છે અમેરિકા સહિતના પરિવારની નકલ માટે. ઈન્ટરનેટ, મોબાઈલ અને વિડીયોગેમ્સના આધિપત્ય સાથે આપણેય કૌટુંબિક-માનવીય સંવેદનાથી વિખૂટાં પડી રહ્યાં છીએ. આ કિસ્સો એલાર્મ છે, જાગવું હોય તો. { praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...