તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયના હસ્તાક્ષર:પરિણામોના પડછાયે નવા રાજકીય ખેલ શરૂ તો થયા, પણ.....

3 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ભાજપ બંગાળની ચૂંટણી વ્યૂહરચના સાથે લડી રહ્યો હતો. સત્તા મેળવવી એ પ્રાથમિકતા હતી

પ્રશ્નાર્થ એટલા માટે કે આવું અનુમાન કે ભવિષ્ય તદ્દન ચોક્કસ હોતા નથી. શક્યતાઓ બંને બાજુ છે અને તેનો છેવટનો આધાર સમાજ, સરકાર, રાજકીય પક્ષો પર રહેશે. પાંચ રાજયોની ચૂંટણી તો પતી ગઈ. દરેક રાજકીય પક્ષો તેનો હિસાબ કરે, ત્યારે ખોયા-પાયાની ગણતરી કરે તે સ્વાભાવિક છે. સૌથી અધિક કરૂણ સ્થિતિ કોંગ્રેસની અને પછી ડાબેરી પક્ષોની રહી. કેરળમાં કોંગ્રેસ તેના મોરચાની સાથે જીતીને સરકાર બનાવે તેવો પૂરો પ્રયત્ન કોંગ્રેસે કર્યો. રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા, અગાઉ શ્રીમતી ઇન્દિરા ગાંધી 1977ની કારમી હાર પછી ચિકમંગલૂરથી ઉમેદવાર બનીને જીત્યાં હતાં, પરંતુ રાહુલ કોંગ્રેસને વિધાનસભામાં યારી અપાવી શક્યા નહીં, તેનાથી વિપરીત કેટલીક બેઠકો ગુમાવી. હવે તેનો ઉહાપોહ શરૂ થઈ ગયો. 2016માં એલ.ડી.એફ.ને 47 બેઠકો મળી હતી. કેરળમાં ‘વારાફરતી વારો’ ચાલ્યા કરે છે, પણ બંગાળમાં તેના મોરચામાં સભ્ય ડાબેરીઓ કેરળમાં તેમની સામે હતા અને જીતી ગયા. જોકે એલ.ડી.એફના નેતા અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાબેતા મુજબ કહ્યું કે યુ.ડી.એફ અને ભાજપની વચ્ચે સાંઠગાંઠ હતી. કોણે કોના મત તોડ્યા કે જોડ્યા એ પરિણામ પછીની કસરત છે. તામિલનાડુમાં તો આજકાલ મીડિયા પર તેની જ ચર્ચા ચાલી છે. આમ તો ડી.એમ.કે અને એ.આઈ.એ.ડી.એમ.કે. બંનેના મળીને 85 ટકા મત થાય છે, તો પછી બાકીના 15 ટકા કોણે ખેરવ્યા? એક પણ બેઠક મેળવ્યા વિના આ નાનકડા પક્ષોએ પોતાનો ખેલ બતાવ્યો. આમાં એક તો કમલ હાસનનો પક્ષ મક્કાઈ નીધિ મૈયમ (એમ.આઈ.એમ) સૌથી આગળ રહ્યો. આ ‘લોકપ્રિય’ અભિનેતાને આશા હતી કે પોતે એટલી બેઠકો તો જરૂર મેળવશે, જે સત્તા પર આવનારા કોઈ પણ પક્ષની સાથે સમજૂતી કરીને સરકાર બનાવશે, પણ પ્રજાએ તો તેને જ એક સામાન્ય ગૃહિણી સામે હરાવી દીધો. એક બીજો પક્ષ છે અમ્મા મક્કાઈ મુન્નેત્ર કઝગમ. તેનો નેતા ટી.ટી.વી. દિનકરમ છે. બીજું કશું નહીં તોયે 20 જેટલી બેઠકોમાં તે એ.આઈ.એ.ડી.એમ.કે.ને અવરોધરૂપ બનીને હરાવી શકી. બીજા આવા પક્ષોમાં નામ તમિલિયર કાતચીએ પણ આવું કર્યું. પરંતુ કોંગ્રેસ અધિક સ્તબ્ધ છે. કોંગ્રેસનાં સાંસદ હિબી એડનના શબ્દોમાં ‘નિદ્રાધીન અધ્યક્ષ’ ક્યાં સુધી? એવો સવાલ જાહેરમાં આવ્યો. 93 બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારો હતા અને માંડ 21 બેઠકો પ્રાપ્ત થઈ. કેટલાકે સંગઠનમાં રાજીનામાં આપ્યા. પરદેશની નેતાગીરી તદ્દન નિષ્ફળ ગઈ તેવા આરોપ થવા માંડ્યા છે. જે જીત્યા છે તેમણે પણ કહ્યું કે અમારામાં ઘણી ગરબડો છે. જૂથવાદ પણ કારણરૂપ છે. પુદુચેરી જેવા નાનકડા પ્રદેશમાં પણ પરાજય થયો અને ભાજપનું ઊંટ તંબુમાં પ્રવેશી ગયું છે તે રાજકીય ચિંતાની સૌથી મોટી બાબત છે એમ કેરળના કોંગ્રેસ નેતાઓનું કહેવું છે. ભાજપે પૂર્વોત્તરમાં આસામ સરકાર બનાવી તે સામાન્ય ઘટના નથી. ઈશાન ભારતમાં આસામ સ્વતંત્રતા પૂર્વેથી સમસ્યાગ્રસ્ત રહ્યો. ભાગલા સમયે તેનો મોટો ભાગ પૂર્વ પાકિસ્તાનમાં રહે તેવા પ્રયત્નો હતા, તેને ગોપીનાથ બારડોલોઈ જેવા વરિષ્ઠ નેતાએ ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝની સાથે મંત્રણા કરીને 1940થી પરિસ્થિતિને સંભાળી લીધી તેવું પછીથી ન થયું. સર સાદુલ્લાની સરકાર તો નવા વસવાટ કરનારાઓ માટે તારણહાર બની ગઈ. વિભાજન પછી આ રાજકારણ તુષ્ટિકરણમાં બદલાયું એટલે 1980માં પ્રચંડ આસામ આંદોલન શરૂ થયું અને થોડા સમય માટે એ.જી.પી.ના યુવા નેતાઓની સરકાર પણ બની. આજે ભાજપ તેની રાષ્ટ્રવાદી નેતાગીરી સાથે બીજી વાર સરકાર બનાવી રહી છે. આ મહત્ત્વની રાજકીય અને રાષ્ટ્રીય ઘટના છે. હેમંત બિશવા અને સર્વાનંદ સોનોવાલ બંનેની જુગલબંધીએ મતદાનના ચમત્કારનું નિર્માણ કર્યું. 126 બેઠકોની વિધાનસભામાં 75 બેઠકો ભાજપે મેળવી. કોંગ્રેસનો મોરચો 50 બેઠકો મેળવી શક્યો, પરંતુ મુસ્લિમ સંગઠનને સાથે રાખ્યું તેનો વિપરીત પ્રભાવ સર્વત્ર પડ્યો. બંગાળમાં તૃણમૂલની જીત તદ્દન આકસ્મિક નથી. કોંગ્રેસ અને ડાબેરીઓ સ્પષ્ટ હતા કે હવે ડાબેરી મોરચો કે કોંગ્રેસ-ડાબેરી ગઠબંધન સરકાર બનાવી શકે તેવી કોઈ સ્થિતિ નથી, પણ તેમને આવી કલ્પના નહોતી કે નામમાત્રની બેઠક પણ નહીં મળે. જેમ કેરલ, પુદુચેરી અને આસામમાં તેવી જ હાલત બંગાળમાં થઈ એટલે કેન્દ્રીય નેતાગીરીની સામે અસ્તિત્વનો સવાલ રહેશે. અત્યારે કોરોનાનો મુદ્દો તેવા સુરક્ષાત્મક બચાવ માટે ઉપયોગી બન્યો છે. ભાજપ બંગાળની ચૂંટણી વિક્લ્પની વ્યૂહરચના સાથે લડી રહ્યો હતો. સત્તા મેળવવી એ પ્રાથમિકતા હતી, એ શક્ય ન બને તો એટલી બેઠકો તો જરૂર લાવવી, જે ભૂતકાળમાં 1952થી આજ સુધીમાં મળી ન હોય. બીજા વિક્લ્પને તેણે પાર પાડ્યો અને તૃણમૂલની સરકાર બની. હવે તે પક્ષનો મોટો ઇરાદો બધા સાધનો અજમાવીને ભાજપને બંગાળમાં કોઇ રીતે ફાવી શકે નહીં તેવી સ્થિતિ સર્જવાનો છે. પરિણામ પછીનો હિંસાચાર એવો સંકેત આપે છે. આ ગજગ્રાહ લાંબો ચાલશે અને તેનો વિસ્તાર કેન્દ્રની રાજનીતિ સુધી લઈ જવા, ભૂતકાળમાં સત્તા ભોગવી ચૂકેલા અને ફરી વાર તેવી ઈચ્છા ધરાવનારા પ્રાદેશિક પક્ષોના નેતાઓ થનગની રહ્યા છે. સ્ટેલીન અને મમતા તેમાં મોખરે છે અને બીજી પંક્તિ તૈયાર છે. કોંગ્રેસ સાથે કે કોંગ્રેસ વિનાનો મોરચો સૌના મનમાં છે, પણ તેવી શક્યતાઓ મોટો પ્રશ્નાર્થ છે. {vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...