હવામાં ગોળીબાર:ધનતેરસનાં નવાં ધન!

મન્નુ શેખચલ્લી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આરવિવારે ધનતેરસ છે. ગુજરાતીઓને ધન ખૂબ જ પ્રિય છે. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવા માટે અગાઉ તો આપણે ચાંદીના સિક્કા સાથે સો-સો રૂપિયાની કડકડતી નોટોને ચાંલ્લા કરતા હતા, પણ હવે બધું ડિજિટલ થઈ ગયું! આજે આપણે કોઈને પૂછવું પડે કે ભઈ, મોબાઈલમાં ‘પેમેન્ટ એપ’ ખોલીને એની ઉપર ચાંલ્લા કરીએ તો ચાલે? ડિજિટલ યુગને કારણે ધનનાં સ્વરૂપો પણ બદલાઈ ગયાં છે. અગાઉ તો આપણે બે જ જાતનાં ધન જાણતા હતા. સફેદ-ધન અને કાળું-ધન! (ઓ ભાઈ! 15 લાખવાળું ‘સ્વીસ-ધન’નું નામ કોણે લીધું? અરે, જપો ને ભૈશાબ?) છતાં જોવા જાવ તો આજના જમાનામાં આપણી પાસે નવી નવી જાતનાં ધન છે… રિ-ચાર્જ ધન શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ પણ કદાચ જોવા નથી મળતો એવા આ ધનની સૌથી વધુ કિંમત આજકાલની છોકરીઓને છે! આધુનિક ભાષામાં જેને ‘ગર્લ-ફ્રેન્ડ’ કહેવામાં આવે છે તેવી યુવતીઓ અમુક વાર તો માત્ર રિચાર્જ-ધનમાં કદી ‘ઓટ’ કે ‘ખોટ’ ના વર્તાય એ માટે થઈને ડઝનથી વધુ બોય-ફ્રેન્ડો રાખે છે. નવા રિવાજ મુજબ ફ્રેન્ડશીપને ફ્રેન્ડશીપનું BF નામનું ‘સ્ટેટસ’ પણ ત્યારે જ મળે છે જ્યારે બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને રિ-ચાર્જ કરાવી આપવાની વિધિને પોતાનો અધિકાર માનતો થઈ જાય છે. જોકે, એક કરતાં વધુ બોયફ્રેન્ડો જ્યારે ગર્લફ્રેન્ડનાં રિ-ચાર્જ કરવાના અધિકારને પોતાનો ‘એકાધિકાર’ માનવા લાગે છે ત્યારે વિવિધ પ્રકારના ઝઘડા અને બ્રેક-અપ થતા હોય છે. છતાં ‘બ્રેક-અપ’ પછીના ‘પેચ-અપ’ના તબક્કામાં પણ આ રિ-ચાર્જ ધન જ પહેલી પ્રોપર વિધિ માનવામાં આવે છે. કેશ-બેક ધન ડિજિટલ ધનના નવા પ્રકારોમાં આ એક અનોખો ધન પ્રકાર છે. અહીં ‘કુછ પાને કે લિયે કુછ દેના પડતા હૈ’ના નિયમ મુજબ કેશ-બેક ધન પ્રાપ્ત કરવા માટે પહેલાં તો ધન આપવું જ પડે છે. છતાં ‘આપેલું કદી એળે જતું નથી’ એવી જૂનવાણી માન્યતા મુજબ તમે આપેલા ડિજિટલ ધનમાંથી કંઈક તો પાછું મળે છે. જોવાની વાત એ છે કે આ રોકડ રકમ નથી, એ ખણખણતી અને કડકડતી રકમ પણ નથી, છતાં એને ‘કેશ’-બેક કહેવામાં આવે છે! ગુજરાતીઓ ભલે રૂપિયા-પૈસાની ગણત્રીમાં ગમે એટલા પાકા હોય, પણ આખા વરસ દરમિયાન 5000 રૂપિયાનું કેશ-બેક મેળવવા માટે 50,000 રૂપિયાનું ડિજિટલ ધન ખરચવું જ પડે છે તેવું હજી ઘણાનાં મગજમાં બેઠું નથી. અહીં એક ખાસ અમદાવાદી સ્પષ્ટતા કરવાની કે ‘પસંદ ના પડે તો પૈસા પાછા’ની ઓફરને કેશ-બેક ના કહેવાય! એને તો ‘ગુડ્ઝ રિટર્ન પોલિસી’ જેવું કંઈક કહે છે… ભૈશાબ, ખરેખર તો ‘બેડ્ઝ’ રિટર્ન પોલિસી, એવું નામ હોવું જોઈએ ને? ધોવાણ-ધન આ મુખ્યત્વે શેરબજારનું ‘આભાસી’ ધન છે! તમે અવાર-નવાર છાપાંઓમાં વાંચ્યું હશે કે શેરબજારમાં કડાકો બોલી જતાં રોકાણકારોના 11 લાખ (કે 21 લાખ) કરોડનું ‘ધોવાણ’ થઈ ગયું. નવાઈની વાત એ છે કે જ્યારે ધોવાણ પામેલું ધન તેજીમાં પાછું રોકાણકારો પાસે આવે છે ત્યારે ‘સુકાણ’, ‘મેળવાણ’ કે ‘ચઢાણ’ ધન તરીકે ઓળખાતું નથી. એવા સમયે મોટે ભાગે દેશના અબજોપતિઓની સંપત્તિમાં કેટલો વધારો થઈ ગયો અને કોને ‘પછાડીને’ કોણ આગળ નીકળી ગયું એવી જ વાતો છપાતી રહે છે. ભક્ત-ધન અંગ્રેજીમાં કહીએ તો એને ‘ફોલોઅર્સ’ કહેવામાં આવે છે. મોદી સાહેબથી લઈને મલાઈકા અરોરા જેવી હસ્તીઓ પાસે આ ધન હોય છે. એમાં જ્યારે ‘ફેક-ધન’ નીકળે અને ભક્તજનોમાં રાતોરાત ઘટાડો થઈ જાય ત્યારે શેરબજારની ભાષામાં કહીએ તો ‘ધોવાણ’ થવાથી ‘અફરાતફરી’ મચી જાય છે. ગોર-ધન બસ, આ જ એક સાચું ધન છે, આજની ભારતીય નારીઓનું! પતિ છે, તો Paytm છે!⬛ mannu41955@gmail.com

અન્ય સમાચારો પણ છે...