સમયના હસ્તાક્ષર:‘નયા કાશ્મીર’ :કોણ સાથે? કોણ સામે?

4 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • સ્વતંત્ર અને લોકશાહી દેશના સંવિધાનમાં તેની પ્રજાની મહત્ત્વાકાંક્ષા અને સમજદારીનું પ્રતિબિંબ પડે છે

કાશ્મીરમાં લગભગ રાજકીય વિસ્થાપન ભોગવતા નેતાઓને બોલાવીને વડાપ્રધાને આગામી દિવસોમાં ‘નયા કાશ્મીર’ના નિર્માણમાં સહયોગી થવાની અપીલ કરી છે. સીમાંકન પછી રાજ્યની ચૂંટણી પણ આવશે. આ નેતાઓને એવો ભય છે કે સીમાંકનને લીધે કાશ્મીરમાં હવે મુખ્યમંત્રી કે સરકાર બનવાની તક નહીં મળે! આ સંદર્ભે 370મી કલમ સહિતનાં તથ્યો જાણવા જેવાં છે. 1950માં સ્વતંત્ર ભારતનું રાજ્ય બંધારણ ઘડાયું ત્યારથી તેમાં અનેક સુધારા-વધારા થતા રહ્યા છે. આપણી બંધારણની ઘણી જોગવાઈઓએ તડકી-છાંયડીનો અનુભવ કર્યો છે. કેટલીક વાર તો મૂળભૂત અધિકારો પણ કસોટીએ ચડ્યા!  ‘ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્ટ્સ એક્ટ-1947’ પસાર થયો, જેમાં 500 જેટલી ભારતીય રિયાસતોને ભારત યા પાકિસ્તાન સાથે વિલયનો અધિકાર આપવામાં આવ્યો.  28 મે, 1947 : સરદાર પટેલે નિવેદન કર્યું કે, કાશ્મીર તેની પરંપરા, સંસ્કૃતિ ને ઈતિહાસની દૃષ્ટિએ ભારત સાથે વિલીન થાય એ યોગ્ય છે.  22 ઓક્ટોબર, 1947 : પાકિસ્તાને કાશ્મીરમાં આક્રમણ શરૂ કર્યું.  26 ઓક્ટોબર, 1947 : નવી દિલ્હીમાં ભારત સાથેનું જોડાણ મહારાજા તેમજ શેખ અબ્દુલ્લાની ઉપસ્થિતિમાં થયું.  એપ્રિલ, 1952 : શેખ અબ્દુલ્લાની માગણી : ભારતીય બંધારણ કાશ્મીરમાં લાગુ પાડી શકાય નહીં.  ભારતીય બંધારણમાં ધારા 370ના ‘અસ્થાયી અસ્તિત્વ’થી કાશ્મીરને સંતોષ નથી. બીજી ઘોષણા ઓગસ્ટ, 11, 1952.  2 નવેમ્બર, 1947 : પં. નહેરુની ઘોષણા : કાશ્મીરનો છેલ્લો નિર્ણય તેની પ્રજા કરશે.  14 જુલાઈ, 1952 : ‘કાશ્મીર-દિલ્હી કરાર’ બંધારણીય આદેશ-1954ને છેલ્લો સ્પર્શ અપાયો, જેને ‘વિશેષ દરજ્જા’ની સવલત કહેવામાં આવી.  આ વિગતો દર્શાવે છે કે, બંધારણની ધારા 370 એ કંઈ ભારત પર કાયમ માટે લાગુ પડાયેલી બંધારણીય જોગવાઈ નહોતી. 17 ઓક્ટોબર, 1947ના રોજ ભારતની કોન્સ્ટિટ્યૂટ એસેમ્બલીએ આ કલમ સ્વીકારી હતી, ત્યારે તેમાં પ્રયોજાયેલા શબ્દો હતા ‘ટેમ્પરરી એન્ડ ટ્રાન્સિસ્નલ પ્રોવિઝન’ તો પછી આ ‘વિશેષ’ જોગવાઈ ક્યાંથી ટપકી પડી? એ તો છેક 1962માં 13મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયેલો શબ્દ છે. આ ‘ખાસ જોગવાઈ’ શાને માટે? તેનાં તર્કોનો કોઈ પાર નથી. બી. એન. મલિકે ‘કાશ્મીર : માય યર્સ વિથ નહેરુ’ પુસ્તકમાં લખ્યું છે કે, કાશ્મીર મુસલમાનો ભારતની વિશાળતામાં ખોવાઈ ન જાય અને પોતાનાં હિત જળવાઈ રહે તેમ ઈચ્છતાં હતાં. પરિણામ એ આવ્યું કે કાશ્મીરની અલગ બંધારણીય જોગવાઈ સમક્ષ નાગરિકના મૂળભૂત અધિકાર તેમજ નાગરિકતા સુદ્ધાનો ભોગ આપવા ભારત સરકાર તૈયાર થઈ ગઈ. કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાએ આવી વિશેષ જોગવાઈ હેઠળ ખતરનાક કામ એ કર્યું કે ભારતનાં ચૂંટણીપંચ અને સુપ્રીમકોર્ટની સત્તાઓને કાશ્મીર બહારની કરી દીધી. શેખ અબ્દુલ્લાના પક્ષે કાશ્મીરમાં મોટી હેરાફેરીથી ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો, પણ આપણું ચૂંટણીપંચ કશું કરી શક્યું નહોતું. શેખની મુરાદ કેવી હતી તેનું એક ઉદાહરણ જુઓ. 1968માં ન્યાયમૂર્તિ ગજેન્દ્ર ગડકરની આગેવાની હેઠળ એક અહેવાલ ‘રિપોર્ટ ઓફ ધ જમ્મુ એન્ડ કાશ્મીર ઓફ ઈન્કવાયરી’ નામે બહાર પડેલો છે, તેમાં એક રસપ્રદ ઘટના છે. આ કમિશનને જાણવા મળ્યું કે કાશ્મીરમાં આવેલા લદાખના રહેવાસીઓએ સૂચવ્યું કે ‘જો જમ્મુ અને કાશ્મીર રાજ્ય’ એમ કહેવાતું હોય તો તેમાં ‘જમ્મુ કાશ્મીર અને લદાખ’ એવું નામકરણ કેમ ન થાય? એવું થાય તો અમારી બૌદ્ધોની પણ પહેચાન ટકી રહે. શેખ અબ્દુલ્લાએ એમ કરવાની ભારપૂર્વક ના પાડી દીધી હતી. હવે ‘નાગરિકતા’ની જોગવાઈ તપાસો. આ પ્રદેશમાં એક ‘પરમેનન્ટ રેસિડન્ટ્સ’નો અમલ ચાલે છે. અર્થાત્ નાગરિકતા હેઠળ બીજી નાગરિકતા! કાયમી નિવાસના ઓઠા હેઠળ અહીં માત્ર અલગતાવાદ અને પાંચમી કતારિયા પ્રવૃત્તિને જ આશરો અપાયો છે. 1965માં ભારત-પાક. યુદ્ધ વખતે જે હરિજનો નિર્વાસિત થઈને કાશ્મીરમાં રહ્યાં તેમને પણ કાયમી રહેઠાણ નાગરિકતા વગેરેનો અધિકાર અપાયો નહોતો એ કેવી વિડંબના ગણાય? અને આ કાયમી નાગરિક નક્કી કરે કાશ્મીર સરકાર. તે નાગરિકતા રદ પણ કરી શકે છે. આનો અર્થ એ પણ ખરો કે આઝાદ કાશ્મીરમાંથી ઘૂસણખોરો કાશ્મીરમાં પ્રવેશે અને તેની સરકારને એમ લાગે કે એમને કાયમી નાગરિક બનાવી શકાય તો તે એમ કરી શકે! આ જોગવાઈમાં પણ પક્ષપાત છે. મુસલમાન હિજરતીઓને તો પરમેનન્ટ રેસિડન્સની સગવડ મળે છે, પણ હિંદુ કે શીખ હિજરતીને નહીં! શા માટે હિંદુ-શીખને પરમેનન્ટ રેસિડન્સની જોગવાઈ ન મળી શકે તેનો જવાબ ખુદ શેખ અબ્દુલ્લાએ 1960માં આપ્યો હતો કે, એમ કરાય તો કાશ્મીરમાં મુસલમાનોની વસ્તી પર અસર પડે. મૂળભૂત અધિકારોમાં પણ કાશ્મીરમાં જમીનદારી નાબૂદી અને જમીન સુધારાના ઓઠા હેઠળ શરૂઆતથી કેટલાંય આમુખત્યારી પગલાં લેવાયાં છે. બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોની અવહેલના થઈ છે. ભારતીય સંસદના કાર્યક્ષેત્રને ટુંકાવાયું છે. કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં ભારતના કોઈ પણ પ્રદેશ કરતાં કાશ્મીર ઘણું પડાવે છે. ઉચ્છુંખલતાથી વર્તે છે. સ્વતંત્ર અને લોકશાહી દેશના સંવિધાનમાં તેની પ્રજાની મહત્ત્વાકાંક્ષા અને સમજદારીનું પ્રતિબિંબ પડે છે. કાશ્મીર સાથે સંબંધિત 370મી કલમની દાસ્તાન સાવ નિરાળી છે, જે કાશ્મીરના રાજકારણથી માંડીને ભારત સાથેના વિલય લગીની બાબતો સુધી દોરી જાય છે. એ તવારીખનો ચહેરો તદ્દન સ્પષ્ટ છે. આપણે ક્યાં, કેવી અને કેટલી ભૂલો કરી હતી અને કરી રહ્યાં છીએ, તેનો જ આ દસ્તાવેજ છે. આ ભૂમિકા એ સીમાંકન નયા કાશ્મીરની દિશા તરફ પ્રયાણ છે.{ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...