અજવાળાનો ઓટોગ્રાફ:સાહિત્યના બાગમાં નવાં ફૂલો ખીલ્યાં છે!

ડૉ. નિમિત્ત ઓઝા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેખન એ બીજું કશું નથી, પણ અંદર રહેલી પ્રચંડ ઊર્જાનું સ્થળાંતર છે

જીજ્ઞેશ અધ્યારુ, જીતેશ દોંગા, અભિષેક અગ્રાવત, કુણાલ ગઢવી, પરખ ભટ્ટ, નિમિતા શેઠ ‘યાશી’, ભગીરથ જોગીઆ, ઈરફાન સાથીયા, બ્રિન્દા ઠક્કર, દૃષ્ટિ સોની અને તાજેતરમાં પોતાનું પહેલું પુસ્તક લઈને કોઈ તાજી હવાની લહેરખીની જેમ આવેલાં જીજ્ઞા પટેલ... આટલાં તો મારી નજરમાં આવેલાં છે. શક્ય છે કે ગુજરાતી ભાષા અને સાહિત્યથી પ્રેરાઈને આવા તો કેટલાય નવયુવાનો હશે, જેઓ ચૂપચાપ પોતાનું શબ્દકર્મ કરી રહ્યા હશે અથવા તો મારી જાણ બહાર રહ્યા હશે. મને ખાતરી છે કે આજ નહીં તો કાલ, તેઓ પણ પોતાનું અજવાળું પાથરશે. હજુ આ યાદીમાં દેવાંગીબહેન ભટ્ટ, એષા દાદાવાળા, રામ મોરી, અજય સોની જેવા પ્રસ્થાપિત લેખકોનો તો ઉલ્લેખ જ નથી થયો. મહત્ત્વની વાત એ છે કે સાહિત્ય એ કોઈનો ઈજારો નથી. ભાષા, ભાવ કે અભિવ્યક્તિ કોઈની મોનોપોલી ન હોઈ શકે. આ તો એક એવું સહિયારું મેદાન છે, જ્યાં ભાવવિશ્વ સાથે નિસબત ધરાવતી દરેક વ્યક્તિનું સ્વાગત છે. પોતાની અનુભૂતિ અને આસપાસનાં જગતને જોવા-સમજવાની અનન્ય દૃષ્ટિથી દરેક પોતાનું યથાશક્તિ યોગદાન કરે છે. આ પ્રક્રિયામાં એ ‘સ્વ’ને તો ઉન્નત કરે જ છે, પણ પોતાનાં શબ્દકર્મ દ્વારા તેઓ જાણ્યે-અજાણ્યે અન્યનો પણ ઉદ્ધાર કરે છે. કાગળ સુધી પહોંચવાની આ મથામણમાંથી લગભગ દરેક જણ પસાર થતું હોય છે. એમાંના કેટલાંક સફળ અને સબળ રીતે પોતાના મનોભાવો વ્યક્ત કરી શકે છે, તો કેટલાંક અન્યની અભિવ્યક્તિ વાંચીને એની સાથે રીલેટ થઈ શકે છે. નવોદિત ગુજરાતી લેખકોનાં પુસ્તકો વેચાય, વંચાય અને વખણાય એનાથી વધારે ધન્ય ઘટના ગુજરાતી ભાષા માટે બીજી કઈ હોઈ શકે! ગુજરાતી ભાષા સાહિત્યની વાત આવે ત્યારે આપણે સિદ્ધહસ્ત, સ્વનામધન્ય, પ્રસ્થાપિત અને લોકપ્રિય લેખકોની વાત તો અવારનવાર કરતા જ હોઈએ છીએ. પરંતુ એ લેખકોમાંથી પ્રેરણા લઈ પોતાનું મૌલિક અને પ્રશંસનીય લેખન-કર્મ કરી રહેલા અનેક પ્રોમિસિંગ લેખકોની વાત પણ કરવી જ જોઈએ. સંપૂર્ણ ખીલી ચૂકેલાં ફૂલોની સુગંધને માણવામાં, ખૂલી રહેલી કળીઓની નોંધ લેવાનું ચૂકી જઈએ આપણે એટલાં બેધ્યાન અને બેદરકાર તો નથી જ. બાગની સુંદરતા વધારવામાં એમનો પણ ફાળો છે. ભલે ને સાવ અલ્પ સમય માટે હોય, સાહિત્યના વિશાળ ફલક પર દૃશ્યમાન થનારો દરેક લેખક પોતાની વિશિષ્ટ પ્રતિભા અને ચમત્કૃતિ લઈને આવે છે. કોઈનું ફિક્શન સારું છે, તો કોઈનું લોજિક. કોઈની લેખનશૈલી અનન્ય છે તો કોઈની રમૂજ. કોઈ પોતાના દબાવેલાં કે સંતાડી રાખેલાં તીવ્ર ઈમોશન્સ લઈને આવે છે, તો કોઈ તૂટેલાં હૈયાં સાથે. કોઈને કાગળ પર માથું મૂકીને ખુલ્લાં મને રડવું છે, તો કોઈને વાર્તાની આડમાં આપવીતી રજૂ કરવી છે, પણ આ દરેકમાં એક વાત કોમન છે, અસ્થાયીપણું. વ્યક્તિમાં રહેલું આ અસ્થાયીપણું જ દરેકને લખાવે છે. ભીતર કંઈક તૂટે છે કે તૂટ્યાં પછી જોડાય છે, ત્યાર બાદ કશુંક લખાય છે. આ જગત પર અવતરેલા દરેક જીવને પોતાની વાત કહેવી છે. અન્ય સજીવો પાસે ફક્ત ભાવ છે. આપણી પાસે ભાવ અને ભાષા બંને છે. એ અખબાર હોય કે પુસ્તક, સોશિયલ મીડિયાની વોલ હોય કે કોઈ સાહિત્યનું મેગેઝિન, લેખક દ્વારા લખાયેલી વાત જ્યારે સામાન્ય માણસને પ્રભાવિત કરે છે ત્યારે એનો શબ્દ પ્રચલિત બને છે. લેખન એ બીજું કશું નથી, પણ અંદર રહેલી પ્રચંડ ઊર્જાનું સ્થળાંતર છે. એ ઊર્જાના ઉપયોગ દ્વારા જ્યારે એક લેખક અન્યનાં જીવન, વિચારો કે દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવે છે, ત્યારે એ પોતાના અસ્તિત્વને સાર્થક કરે છે. લોકોનાં ટૂંકા થઈ રહેલાં એટેન્શન સ્પાન, મનોરંજક રીલ્સ અને વેબ સીરિઝથી છલકાતાં ઓટીટી પ્લેટફોર્મ્સના યુગમાં લોકોને ગુજરાતી ભાષા અને સાહિત્યનાં પુસ્તકો તરફ વાળવાં, તે એક ભગીરથ કાર્ય છે. કોઈ એક કવિ, લેખક કે સાહિત્યકાર એ કામ નહીં કરી શકે. એના માટે વૈવિધ્ય, પ્રતિભા અને વિસ્તરણ જોઈશે. નવા વિચારો, નવી વાર્તાઓ, નવા પ્લોટ, નવી શૈલી અને નવા વિષયો જોઈશે. લેખકોની યુવા બ્રિગેડ આ કામ કરી શકવા માટે સક્ષમ છે, એની મને ખાતરી છે. જો ખરેખર આપણને ભાષા અને સાહિત્યની ચિંતા હોય, તો નવા લેખકો, કવિઓ, કલાકારો અને નાટ્યકારોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આપવું એ એક ગુજરાતી તરીકે આપણી ફરજ છે. શક્ય છે કે મારી કલમ કોઈ પણ ક્ષણે અટકી જાય! કોઈ સવારે એવું બને કે હું કશું લખી જ ન શકું. કદાચ એવું પણ બને કે કોઈ પ્રકાશક કે અખબારના તંત્રી મારા લખાણો રિજેક્ટ કરવા લાગે અથવા વાચકોને જે જોઈએ છે, એવું કશું હું આપી જ ન શકું. કમ્પ્યૂટરના કી-બોર્ડ પર અવિરત ચાલતી આંગળીઓ જો કશુંક અર્થસભર લખી શકતી હોય, તો એ મા સરસ્વતીનાં આશીર્વાદ છે. શક્ય છે તેઓ ક્યારેક મારાથી રીસાઈ જાય, પણ જ્યાં સુધી શબ્દ સાથેનો નાતો અકબંધ છે, ત્યાં સુધી નવા અને પ્રામાણિક શબ્દકર્મીઓને અજવાળતા રહેવા એ મારી જવાબદારી છે. કોઈ વિરાટ પર્વતની ટોચ તરફ ચઢાણ કરતા હોઈએ ત્યારે આપણી પાછળ આવી રહેલા સાથીઓનો હાથ પકડવામાં જે મજા છે, એવો આનંદ શિખર પર પહોંચીને એકલા ઊભા રહેવામાં નથી.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...