આંતરમનના આટાપાટા:મનની શાંતિ ક્યારેય ના ગુમાવશો!

ડૉ. જય નારાયણ વ્યાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખૂબ જ હળવાશમાં સુખી જીવન જીવવા માટેનાં રહસ્યોનો પટારો ખોલવો છે? અને એ માટે પાર્વતીજી અને લક્ષ્મીજીના આ સંવાદને જીવનમાં ઉતારવા જેવો છે. એક ઢળતી બપોરે લક્ષ્મીજીને મળવા માટે પાર્વતીજી વૈકુંઠ પધારે છે. લક્ષ્મીજી એટલે તો અભિમાન. લક્ષ્મીજી એટલે દાખડો. લક્ષ્મીજી એટલે પોતે કાંઈક વિશિષ્ટ પ્રતિભા છે એવી કાયમી સભાનતા, જેમનાં અસ્તિત્વ સાથે જોડાયેલી છે તે દેવી. પાર્વતી એટલે શિવનાં પત્ની. શિવનાં ઘરેણાં એટલે સાપ, ત્રિશૂળ, ગળામાં ખોપરીઓની માળા, જટામાં ગંગાજી વગેરે. શિવ-વિષ્ણુ એટલે સંપત્તિ અને કર્મ પ્રમાણે નિયમન થાય તે જોનાર દેવ. શંકર રાજી થાય અને આસુતોષ રૂપ ધારણ કરે એટલે ભક્તનું કલ્યાણ કરી નાખે. પરિણામ શું આવે એની ચિંતા વગર પોતાના ભક્તને વરદાન આપી દે. આનાં આદર્શ ઉદાહરણો એટલે રાવણ, ભસ્માસુર અને બાણાસુર. પાર્વતીજી પોતાના પતિની જીવન પદ્ધતિ અનુસાર પ્રમાણમાં સાદગીભર્યું જીવન જીવે, પણ પતિવ્રતા એટલે એવાં કે શિવજીની કોઈ પણ પ્રકારની મશ્કરી કે એમને નીચું દેખાડતી વાત પાર્વતીજીના ક્રોધાગ્નિને ભભકાવે. ઘડીભરમાં તો બધું બળીને ભસ્મ થઈ જાય. દક્ષ પ્રજાપિતાના ત્યાં શિવજીનું અપમાન થયું તેનું પરિણામ આપણે જાણીએ છીએ. આવાં પાર્વતીજી એક દિવસ ઢળતી બપોરે લક્ષ્મીજીને મળવા જાય છે. તેઓને પોતાને ત્યાં પધારેલાં જોઈ લક્ષ્મીજીના મગજમાં મશ્કરી સૂઝે છે. મશ્કરી પણ એવી ભયંકર કે શું અંત તરફ દોરી જાય એ કલ્પી ના શકાય. કહ્યું છે કે, રોગનું મૂળ ખાંસી અને ઝઘડાનું મૂળ હાંસી. દ્રૌપદીએ દુર્યોધનની હાંસી ઉડાડી એને ‘આંધળાના આંધળા’ એવું કહ્યું એનું પરિણામ છેક મહાભારતના ભીષણ મહાસંગ્રામ તરફ દોરી ગયું. પાર્વતીજીને આવકારતાં લક્ષ્મીજી પૂછે છે, ‘ભિક્ષુ ક્વાસ્તિ’ અર્થાત્ પેલો ‘ભિખારી ક્યાં છે? પણ આ વખતે પાર્વતીજી કાંઈક જુદા જ મૂડમાં હતાં. એમના ચહેરા ઉપરની એક પણ રેખા ના બદલાઈ અને બિલકુલ એમણે જવાબ આપ્યો. સંવાદ કાંઈક આ પ્રમાણે છે. ‘બર્લેમખે?’ અર્થાત્ ‘વિચારો, બલિરાજાના યજ્ઞમાં ભીખ માગવા કોણ ગયું હતું? ‘વિષ્ણુ!!!’ લક્ષ્મીજી પહેલા જ સંવાદમાં પાછાં પડે છે. પણ હાર્યો જુગારી બમણું રમે એટલે એમણે બીજો પ્રશ્ન પૂછયોઃ ‘પશુપતિઃ?’ ‘અરે! પેલો ઢોરવા ચારવા રાખવાવાળો.’ ‘ગોકુળમાં ગાયો કોણ ચરાવતું હતું?’ જવાબ મળે છેઃ ‘વિષ્ણુના અંશ સ્વરૂપે શ્રીકૃષ્ણ.’ ફરી લક્ષ્મીજી ક્લીન બોલ્ડ!!! જ્યારે માણસ પાસે દલીલો ખૂટે છે ત્યારે ક્રોધ એનો કાબૂ લઈ લે છે. લક્ષ્મીજીએ વળી પાછો સવાલ પૂછયોઃ ‘મુગ્ધે પન્નગ ભૂષણ:?’ ‘અરે ગાંડી! હું તો પેલા સાપોનાં ઘરેણાં પહેરનારની વાત કરું છું.’ પાર્વતીજીનો જવાબ આવ્યોઃ ‘સખી સદા શેતેસ શેષોપરી.’ અર્થાત્, ‘બહેન, આ જેના વિશે તું તપાસ કરવા નીકળી છે, એ તો હંમેશાં શેષનાગ ઉપર સૂઈ રહે છે.’ શેષનાગ પર તો ભગવાન વિષ્ણુ શયન કરે છે!!! આ જવાબે તો લક્ષ્મીજીના મગજમાં મોટો વિસ્ફોટ કર્યો. ગુસ્સાથી તેઓ થરથર કાંપવા લાગ્યાં. હસવામાંથી ખસવું થઈ રહ્યું હતું. પાર્વતીની હાંસી ઉડાડવા માટે જે રમત લક્ષ્મીજીએ શરૂ કરી હતી એ પાછી પડીને તેમનાં જ ગળે ભરાઈ. છેવટે લક્ષ્મીજી કહે છે, ‘બાલે મુન્ચ વિશાદમાશુ.’ અર્થાત્, ‘હે બેન! તું આ ઝેરબેર પીવાવાળાને છોડી દે.’ પાર્વતીજીએ જે જવાબ આપ્યો તે અદ્્ભુત હતો. એમણે કહ્યું, ‘ચપલે નાહં પ્રકૃત્યા તવ.’ અર્થાત્, ‘બહેન, એકને છોડીને બીજે, બીજાને છોડીને ત્રીજે જવાની પ્રકૃતિ તારી છે, મારી નહીં.’ ‘એષઃ શૈલ સૂતા સમુદ્રતનયો, સંભાષણમ્ પાતુવહઃ’ અર્થાત્, ‘પર્વતની પુત્રી એવાં પાર્વતીજી અને સમુદ્રની પુત્રી એવાં લક્ષ્મી વચ્ચે થયેલો આ સંવાદ આપણું રક્ષણ કરો.’ આ શ્લોક બોલવાથી એ રક્ષણ થઈ જાય ખરું? જવાબ છે, ‘ના.’ આ શ્લોકનો આશીર્વાદ તો જ સાચો પડે, જેમ પાર્વતીજીએ ગમે તેટલા ગુસ્સે કરે તેવાં ક્લિષ્ટ વિનોદનું પણ હસતાં હસતાં તમ્મર ચઢી જાય એવા જવાબોથી સ્વાગત કર્યું એટલે કે એવી કોઈ પણ પરિસ્થિતિ આવે કે જ્યાં તમે ગુસ્સે થઈને મગજ ગુમાવી દો ત્યારે શાંતિ રાખી યોગ્ય જવાબથી તમે તમારા પ્રતિસ્પર્ધીની દલીલનું ખંડન કરી શકો છો અને એને પરાસ્ત પણ કરી શકો છો. મનની શાંતિ ક્યારેય ના ગુમાવશો.⬛

અન્ય સમાચારો પણ છે...