તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મનદુરસ્તી:નેગેટિવ મૂડનો ચેપ અને ટીનેજર્સ

ડૉ. પ્રશાંત ભીમાણી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક લાગણી પોતાને કેટલું નુકસાન કરે છે તે એના અર્થઘટન પર આધાર રાખે છે

‘ડોક્ટર, આ પરીક્ષાઓ કેન્સલ થઇ એટલે મારી દીકરી નમસ્વીને જલસા થઇ ગયા, પણ મારી ચિંતા એ છે કે, એનો મૂડ અચાનક ખરાબ થઇ જાય. અમારા ફેમિલી વોટ્સએપ ગ્રૂપનો નિયમ છે કે કોઇ પણ ક્યાંય જાય ત્યારે અને ઘરે આવે ત્યારે મેસેજ કરી દેવાનો એટલે બધાં એકબીજાનાં સતત ટચમાં રહીએ, પણ હમણાંથી મેં જોયું છે કે એ એની ફ્રેન્ડ્સને મળીને આવે પછી વિચિત્ર મૂડમાં હોય છે. અમારાં ઉપર નાની-નાની વાતે છણકા કર્યા કરે, હમણાંથી તો નમસ્વીના રૂમની લાઇટ પણ મોડે સુધી ચાલુ હોય. એક વાર મેં એના રૂમનાં બારણાં પાસે જઇને સાંભળ્યું તો એ ચીસો પાડીને રડતી હતી. ફોનમાં કોઇ સાથે ઝઘડતી હતી. મારી હિંમત ન ચાલી કે એને કંઇ પૂછું, પણ બન્યું એવું કે નમસ્વીએ જાતે મને કહ્યું કે ‘મમ્મી, મારે સાઈકોલોજિકલ હેલ્પની જરૂર છે. તું મારી એપોઇન્ટમેન્ટ લઇ આપ.’ ચિત્રાબહેને નમસ્વીની હાજરીમાં જ મારી સાથે વાત કરી. નમસ્વીની હિસ્ટ્રી લીધા પછી સ્પષ્ટ થયું કે એને કોઇ માનસિક બીમારી તો હતી જ નહીં. એ માત્ર જ્યારે એની ફ્રેન્ડ ઋુજુ અને એના બોયફ્રેન્ડ ક્રિસ જોડે વાત કરે ત્યારે જ ડિસ્ટર્બ થતી. ‘ઇમોશન’ નામની લબ્ધ પ્રતિષ્ઠિત જર્નલમાં એક સંશોધન હાલમાં પ્રગટ થયું છે. યુ.કે.ના 15થી 19 વર્ષની વચ્ચેના 79 જેટલા ક્લાસિકલ મ્યુઝિશિયન્સને આ અભ્યાસ માટે પસંદ કરાયા. એ લોકો 5-7 દિવસની બે પરફોર્મન્સ ટૂર પર સાથે રહ્યા. એમની વાતચીત અને મૂડના સ્તરની તમામ માહિતી ડિટેઇલમાં એકત્ર કરવામાં આવી. સંશોધકોને જાણવા મળ્યું કે પાર્ટિસિપેન્ટ્સનો મૂડ એ જેની સાથે વધારે વખત રહે છે એના જેવો જ જોવા મળે છે, પણ વિશેષ વાત એ હતી કે આ ચેપી-મૂડની અસર પોઝિટિવ કરતાં નેગેટિવ મૂડમાં વધુ જોવા મળી. નકારાત્મક અસરો તરુણોના ઇમોશનલ અનુભવો અને આઇડેન્ટિટી પર લાંબો સમય રહે છે. આવું તારણ ડૉ. બ્લોક અને એમના સાથીઓએ આપ્યું. નમસ્વીનું કાઉન્સેલિંગ થયું. એને પોતાની લાગણીઓને મેનેજ કરતા શીખવાડાયું. નમસ્વી એક્સરસાઇઝ અને યોગથી પોતાના મૂડને જાતે નિયંત્રિત કરતા શીખી. દરેક લાગણી પોતાને કેટલું નુકસાન કરે છે તે એના અર્થઘટન પર આધાર રાખે છે. સાઈકોથેરેપી દરમિયાન નમસ્વી આ ‘ફિલ્ટરિંગ’ અને તટસ્થ નિયંત્રણ શીખી શકી. નમસ્વી માટે નેગેટિવ કંપનીથી દૂર રહેવું અનિવાર્ય હતું. બાકી તો એ સ્વસ્થ જ હતી. વિનિંગ સ્ટ્રોકઃ ‘સંગ તેવો રંગ’ આપણે જાણીએ છીએ, પણ કોનો સંગ કરવો અને કેમ, એની પસંદગી કરવામાં માતા-પિતાએ સંતાનો સાથે મુક્તમને વાતચીત કરવી જોઇએ.⬛ drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...