ઓફબીટ:‘…ને માણસ ની વાત’

અંકિત ત્રિવેદી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આપણે પોતે જ આપણી સાચી કંપની છીએ. બીજો ઉમેરાય છે પછી ભીડ ભેગી થાય છે. સમય મળે ત્યારે પોતાની જોડે એકલતા રહેવાની કલા શીખવા જેવી છે. આવા એકાંતમાં મોબાઈલ ને ટીવી પણ સાથે ન હોવું જોઈએ. આપણે ચૂપ અને આપણા મૌનને સાંભળવાનું! શરીર સંકેત મોકલે એ સંકેતને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો. આપણી સાથે આપણે જ હોઈએ ત્યારે મન અને હૃદય બંનેને સાંભળવાનાં, એ બંને વચ્ચે ઝઘડો છે જ નહીં! આપણે એ બંને વચ્ચે પાડોશી જેવી દીવાલ ઊભી કરી છે. એ દીવાલને તોડી કાઢવા જેવી છે. આપણે એકલા પડીએ છીએ પછી પોતાને જ સહન નથી કરી શકતા! બધું જ મેળવી લીધાં પછી આપણી લાલસાને ધરવ નથી થતો! પહોંચવાની ક્ષણ નિશ્ચિત હોય તો પણ આપણને આપણા રસ્તા ઉપર સંદેહ થાય છે. બીજાની કંપની આપણે કેમ ઝંખીએ છીએ? કારણ કે એની સાથે વાતો કરીને આપણા પાળેલા અહમ્્ને પોરસાવીએ છીએ. આપણે હળવા નથી થતાં ઉલટાનું ઉશ્કેરાઈ જઈએ છીએ અને એનાથી આપણી ટેવોને છાવરીએ છીએ. એક હદ સુધી કંપની સહન કરીએ છીએ પછી આપણે જ કંટાળી જઈએ છીએ. આપણી સહનશક્તિ બહુ જલદી ખૂટી જાય છે. આપણાથી દૂર જવા આપણે બધું જ કરીએ છીએ. લોકોને ભેગાં કરીએ છીએ, કારણ વગર વસ્તુઓ ખરીદીએ છીએ, સતત મોબાઈલ પર ગેમ રમીએ છીએ. આપણે આપણાથી ભાગવા માટે આપણા જ ઘરના ખૂણાઓને જિંદગી માની બેસીએ છીએ. આપણે આપણને જ ખુશ નથી કરી શકતા અને બીજાની આગળ ખુશીનો એકરાર કરીએ છીએ. આપણે ચેનથી જીવી નથી શકતા અને બીજા સામે આભાર માનીએ છીએ કે એમના સાંનિધ્યથી આપણાપણું ખીલે છે. આપણે આપણને પ્રેમ નથી કરતા અને પાર્ટીમાં અંગત – પ્રેમીઓને બોલાવીએ છીએ. આપણું ભટકવું જગ જાહેર છે છતાંય આપણાથી બેખબર છે. આપણી સ્ફૂર્તિ આપણા બાળપણ સાથે ડિસ્ચાર્જ થઈ ગઈ છે. હવે એને વ્યસનોના વળગણમાં ઓગાળીએ છીએ. રજનીશજી માણસોને ભટકેલા ભગવાન કહેતા. કેટલી સાચી વાત છે. આપણામાં અપાર શક્યતાઓ છે. આપણે એકલા હાથે શું ન કરી શકીએ? આપણે આપણને સરખા કરીને, આપણા બિનજરૂરી સ્વભાવમાં કાપકૂપ કરીને સંવારવાના છે. જે આપણામાં મળશે તે બીજે ક્યાંય નહીં મળે. જાગૃતિ વેચાતી મળતી નથી. વ્યસન વેચાતાં મળે છે. વાસના બીજા ઉપર આધારિત હોય છે. જાગૃતિ તો આપણો અસ્સલ માણસ હોવાનો પહેલો અધિકાર છે. આપણી ભીતરના માણસ જોડે સંવાદ કરવામાં અડચણ ન આવવી જોઈએ. અશક્ય કશું જ નથી. સહેલાઈથી મળે છે ત્યારે એના મહત્ત્વમાં ઘટાડો થઈ જાય છે. જે સંઘર્ષમાં મજા છે એ સફળ થયા પછી વાગોળવામાં આવે છે. દુનિયા આખી સફળ છે. સફળતાની વ્યાખ્યા દરેકના ચહેરા પર જુદી-જુદી હોવાની! સફળતા અને એકલતા બહુ નજીકના ઘરમાં રહે છે. એને એકાંતમાં પરિણમતા જાતને શીખવાડવું પડશે. રોજ નવી કૂંપળ ઊગે છે, રોજ નવી સવાર પડે છે, રોજ રોજ આપણને ગમે એવું થતું રહે છે. તો પણ આપણે જૂના કેમ છીએ?⬛ ઑન ધ બીટ્સ ‘બસ એટલું કે એના ઉપર મારો હક નથી, એથી વિશેષ પ્રેમમાં કોઈ ફરક નથી.’ -‘બેફામ’ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...