તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આપણે બોલબોલ કર્યા જ કરીએ છીએ. બીજાને સાંભળતા જ નથી. બીજાને જવા દો આપણને પોતાને પણ સાંભળતા નથી. અંદર એટલો શોરબકોર છે કે આપણો અવાજ દબાઇ ગયો છે. આપણે રોજ ઉંમરને કારણે જુના અને અનુભવને કારણે બદલાયેલા લાગીએ છીએ, બહારનો ઉચાટ ભીતરની અશાંતિને કારણે આવે છે. આપણે બહાર લડીએ છીએ અંદર એટલા જ અંદર તુટી જઇએ છીએ. લડવાનું બંધ કરીને સાંભળવાનું શરૂ કરવું જોઇએ. બધું જ બધાંને આવડે છે. આપણે રોજ વ્યર્થ અને નિરર્થક સાબિતીમાં જીવન પસાર કરીએ છીએ. આપણા મૂળને પાણી રેડવાને બદલે એની ઉપર વહેમનો તાપ નાખીએ છીએ. કુદરત પાસે કશું જ વ્યર્થ નથી. આપણા વધી રહેલાં અને વધીને કાપી નાખવાના નખનો પણ અર્થ છે. અસ્તિત્વમાં કશું જ વધારે પડતું અને વધારાનું નથી. બધું જ માપસરનું અને માફકસરનું છે. આપણે દુનિયામાં સેટ થવાની જગ્યાએ આપણી જોડે સેટ થવાનું છે. જેને ઝંખીએ છીએ એ દુ:ખમાં પરિણમે છે. જે છે એનો આનંદ માણવાનું ચૂકી જવાય છે. આપણે જેવું ઇચ્છીએ છીએ એવી જ દુનિયા બની જાય છે. જે દિવસે મૂડ સારો હોય એ દિવસે સારું લાગે છે, આસપાસનું બધું જ અને જે દિવસે મૂડ બરાબર ન હોય તો બારોબાર પસાર થઇ જતું લાગે છે. અસ્તિત્વનો મૂડ એકસરખો છે. અસ્તિત્વમાં ક્યાંય અવિવેક નથી. કાંટા ફૂલને આપ્યા છે એની પણ શોભા છે. ફૂલ એટલે જ સુંદર લાગે છે કારણ કે કાંટા એની આસપાસ છે. એકલું સુખ દેખાતું જ નથી. એકલું દુ:ખ બીજાને નજરે પડતાં વાર લાગે છે. બધું જ સપ્રમાણ અને સ્નેહમય છે. સૃષ્ટિમાં કાદવ છે એટલે જ કમળ ઊગે છે. સૂર્યનો તાપ દૂર થાય છે ત્યારે આપણા આંગણા સુધી આવતાં તડકો બની જાય છે. બધું જ બદલી નાખવામાં મજા નથી. અસ્તિત્વ સાથે તાલ મિલાવવામાં પણ ખરું સંગીત પ્રગટે છે. અસ્તિત્વ સાથે સેટ થયા પછી આપણી પ્રકૃતિ પણ મહોરે છે. આપણે પણ આપણને ગમવા માંડીએ છીએ. પ્રેમ માત્ર પ્રકૃતિનો પ્રાણવાયુ છે. આપણને પ્રાણવાયુ જોઇએ છે પણ આપણી મરજી મુજબનો. પ્રેમ કરવો છે પણ ટુકડાઓમાં અનુસંધાન સાથે. પ્રકૃતિ ક્યારેય અડધીપડધી નથી ઊગતી. પ્રકૃતિમાં બધું જ સોળે કળાએ ખીલેલું હોય છે. આપણે આપણી પ્રકૃતિમાં ઊંચા આવીએ તો અસ્તિત્વ પ્રકૃતિને માણી-મળી શકીએ ને? ઘરમાં કૂંડા લાવીને આપણો પ્રકૃતિ પ્રેમ જગજાહેર કરીએ છીએ, પણ ક્યારેય જોયું છે કે ફૂલોના હસવામાં આપણા હસવા જેવો જ અવાજ છે. ફુલોની સુગંધમાં પણ આપણા જેવી જ સુગંધ છે. આપણે આપણને નારાજ કરીને દુનિયાને હસાવવા નીકળ્યા છીએ. આપણી જોડે ઓરમાયંુ વર્તન કરીને બીજા આપણી જોડે ઓરમાયંુ વર્તન કરે છે એની ફરિયાદ કરવા નીકળ્યા છીએ. આપણે જન્મ્યા ત્યારે વ્યર્થ નહોતા. આપણે ધીરે ધીરે આપણને જ નકામાં કરતાં ગયા. બીજાને કામ સોંપીને એક ખૂણે બેસી એને સલાહ આપતા ગયા. આપણે જ રમતમાંથી અજાણતાં બહાર નીકળીને કોચીંગ કરવાની શરૂઆત કરવા લાગ્યા. આપણને હાર અને જીત સિવાય પણ રમવાના આનંદનો અહેસાસ ગમવાનો બંધ થઇ ગયો. જિંદગી ગમવા-ગમાડવા માટે છે. આપણે આપણી પ્રકૃતિને હાથ ફેલાવીને ફરીથી જીવતી કરવાની છે. પ્રકૃતિ પાસે હંમેશાં સામર્થ્ય અને સમર્થ બંને છે. આ પ્રકૃતિ એટલે બહારની અને ભીતરની બંને. ⬛ghazalsamrat@gmail.com
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.