દીવાન-એ-ખાસ:રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ બોલિવૂડઃ છેલ્લું હાસ્ય કોનું?

11 દિવસ પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક
  • દર્શકો હવે સ્માર્ટ બની રહ્યા છે. ભારતીય સંસ્કૃતિનું સતત અપમાન કરતા બોલિવૂડિયાઓથી તેઓ હવે કંટાળ્યા છે

હિન્દુઓના જિનોસાઇડ એટલે કે હિન્દુઓની વંશીય કત્લેઆમનું હિંમતપૂર્વક નિરૂપણ ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મમાં થયું છે. કાશ્મીરી પંડિતોની સામુહિક હત્યા અને એમની સ્ત્રીઓ પર બળાત્કાર 30 વર્ષ પહેલાં થયા હતા, પરંતુ એ વિશે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈએ ફિલ્મ બનાવી નહોતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યહૂદીઓ પર જે અત્યાચારો થયા હતા એ વિશે યહૂદીઓ ઉપરાંત બિનયહૂદીઓએ પણ સેંકડો ઉત્તમ ફિલ્મો બનાવી છે. વક્રતા એ છે કે ‘કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ થઈ ત્યારે એને ટેકો આપવાને બદલે ફિલ્મને બદનામ કરવાનો અને ખોટી ઠેરવવાનો ભરપૂર પ્રયત્ન લિબરલો અને સેક્યુલરોએ કર્યો હતો. હિન્દુવાદીઓ, રાષ્ટ્રવાદીઓ કે જમણેરીઓ આ વાત ભૂલ્યા નથી. ‘કાશ્મીર ફાઇલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી સામે બોલિવૂડની કેટલીક ખાસ લોબીએ કેવાં કેવાં કાવતરાં કર્યાં હતાં એ પણ રાષ્ટ્રવાદીઓએ યાદ રાખ્યું છે. હવે બોલિવૂડની એક ખાસ ગેંગ સાથે સંકળાયેલાંઓની ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે રાષ્ટ્રવાદીઓ ખુન્નસથી વળતો પ્રહાર કરી રહ્યા છે. 300–400 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મો આ બહિષ્કારના એલાનને કારણે પિટાઈ જઈ રહી છે. આમિર ખાનની બહુચર્ચિત અને મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ ખૂબ ખરાબ રીતે નિષ્ફળ ગઈ. ફિલ્મ રિલીઝ થઈ એના એક પખવાડિયા પહેલાંથી જ સોશિયલ મીડિયામાં આ ફિલ્મનો બહિષ્કાર કરવાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. દિવસો સુધી ટ્વિટર પર પણ આ માટેનો ટ્રેન્ડ ચાલ્યો હતો. ભૂતકાળમાં આમિર ખાને કેટલીક ફિલ્મોમાં હિન્દુ દેવી-દેવતાઓનાં કરેલાં અપમાન તેમજ ગુજરાત વિરોધી મેઘા પાટકર સાથે નર્મદા બંધ બંધાતો રોકવા માટે એણે કરેલા પ્રયત્નોની જૂની વિડીયો ક્લિપ્સ ફરીથી વાઈરલ કરવામાં આવી. ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં કોઈને ખબર નહોતી કે ‘લાલ સિંહ ચડ્ઢા’માં પણ પાકિસ્તાની આતંકવાદીને સારી વ્યક્તિ બતાવીને ભારતીય લશ્કરના અધિકારીઓને ડફોળ બતાવવામાં આવ્યા છે. આમ છતાં ફિલ્મ પહેલે દિવસથી જ પિટાઈ ગઈ. આમિર ખાને પોતાની ઈજ્જત બચાવવા ઘણી માફી માગી ‘કોન બનેગા કરોડપતિ’ના શૂટિંગ વખતે, વંદે માતરમ્્ના નારા વખતે જ્યારે અમિતાભ બચ્ચન સહિત તમામ લોકોએ સૈનિકોને સલામી આપી હતી ત્યારે આમિર ખાને સલામી નહીં આપીને વધુ એક મૂર્ખતા કરી. આમિર ખાન જ શું કામ. શાહરુખ ખાન, સલમાન ખાન અને અક્ષયકુમાર જેવા એક જમાનાના મોટા સ્ટાર ગણાતા કલાકારોની ફિલ્મો પણ એક પછી એક ફ્લોપ જઈ રહી છે. રણબીર કપૂરની ‘બ્રહ્માસ્ત્ર’ના હાલ પણ કંઈક ઠીકઠાક નથી. આ ફિલ્મના બોયકોટ માટે પણ રાષ્ટ્રવાદીઓએ હાકલ કરી હતી. થોડા સમય પહેલાં એક મુલાકાતમાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે જેમણે મારી ફિલ્મ જોવી હોય તે જુએ અને નહીં જોવી હોય તે નહીં જુએ મને કોઈ ફેર પડતો નથી! આલિયાના આ તોછડા જવાબથી દર્શકો ભારે ગુસ્સે ભરાયા હતા. દર્શકો ભારતીય સંસ્કૃતિનું સતત અપમાન કરતા બોલિવૂડિયાઓથી કંટાળ્યા છે. અનુરાગ કશ્યપથી માંડીને સ્વરા ભાસ્કર જેવાઓએ દેશહિત વિરુદ્ધ સ્ટેન્ડ લીધું છે એની નોંધ રાષ્ટ્રવાદીઓએ લીધી છે. ફિલ્મો ડૂબી રહી છે એ જોઈને બોલિવૂડિયાઓ પણ ચિંતિત છે. તેઓ તમાચો મારીને ગાલ લાલ રાખી રહ્યા છે. જોકે અંદરખાને તેઓ સમજી ગયા છે કે હવે હિન્દુ ધર્મ અને દેશનું સતત અપમાન કરતાં દૃશ્યો ફિલ્મમાં બતાવવાને કારણે ફિલ્મને લાભ કરતાં નુકસાન જ વધુ થવાનું છે. હમણાં તો એમ લાગે છે કે રાષ્ટ્રવાદીઓ વિરુદ્ધ બોલિવૂડના આ યુદ્ધમાં છેલ્લું હાસ્ય રાષ્ટ્રવાદીઓનું જ રહેશે!⬛vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...