અગોચર પડછાયા:નતાશા

જગદીશ મેકવાન13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેકબને છેલ્લા ચાર-પાંચ દિવસથી લાગતું હતું કે એક છોકરી એનો પીછો કરી રહી છે. એટલે આજે એણે ખૂબ જ હોશિયારીથી પોતાની કાર ગલીમાં વાળીને એકદમ જ ઊભી કરી દીધી અને દોડીને ગલી પસાર કરીને ફરીને પાછો એ જ ગલીમાં આવ્યો. એણે જોયું કે એનો પીછો કરનાર છોકરી જેકબની કાર પાસે ઊભી હતી. જેકબે કડકાઈથી પૂછ્યું, ‘તું મારો પીછો કેમ કરે છે? હું પોલીસને બોલાવીશ.’ ‘મારે તને તારી પ્રેમિકા નેન્સી વિશે કંઈ કહેવું છે.’ પેલી યુવતી બોલી. * * * પંદર મિનિટ પછી જેકબ અને એ યુવતી સ્ટારબક્સમાં બેઠાં હતાં. એ યુવતી બોલી, ‘મારું નામ નતાશા છે. નેન્સી ફક્ત તારી નહીં, પણ મારા બોયફ્રેન્ડની ગર્લફ્રેન્ડ પણ હતી અને નેન્સીના કારણે મારા બોયફ્રેન્ડે મને છોડી દીધી હતી.’ ‘અને તું એ વાતનો બદલો લેવા માંગે છે?’ ‘ના. તને બચાવવા માગું છું.’ નતાશાના સ્વરમાં રહેલી બીકની કંપન જેકબ અનુભવી શક્યો. એટલે એ બોલ્યો, ‘મને કોનાથી બચાવવા માંગે છે તું?’ ‘તારી ગર્લફ્રેન્ડ નેન્સીથી. તું પણ મારા બોયફ્રેન્ડની જેમ ગાયબ થઈ જઈશ.’ ‘તું મારી પાસેથી શું ઈચ્છે છે?’ ‘નેન્સીને છોડી દે.’ ‘વોટ રબિશ. નેન્સીએ તારો બોયફ્રેન્ડ છીનવી લીધો તો તું એના બોયફ્રેન્ડને એનાથી દૂર કરી દઈશ, એમ?’ ગુસ્સાથી બોલીને જેકબ ઊભો થઈ ગયો અને કેફેની બહાર જવા એણે પગ ઉપાડ્યો, પણ નતાશાના મુખેથી નીકળેલું વાક્ય સાંભળીને એના પગ ફર્શ પર જ ચોંટી ગયા. નતાશાએ એ વાક્ય ફરીથી ઉચ્ચાર્યું, ‘આપણા ટાઉનમાં નેન્સીને લીધે અત્યાર સુધીમાં બાર છોકરાઓ ગાયબ થઈ ચૂક્યા છે. તું તેરમો છે. મેયર અને એજન્ટ સ્ટિફન પણ આ વાત જાણે છે. એમણે નેન્સીને કસ્ટડીમાં પણ લીધી હતી અને આજની તારીખમાં પણ તપાસ ચાલુ જ છે.’ ‘બાર છોકરાઓ?’ જેકબને આઘાત લાગ્યો. એ ખૂબ જ ધીમેથી બોલ્યો, ‘પણ એણે તો મને એના માત્ર બે જ અફેર વિશે જણાવ્યું છે. જો મેયર અને એજન્ટ સ્ટિફન પણ આ મામલે તપાસ કરી રહ્યા હોય તો આ તો એક પોલીસ કેસ ગણાય.’ ‘હા. હું તને એના બધા જ પ્રેમીઓ સાથેના ફોટા અને એના ઘરમાં આવતા-જતા એના પ્રેમીઓના સીસીટીવી ફૂટેજ પણ બતાવી શકું એમ છું.’ નતાશા બોલી, ‘ચલ મારા ઘરે.’ * * * લગભગ અડધા કલાક પછી બંને જણ નતાશાના ઘરે બેઠાં હતાં. નતાશાએ લેપટોપમાં નેન્સીના પ્રેમીઓના ફોટા બતાવ્યા. જેકબે સવાલ કર્યો, ‘આ બધા ફોટા તું ક્યાંથી લાવી?’ ‘આ એજન્ટ સ્ટિફનનું લેપટોપ છે. મેં ચોરી લીધું. એજન્ટ સ્ટિફને એ ફોટા નેન્સી અને એ બારેય છોકરાઓએ છોડી દીધેલી પ્રેમિકાઓના ફેસબુક પેજ પરથી મેળવ્યા હતા.’ નતાશાના સ્વરમાં શરારતનો ભાવ હતો. જેકબે પૂછ્યું, ‘પણ આનાથી એવું કઈ રીતે સાબિત થાય કે નેન્સીના લીધે એ બાર જણ ગાયબ થયા છે? કેમ કે એવું કાંઈ હોત તો અત્યાર સુધીમાં તો મેયર અને એજન્ટે એને જેલ ભેગી કરી દીધી હોત.’ ‘તું આ સીસીટીવી ફૂટેજ જો. તારી પ્રેમિકાના ઘરના જ સીસીટીવી ફૂટેજ છે. જાણે એણે જાણી જોઈને જ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા સીસીટીવી ના લગાવ્યો હોય?’ નતાશાએ સીસીટીવી ફૂટેજ ચાલુ કરીને આંગળી ચીંધી અને કહ્યું, ‘આ જો રાત્રે અગિયાર વાગ્યે મારો બોયફ્રેન્ડ અને તારી ગર્લફ્રેન્ડ બંને જણ તારી ગર્લફ્રેન્ડ નેન્સીના ઘરમાં પ્રવેશે છે. હવે જો આ રાતના બે વાગ્યાના ફૂટેજ...’ ‘આમાં તો તારો બોયફ્રેન્ડ બહાર આવીને પોતાની કારમાં પાછો જાય છે.’ ‘ના. એની હાઈટ જો.’ ‘હં...’ ચોંકી ગયેલો જેકબ બોલ્યો, ‘હાઈટ તો ઓછી છે.’ ‘એ નેન્સી છે, જે મારા બોયફ્રેન્ડનાં કપડાં પહેરીને હૂડીમાં મોં છુપાય એ રીતે કાર લઈને જતી રહે છે. તું બારે બાર જણના સીસીટીવી ફૂટેજ ચેક કર. આ જ રીતે નેન્સી એ છોકરાઓનાં કપડાં પહેરીને બહાર આવી છે અને બધા જ બોયફ્રેન્ડ અંદર રહી ગયા છે.’ ‘તો તું આ વાત મેયર અને એજન્ટને કેમ નથી જણાવતી?’ ‘મારી મજબૂરી છે, પણ એ વાત પછી ક્યારેક કરીશ. હમણાં તો તું તારો જીવ બચાવ એટલું પૂરતું છે.’ નતાશાએ દુ:ખી અને નિરાશ સ્વરે કહ્યું. * * * બીજે દિવસે જેકબના પ્રયાસોથી નેન્સીના ઘરમાં પોલીસની રેડ પડી. એના ઘરના છૂપા તહેખાનામાંથી બાર નહીં, પણ કુલ તેર હાડપિંજર મળી આવ્યાં. નેન્સીની ધરપકડ થઈ. એણે કબૂલી લીધું કે એ સાઈકો છે અને એને માનવ માંસ ખાવામાં આનંદ આવે છે. * * * નતાશાનો આભાર માનવા જ્યારે જેકબ નતાશાના ઘરે ગયો ત્યારે નતાશાના પડોશીએ કહ્યું કે નતાશા તો બે મહિનાથી ગાયબ છે. * * * આશ્ચર્યથી ઘેરાયેલો જેકબ સ્ટારબક્સ પર નતાશા વિશે કદાચ કંઈક માહિતી મળે, તો એ મેળવવા પહોંચ્યો. ત્યાં સ્ટારબક્સના સીસીટીવી ફૂટેજમાં એને જોવા મળ્યું કે એ એકલો જ કેફેમાં આવ્યો હતો. બે કોફી મંગાવી હતી. એમાંની એક કોફી એણે પીધી હતી, પણ બીજી તો ટેબલ પર એની સામે જ એમ ને એમ જ પડી રહી હતી અને એ એકલો એકલો જ, જાણે સામે કોઈ બેઠું હોય અને એની સાથે વાત કરતો હોય એમ બડબડ કરી રહ્યો હતો. હવે જેકબને ખ્યાલ આવ્યો કે નેન્સીના ઘરમાંથી તેરમું હાડપિંજર મળ્યું એ કોનું હતું?⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...