કિંચિત્:વાર્તાકારનો ‘વાતમેળો’

મયૂર ખાવડુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સારો સર્જક કોઈની સીધી અસર તળે આવતો નથી

પંચમહાલ જિલ્લાનું દેવગઢબારિયા ઘનશ્યામ દેસાઈનું વતન. પિતા ઓચ્છવલાલ દેસાઈ અને માતા કમળાબહેન ઓચ્છવલાલ દેસાઈ. એક જ ધર્મના હોવા છતાં બને વચ્ચે વાંધો પડ્યો હતો. તેમના ધર્મના ઝઘડાની અસર ઘનશ્યામ દેસાઈના પરિવાર પર ખૂબ પડેલી. કોઈ સૌંદર્ય પ્રસાધનો વાપરતા નહોતા. વાળમાં રંગ કરતા નહોતા. સર્જનમાં તેમની કોઈ પ્રેરણામૂર્તિ છે? તો કે નહીં. નંબરના ચશ્મા પહેરવાના, બાકી ગોગલ્સનું કોઈ વળગણ નહીં. એક જ કામ અને એ કામ વાર્તા... વાર્તા... વાર્તા... મોટાં માથાંઓની વાર્તા અને ટાબરિયાંઓની વાર્તા! તો હા, તેઓ ગુજરાતી સાહિત્યમાં પોતાની વાર્તાઓ માટે ઓળખાય. ‘કાગડો’ અને ‘ટોળું’નું તો શું કહેવું! એવું જ પાછું ‘ગોકળજીનો વેલો.’ ‘ટોળું’ વાર્તા માટે તો રાધેશ્યામ શર્માએ કહેલું કે, ‘એક જ વાર્તાસંગ્રહ માટે વિવેચકો ‘ટોળું’ વળી જાય એવા વિરલ ઘટનાસર્જક વાર્તાકાર-બાળકથાકાર-સંપાદક ઘનશ્યામ દેસાઈ.’ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓનાં સંપાદનનું પરિશ્રમકાર્ય કરવાનું હોય ત્યારે આ ત્રણમાંથી એક વાર્તા તો મૂકવી જ રહી. સંપાદક પણ પ્રસ્વેદે ન્હાય કે આ ત્રણમાંથી કઈ એક લેવી. સારી વાર્તા લખવા માટે તેઓ નિરીક્ષણને પ્રથમ સ્થાન આપે છે. ‘વાતમેળો’ પુસ્તકમાં ઘનશ્યામ દેસાઈનો હીના શાહે લીધેલો ઈન્ટરવ્યૂ છે. આ ઈન્ટરવ્યૂમાં તેઓ બે લીટીમાં પોતાનું વાર્તા પ્રત્યેનું મમત્વ વર્ણવે છે. કહે છે, ‘એક વાર્તા હું લખું પછી પાંચથી છ વાર વાંચી જાઉં. સર્જક ઉપરાંત મારામાં રહેલો વાચક એને સતત મૂલવતો રહે પરિણામે સર્જક પણ જાગ્રત રહે.’ તેમની સાહિત્યિક કારકિર્દીનો દીર્ઘ ઈન્ટરવ્યૂ વાર્તાકાર કિરીટ દૂધાતે લીધેલો છે. કિરીટ દૂધાતે જ તેમની શ્રેષ્ઠ વાર્તાઓનાં પુસ્તકનું સંપાદન પણ કરેલું છે. આ ઈન્ટરવ્યૂમાં ઘનશ્યામ દેસાઈએ પોતાની ઘણી અંગત-અંગત વાતોને ઉજાગર કરી છે. તેના પર એક કિંચિત્ નજર નાખીએ. લખવાનો શોખ એમને કિશોરવસ્થાથી જ લાગેલો હતો. પહેલાં રસ કેળવાયો કવિતા તરફ. કવિતા લખી નાખી. મોટાભાઈને વાંચવા આપી તો આશ્ચર્યથી કહે, ‘કોઈની લખેલી છે?’ કવિતા પછી વિવેચન આવ્યું. વડોદરાના ગ્રંથાલયમાં કોલેજનું વાંચવા ગયા તો ઊધઈ જ બની ગયા સમજો! દિવસના દસ દસ કલાક સુધી વાંચે. તેઓ વાંચતા એ સમયે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ત્યાં એમ.એ કરતા હતા અને આપણા સુરેશ જોષી પણ ખરા. સુરેશ જોષીનું લખાણ તેમને ખૂબ ગમે. ગુલામ મહોમ્મદ શેખ સાથે પણ મિત્રતા કેળવાય. સાર્ત્ર, કામૂ, હેમિંગ્વે, ચેખોવ, આલ્બર્ટો મોરાવિયો અને આર્થર મિલરને ખૂબ વાંચ્યા. દોસ્તોયેવસ્કી તેમનો પ્રિયસર્જક. જ્યારે પણ વાંચે નવું જ લાગે. એમને વારંવાર વાંચી તેમના મનમાં પ્રશ્ન ઉદ્દભવે કે એવું શું છે જે આ સર્જકોને જૂના થવા દેતું નથી. જ્યારે પણ વાંચો કંઈક નવું જ લાગે. ઘનશ્યામ દેસાઈ કહે છે, ‘સારો સર્જક કોઈની સીધી અસર તળે આવતો નથી. વળી, લેખક પાસે ઉત્તમ વાંચન તો હોવું જ જોઈએ. ઉત્તમ વાંચનથી એ પણ સમજાય કે હવે આપણે શું નથી લખવાનું. ટૂંકમાં, ઉત્તમ વાંચન આપણી દિશા બને છે. ચાલવાનું તો સર્જકે જ હોય.’ ઘણાંને પ્રશ્ન થતો હશે કે ઘનશ્યામ દેસાઈએ માત્ર વાર્તાઓ જ શા માટે લખી? આવો પ્રતિભાવાન સર્જક અન્ય સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ ન કરે એ જ નવાઈ. તેનો ઉત્તર એવો છે કે એમને જે કહેવું હતું એ તેમણે વાર્તાના માધ્યમથી જ કહ્યું. તેમને નવલકથા લખવાનો ક્યારેય વિચાર નહોતો આવ્યો. હા, એક લઘુનવલ લખવાનો આછોઆછો વિચાર પાંગર્યો હતો. એક વખત તેઓ લખવા બેઠા. વાર્તા લખી નાખી. એવામાં કોઈએ એ જ કથાવસ્તુ સાથે લખાયું હોવાની જાણકારી આપી. ઘનશ્યામ દેસાઈથી રહેવાયું નહીં. તેમણે ત્યાં જ વાર્તા ફાડી નાખી. તેમનું માનવું હતું કે, ‘બીજાનું તો ઠીક પોતાનું પણ અનુકરણ ન થવું જોઈએ.’ ઘનશ્યામ દેસાઈએ ‘વાતમેળો’ પુસ્તકમાં એક કિસ્સો કહ્યો છે. ગુજરાતી રંગભૂમિના એક મોટા અભિનેતા કોઈ હસ્તપ્રત લઈ તેમની પાસે આવ્યા. તેમણે નવલકથા લખી હતી અને તેમને કોઈએ કહ્યું હતું કે ઘનશ્યામ દેસાઈને જઈ બતાવો. તો આવ્યા ઘનશ્યામભાઈની પાસે. ઘનશ્યામભાઈએ વાંચી અને કહ્યું, ‘છપાવવા જેવી નથી.’ એ અભિનેતાએ પછી એ નવલકથા છપાવી જ નહીં. આ રીતે ઘનશ્યામભાઈએ ગુજરાતી વાચકોની દુર્દશા થતી બચાવી લીધી.⬛cmayur835@gmail.com

અન્ય સમાચારો પણ છે...